Dina Vachharajani

Inspirational

4.7  

Dina Vachharajani

Inspirational

દુઆ

દુઆ

4 mins
211


રોજના ક્રમ પ્રમાણે સંધ્યા નાની સાંવરીને હોમવર્ક કરાવવા બેઠી. સ્કૂલની હોમવર્ક બુક બહાર કાઢતાં જ એમાંથી ટીચરે લખેલી નોટ સરકીને નીચે પડી. આશ્ચર્યથી હાથમાં લેતાં એણે વાંચ્યું તો ટીચરે એને સ્કૂલમાં બોલાવેલી. સાંવરીને પોતાના ગજા બહારની પણ સારી ગણાતી કોન્વેન્ટ સ્કૂલમાં મૂકી ત્યારથી આવું તો ચાલ્યા કરતું. હજી ગયે અઠવાડિયે જ એન્યુઅલ ફંકશનમાં સાંવરીએ ગાવાનું હોવાથી એના ડ્રેસ વિષે વાત કરવા બોલાવેલી તે પોતે જઈ આવેલી. હવે પાછું શું હશે ? ફેરવી-ફેરવીને બીજા ધોરણમાં ભણતી સાંવરીને પૂછ્યું પણ એ તો માથું ધુણાવી બહાર રમવા ભાગી ગઈ. 'જે હશે તે , કાલે ખબર. . . . . ' વિચારતાં એ કામે લાગી.

સાંવરી ભણવામાં, બીજી પ્રવૃત્તિઓમાં, ખાસ કરીને ગાવામાં ખૂબ સારી હતી એટલે ટીચર્સ પાસે હંમેશાં એના વખાણ જ સાંભળવાનાં રહેતાં એટલે આજે પણ સંધ્યા એવા વિશ્વાસ સાથે ટીચરને મળવા ગઈ પણ વાતાવરણ તો જુદુ જ હતું. સંધ્યાને લાંબુ ઠપકાં ભર્યું લેક્ચર આપતા ટીચરે કહ્યું કે "બાળકોને ઘરની બાબતોથી માહિતગાર રાખવા જોઈએ. મા-બાપ શું કામ કરે છે એ પણ એમને ખ્યાલ હોવો જોઈએ. તો જ એ ઘરનાં વાતાવરણને સમજી શકે. કાલે બધાં બાળકોને પિતાના વ્યવસાય વિષે પૂછ્યું. સાંવરી પાસે કોઈ માહિતી જ નહોતી. " સંધ્યા માટે આ આશ્ચર્યની વાત હતી કારણ એમના ઘરમાં ખૂબ પ્રેમાળ વાતાવરણ હતું ને સાંવરીને એનાં પિતાના વ્યવસાય વિષે બરાબર ખબર હતી. ઓછું ભણેલી પણ બાળમાનસને બરાબર સમજતી સંધ્યાએ કળથી સાંવરીના મનની વાત કઢાવતાં એ બોલી " બધાના પપ્પા તો મોટી ઓફીસોમાં કે પોતાની શોપમાં કામ કરે. મને મારા પપ્પાનું કામ જરાય નથી ગમતું. બધા સામે બોલતાં મને શરમ આવે. "

પરિસ્થિતિને કારણે બારમી સુધી જ ભણેલો વિકાસ પોતાના ગજા બહાર ડબલ શિફ્ટમાં કામ કરે છે. પોતાનાં કામ થકી લોકોની સેવા પણ થાય છે એમ સમજતાં વિકાસને તો પોતાના કામથી સંતોષ પણ છે. અને પોતાને વિકાસ પર -- પત્ની અને દીકરી સાંવરીને દુનિયાની બેસ્ટ વસ્તુઓ આપવા આટ-આટલી મહેનત કરતાં પતિ પર ગર્વ છે તો દીકરીના મનમાં આવો વિચાર ક્યાંથી ?. . . . 'વિકાસને ખબર ન પડે એમ મારે સાંવરીને સમજાવવી જ રહી ' સંધ્યાએ વિચાર્યું. . . પણ સાંવરીને સમજાવી શકાય એ પહેલાં તો એ મોટી થતી ગઈ. પોતાના શાળાનાં મિત્રોને એ ક્યારેય પપ્પાથી ન મેળવતી. હવે વિકાસને પણ ખ્યાલ આવી ગયો હતો કે સાંવરી પોતાનાથી દૂર રહે છે. એના કામને કારણે નાનમ અનુભવે છે. પણ સારી કમાણી અને ખાસ તો એના સેવાભાવી સ્વભાવને શાંતિ આપતા કામને છોડવું અઘરૂં હતું.

સાંવરી કોલેજનાં પહેલાં વર્ષમાં આવી. એક સીંગીંગ ટેલેન્ટ શો ના આયોજકો એની કોલેજમાં આવ્યાં. મિત્રોનાં આગ્રહથી એ પણ ઓડીશન આપવા ગઈ ને એના શહેરમાંથી એક સ્પર્ધક તરીકે એની પસંદગી થઈ ગઈ. હવે એમની તાલીમ અને સ્પર્ધા માટે લાંબો સમય ઘરથી દૂર . . મોટા શહેરમાં રહેવાનું હતું. દુનિયા અને દુનિયાદારીનો પણ આ પ્રથમ જ અનુભવ હતો.

બધાં તરુણ સ્પર્ધકો સાથે એમના માતા-પિતા આવતાં. . ટીવી શો દરમ્યાન એમનો પરિચય પણ અપાતો પણ સાંવરી માટે તો હંમેશા તેની મમ્મી જ આવતી. સાધારણ આર્થિક પરિસ્થિતિમાં પણ દીકરીને આટલું પ્રોત્સાહન આપવા એનાં વખાણ થતાં. ક્યારેક પપ્પા વિષે સવાલ થાય તો એને ટાળી શકાય એટલી તો સાંવરી હોંશિયાર થઈ ગઈ હતી !

એવામાં મહામારીએ દુનિયા પર આક્રમણ કર્યું. લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થતાં ગયાં. આવા લોકોની પાસે જવાથી પણ ચેપ લાગતો. એટલે કોઈ-કોઈની મદદ કરે એ તો શક્ય જ નહોતું. સારવારના અભાવે લોકો મરી રહ્યાં હતાં. એમને હોસ્પિટલમાં પહોંચાડવા કે મૃતદેહોને સ્મશાને પહોંચાડવા પણ કોઈ સામાન્ય લોકો આગળ ન આવતાં. ત્યારે ડોક્ટર્સ-નર્સ-એમ્બ્યુલન્સ સર્વિસ -પુલિસ-સફાઈ કામદાર જેવા યૌધ્ધાઓ જ હતાં જે પોતાના જાનની પરવા ન કરતાં લોકોની સેવા કરતાં રહ્યાં. આજે આ લોકોની દુનિયા આખી કદર કરતી હતી. આવામાં લોકોને ભયનાં ઓથારથી દૂર રાખવા મનોરંજન કાર્યક્રમ પણ બનતાં ને પ્રસારિત થતાં.

સાંવરીનો ટેલેન્ટ શો એના અંતિમ ચરણોમાં પહોંચી ગયો હતો. આજે ફાધર્સ ડે સ્પેશીયલમાં બધા સ્પર્ધકનાં પિતા પણ મંચ પર હાજર હતાં એક સાંવરી સિવાય. . . . .

શો શરુ થયો ત્યારથી કંઈક ખોવાયેલી લાગતી સાંવરી ને જ્યારે ગાવા માટે મંચ પર બોલાવવામાં આવી ત્યારે માઈક પકડી એ બધા સ્પર્ધકોનાં માતા-પિતા જ્યાં બેઠાં હતાં ત્યાં તાકી રહી હતી. . . મ્યુઝિક શરુ થયું પણ સાંવરીનાં કંઠમાંથી ગીતનાં શબ્દોને બદલે એક ધ્રૂસકું નીકળ્યું. બધાં સાથે સંધ્યા પણ આશ્ચર્યથી સાંવરીને તાકી રહી. . . . ! થોડી વારે સાંવરીનાં મોઢામાંથી શબ્દો સર્યાં " આઈ એમ સોરી પાપા ! . . . . અત્યાર સુધી મેં તમને અન્યાય કર્યો છે. . . તમારા જે કામને હું નીચું સમજતી રહી એતો આજે મહામારીની પરિસ્થિતિમાં દુનિયાનું સૌથી પવિત્ર કામ છે અને જાતની પરવાહ ન કરી એ સેવા કરનારા તમે સર્વ મહાન છો. . અત્યાર સુધી મારા પપ્પાની ઓળખ બદલ શરમ અનુભવનારી હું આજે ગર્વથી કહું છું કે મારા પપ્પા એમ્બ્યુલન્સ ચલાવવાનું કામ કરે છે ! આપણી જેમ એરકન્ડીશનમાં નથી બેસતા પણ પીપીઈ કીટ પહેરી પરસેવાથી લથબથ, ભૂખ્યાં -તરસ્યાં રહી, એક-એક શ્વાસને વલખતાં લોકોને વિશ્વાસ આપી હોસ્પિટલમાં પહોંચાડે છે. અને અનેક મૃતદેહોને એની અંતિમ મંજિલ સુધી પહોંચાડે છે. આવા પાપાની બેટી હોવાનો મને ગર્વ છે. . . આય લવ યુ પાપા. . !!"

એમ્બ્યુલન્સમાં બેસી, મોબાઈલ પર દીકરીનો શો જોતાં એનાં શબ્દો સાંભળી છલકાયેલાં વિકાસ જેવા કર્મવીરના આંસુઓને સન્માનવા સેટ પર પ્રત્યક્ષ રહેલા સર્વ અને અસંખ્ય અપ્રત્યક્ષ પ્રેક્ષકોના હાથ દાદ આપવા અને દુઆ માંગતા જોડાઈ રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational