દ્વિધા
દ્વિધા
યશસ્વીને આજે કોલેજના દિવસો યાદ આવી રહ્યા હતા. કયારેય કોઈ બાબત ગંભીરતાથી લેવાની નહીં. હસી મજાકમાં દિવસ પસાર થઈ જતા.તે તો અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ થઈ હતી. પરંતુ એ તો એનું પુસ્તકીયુ જ્ઞાન હતું. એને ક્યારેય કોઈ બાબતમાં ખાસ વિચાર્યું જ ન હતું. પુસ્તકમાં લખેલું પરીક્ષા વખતે વાંચીને પાસ થઈ જવું. કોઈ બાબતમાં એને ક્યાં ઊંડાણપૂર્વક વિચાર્યું હતું ?
શેક્સપિયરની ચોપડી અભ્યાસક્રમમાં આવતી ત્યારે એને હેમલેટનો સંવાદ યાદ હતો " ડુ ઓર નોટ ટુ ડુ "ત્યારે એ હસીને કહેતી ઠીક છે. એમાં આટલું બધું વિચારવાનું જ ના હોય. આ અંગેજી સાહિત્ય તો ઘરનાના આગ્રહને વશ થઈને લેવું પડ્યું. પણ એમાં તો બધી જ દ્વિધા ની જ વાત. જ્યારે ગુજરાતી સાહિત્યમાં તો કેટલી સુંદર વાત "યા હોમ કરીને પડો, ફતેહ છે આગે " આ બધું વિચારવાનું આપણું કામ નહીં. ત્વરિત નિર્ણય લેવો જોઈએ. કહેવાય છે કે " ડીલે ઈસ અ ડેન્જર. "
પરંતુ આજે એ બધી વાતો એને યાદ આવી રહી હતી. પરણ્યા બાદ સાસુ-સસરા સાથે લગભગ એકાદ વર્ષ સુધી રહી હતી. કારણ કે એના પતિનું પરદેશ જવાનું નક્કી જ હતું. જાે કે સાસુ-સસરા એટલા તો પ્રેમાળ હતા કે એને વર્ષ દરમિયાન મા બાપથી દૂર હોવાનો અહેસાસ થતો જ ન હતો. એની પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે એનો પતિ એકનો એક હતો. ઘરમાં દીકરીની ખોટ હતી. યશસ્વીના આવ્યા બાદ જાણે કે સસરાની દીકરીની ઈચ્છા પરિપૂર્ણ થઈ ગઈ હતી.
જ્યારે એ પરદેશ જવાની હતી ત્યારે પણ એક મા તથા પિતા દીકરીને ત્યાં જે રીતે સંભાળ રાખવાની સલાહ આપે એ જ રીતે એના સાસુ સસરા એને સલાહ સૂચનો આપે રાખતા હતા. એ તો ઠીક પરંતુ એમને તો એટલે સુધી કહ્યું કે ,"તારી તબિયત સાચવજે. તબિયતના ભાેગે નોકરી ના કરીશ અને તું પૈસાની તો બિલકુલ ચિંતા ના કરીશ. જ્યારે પણ જરૂર લાગે તો અહીંથી પૈસા મંગાવી લેજે. અમારા પૈસા તમારા કામમાં આવે એથી વધુ આનંદની વાત તો કઈ હોઈ શકે ? અમારી પાસે ઘણું છે. અમને પૈસા મોકલવાની તમે ચિંતા ના કરતા. શાંતિથી જિંદગી પસાર કરજો. બંને જણા ખૂબ ખુશ રહેજો. "
યશસ્વીને થયું કે જ્યારે સમાજમાં ચારે તરફ પૈસાની બોલબાલા છે ત્યારે આવા માણસો પણ છે અને પોતે કેટલી નસીબદાર છે કે આ વ્યક્તિઓ એની પોતાની છે !
ત્યાં એ બંને જણાં ખુશ હતાં. બંને જણા ખૂબ ભણેલા હોવાથી સહેલાઈથી નોકરી મળી ગઈ. થોડા સમય બાદ જ્યારે એને સાસુ સસરાને સારા સમાચાર આપ્યા ત્યારે એના સાસુ સસરાએ કહ્યું, "નોકરી છોડીને ભારત આવતી રહે. બાળકના જન્મ બાદ તું પાછી જતી રહેજે. આવા સમયે તારે કોઈકની જરૂર પડે. અહીં તો તારું બધું સચવાઈ જશે." જ્યારે એના મા બાપે કહ્યું," અમે ત્યાં તારી પાસે આવીશું. એ બહાને અમે પરદેશમાં ફરી પણ લઈશું. તારા કામમાં પણ આવીશું. તું ટિકિટ મોકલી આપજે. "
યશસ્વી મનેામન સાસુ-સસરા અને મા-બાપની સરખામણી કરી બેઠી. એના પતિએ તો મા-બાપને અહીં બોલાવવા માટે ફોન કરેલો. ત્યારે એમણે કહેલું ,"બેટા તમે પૈસા કમાવા માટે ત્યાં ગયા છો એમાં અમારો ખર્ચો શું કામ કરો છો ? યશસ્વી ને જ ભારત મોકલી આપ." જયારે એના માબાપે કે કહ્યું ,"ટિકિટ મોકલી આપ" મા-બાપ ને સાસુ-સસરાની તુલનામાં સાસુ સસરાનું પલ્લુ ભારે રહ્યું હતું.
યશસ્વી ભારત આવી ત્યારે તેના માબાપે લોકલાજે કહ્યું હતું ,"તું અમારે ત્યાં જ રહેજે." યશસ્વીને ખબર નહિ કેમ પણ એ શબ્દોમાં ભરપૂર સ્વાર્થ દેખાતો હતો. જ્યારે એના સાસુ સસરા તો જાણે નિ:સ્વાર્થ ભાવે કહેતા હતા, "યશસ્વી તારા આવવાથી અમારે દીકરી નહિ હોવાની ખોટ પુરાઈ ગઈ. "
જ્યારે એ દીકરો લઈ અમેરિકા જઈ રહી હતી ત્યારે પણ એના સાસુએ કહ્યું, "બેટા તું નોકરીએ જવાની ઉતાવળ ના કરીશ. અને હા બાળકને બેબી સીટીંગમાં તો મૂકીશ જ નહીં એને ત્યાંના સંસ્કાર પડે. "પરંતુ એના મા-બાપ એ તો કહેલું ," ત્યાં જાય છે તો તું પૈસા કમાવા માટે જાય છે. આ ઉંમર જ પૈસા કમાવાની છે. તું કહેતી હોય તો અમે તારી સાથે આવીએ. તારું બાળક પણ સચવાશે અને બેબી સિટિંગના પૈસા પણ બચી જશે. તું શાંતિથી નોકરી કરી શકીશ પૈસા પણ બચી જશે. "
યશસ્વી વિચારતી હતી કે એના સાસુ-સસરા પણ એવું કહી શક્યા હોત. પરંતુ એમને તો કહ્યું ," મા તો ઉત્તમ શિક્ષક છે. એક મા સો શિક્ષક બરાબર છે. બાળક તો કુમળા છોડ જેવું છે જેમ વાળો એમ વળે. એટલે નાનપણમાં તો બાળકને માના જ સંસ્કાર મળવા જોઈએ. પૈસા કરતાંય સંસ્કારનું મૂલ્ય ઘણું વધું છે. અને યશસ્વી તને ખબર છે. મારો દીકરો અમારા બન્નેની ટિકિટ મોકલે, અમને ત્યાં ફેરવે, તે ઉપરાંત અમે છ મહિના રહીએ તો તમારે બે જણાંનો વધુ ખર્ચ ભોગવવો પડે. એના કરતાં તમે બંને જણા બાળકને તમારી રીતે ઉછેરીને મોટો કરો. આપણે દરરોજ ફોન પર વાતો કરીએ જ છીએ અને હવે તો એકબીજાને જોઈ શકીએ છીએ. આપણે વિડીયોકોલ સવાર-સાંજ કરીશું. કંઈ પણ તકલીફ હોય તો તું ફોન કરજે. ભલે અહીં રાત હોય કે સવાર હોય. પાેતાના જેને ગણ્યાં હોય એની સાથે જ્યારે ઈચ્છા થાય ત્યારે વાત કરી શકાય. એ વખતે ઘડિયાળમાં સમય જોનારના પ્રેમમાં ચાેકક્સ ઊણપ હોય. ઈશ્વર કરે અને ક્યારેય આપણા પ્રેમમાં ઊણપ ના આવવી જોઈએ.
દિવસો વીતતા જતા હતા. હવે તો યશસ્વી નોકરી કરતી હતી. એનો દીકરો પણ મોટો થઈ ગયો હતો. સરસ રીતે જિંદગી પસાર થઈ રહી હતી. પરંતુ એકવાર સમાચાર આવ્યા કે એના સાસુ દાદર પરથી પડી ગયા અને તત્કાળ મૃત્યુને શરણ થઈ ગયા. યશસ્વી ખૂબ રડી. બંને જણા ભારત પાછા આવી ગયા.
યશસ્વીએ કહ્યું, " પપ્પા, હવે તો અમે તમને છોડીને પાછા અમેરિકા નહીં જઈએ. અમે જતા રહીશું તો તમારું કાેણ ? હા, અમારો દીકરો ત્યાં ભણે છે એ ત્યાં જ રહેશે. પરંતુ અમે અહીં તમારી પાસે રહીશું. આમ પણ અમારે ત્યાંનું પેન્શન ચાલુ થઈ ગયું છે. અમને પૈસા કરતાં વધુ જરૂર તમારી છે. "
પરંતુ યશસ્વી અને એનો પતિ એના પપ્પા સાથે જ રહયાં. દિવસો પસાર થતા હતા. યશસ્વીનો દીકરો ત્યાં જ ભણ્યો હતો એને સારી નોકરી પણ મળી ગઈ હતી. યશસ્વીને હવે દીકરાના લગ્નની ચિંતા હતી. પરંતુ એના અમેરિકાના નિવાસ દરમિયાન એની બહેનપણી જે ભારતીય હતી અને એમની જ જ્ઞાતિની હતી એની દીકરી એને પસંદ હતી. એના દીકરાને પણ એ યુવતી પસંદ પડી ગઈ હતી. ભારતમાં એના ધામધૂમથી લગ્ન પણ કર્યા. પરંતુ ત્યારબાદ યશસ્વીના સસરાની ઉંમરને કારણે તબિયત લથડી ચાલી રહી હતી. દીકરો વહુ તો પરદેશ જતા રહ્યા હતા. ત્યાં બંને નોકરી કરતાં હતાં. બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. યશસ્વી એના સસરાની દીકરીથી પણ અધિક ચાકરી કરી રહી હતી. જો કે યશસ્વીને થતું કે દીકરાના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે છતાં પણ એ દાદી નથી બની શકી. એ વાતનું દુઃખ એ જાહેર કરતી ન હતી. પણ ઈશ્વરને આ બાબતે જરૂર પ્રાર્થના કરતી. ઈશ્વરે પણ જાણે એની પ્રાર્થના સાંભળી હોય એમ એક સવારે દીકરા તરફથી એને સારા સમાચાર મળ્યા કે જે સમાચારની વર્ષોથી ઝંખના કરતી હતી. જ્યારે દીકરાને ત્યાં દીકરાે આવ્યાના સમાચાર સાંભળ્યા ત્યારે એ ખૂબ ખુશ હતી. વિડીયોકોલ મારફતે દીકરાનો દીકરો જોઈ લીધો. મન થતું હતું કે હું દાેડીને દીકરા પાસે પહોંચી જવું. પરંતુ સસરાની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. હવે એનાથી અમેરિકા જવાનું વિચારી શકાય એમ જ કયાં હતું ? એવામાં જ યશસ્વીના દીકરાનો ફોન આવ્યો, " મમ્મી, તું અમેરિકા આવી જા. મારો દીકરો રડ્યા કરે છે. અમને તારી ખૂબ જરૂર છે. ઘરમાં વડીલ હોવા જોઈએ. અમે નહીં સાચવી શકીએ. " યશસ્વીને થયું કે હું ઊડીને દીકરા પાસે પહોંચી જાવું પરંતુ સસરાનું શું ? એમણે તો મને દીકરીની જેમ રાખી છે. તો બીજી બાજુ દીકરાને ત્યાં લગ્ન બાદ આઠ વર્ષે દીકરો આવ્યો છે. બંનેને મારી સરખી જ જરૂર છે. અત્યારે એને શેક્સપિયર યાદ આવી ગયો. " ડુ ઓર નોટ ટુ ડુ "એવું "જિંદગીમાં ક્યારેક અનુભવવું પડે છે. સસરાએ કહ્યું, " બેટા, તું જા. હું તો ખર્યું પાન છું. તારી ત્યાં વધારે જરૂર છે. અને હું પણ સમજી શકું છું કે મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય. "
આખી જિંદગી તો સસરાએ એના પતિ પાછળ ખર્ચી નાખી છે. દીકરા પાસે એની મા છે. હું ત્યાં જઈશ તો અહીં સસરાનું શું ? અમારે અમેરિકા નથી જવું. વડીલોની સેવા કરવી જોઈએ, આ ઉંમરે એમને એકલા પણ ના મુકાય કે ના વૃદ્ધાશ્રમમાં મુકાય. એમના તો આશીર્વાદ લેવા જોઈએ.
જો કે એના પતિને હતું કે યશસ્વી લાગણીમાં તણાઈ ને અમેરિકા દીકરા પાસે જવાનો નિર્ણય કરશે તો એના પિતા નું શું ? પરંતુ યશસ્વીએ એના દીકરાને ફોન કરીને કહી દીધું, " બેટા, તારા સાસુ ને જરૂર પડે બોલાવજે. અમે તો દાદા પાસે જ રહીશું. આ નિર્ણય બાદ તો એની બધી જ દ્વિધાનો અંત આવી ગયો હતો. એમને એમનો નિર્ણય યોગ્ય જ લાગ્યો હતો. એને કોઈ દ્વિધા રહી ન હતી. પરંતુ સંસ્કારી પત્ની મળવા બદલ એના પતિને એની પત્ની બદલ ગૌરવ થયું હતું.
