Prashant Subhashchandra Salunke

Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational

દુશ્મન

દુશ્મન

2 mins
910


“જો દિવ્યા હવે બીજી વખત પણ દીકરી થશેને એ હું ચલાવી નહીં લઉં. આખરે આ ઘરને પણ તેનો વારસ જોઈએ.”

કાંતામાસી વહુને ખખડાવતા આગળ બોલ્યા, “શું આવ્યું રીપોર્ટમાં ?”

દિવ્યાએ રડમસ સ્વરે કહ્યું, “બા, રીપોર્ટ કહે છે કે આ વખતે પણ મને દીકરી જ થશે.”

ત્યાં ઉભેલી દિવ્યાની નણંદ શિલ્પા બોલી, “ઓ તેરી ! ફરી પાછી દીકરી જ!”

કાંતામાસી તાડૂક્યા, “ના... ના... હવે... મને બીજી પૌત્રી નથી જોઈતી, શું સમજી ?”


દિવ્યાએ હકારમાં માથું હલાવ્યું.

કાંતામાસી બોલ્યા, “કાલે જ ડૉ. રાધિકાબેન પાસે જઈ આ સમસ્યાનો નિકાલ કરાવી દે.”

દિવ્યા બોલી, “પણ બા...”

કાંતામાસી, “પણ બણ કશું નહીં. હવે મારે આ ઘરના વારસ એવા મારા પૌત્રનું જ મોઢું જોવું છે સમજી ?”


આખરે નણંદ અને સાસુના મહેણાટોણાથી કંટાળીને દિવ્યા ગર્ભપાત કરાવવા તૈયાર થઇ ગઈ અને એકદિવસ તેની નણંદ શિલ્પા સાથે દવાખાનામાં જઈ તે સમસ્યાનો નિકાલ લાવી દીધો ! ઓપરેશન બાદ ડૉ. રાધિકાબેને દિવ્યાને સલાહસૂચન આપી રહી હતી ત્યારે વચ્ચે જ દિવ્યા હસી પડી. ડૉ. રાધિકાને એ જોઇને અચરજ થયું તેણે પૂછ્યું, “શું થયું દિવ્યા ? કેમ અચાનક હસવું આવ્યું ?”


દિવ્યાએ કહ્યું, “કેવું ગજબ છે નહીં મેમ. આ આખી ઘટનામાં આપણા સ્ત્રીઓનો જ મહત્વનો ભાગ હતો. આજે સ્ત્રીની સહુથી મોટી કોઈ દુશ્મન હોય તો એ પોતે સ્ત્રી જ છે ! હવે જુઓને મને ગર્ભપાત કરાવવા દબાણ કરાવનાર મારી સાસુ અને નણંદ સ્ત્રી... હું મા કે જે ગર્ભપાત કરાવવા તૈયાર થઇ એ સ્ત્રી... તમે કે જેણે આ ઓપરેશન કર્યું એ પોતે સ્ત્રી અને જેની આ ધરતી પર આવવા પહેલા જ હત્યા થઇ એ પણ બિચારી સ્ત્રી !”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational