દીપ પ્રગટયા
દીપ પ્રગટયા
પ્રિયાંશીની આંખોમાં આંસુ હતા. એની નજર સામેથી છેલ્લા બે મહિનાથી પિયરમાં રહેવું ગમ્યુ ન હતુ. ભલે એ બાવીસ વર્ષ એ ઘરમાં રહી હોય પરંતુ સપ્તપદીના સાત ફેરા ફરી ત્યારથી જ એ ઘર પારકુ બની ગયુ હતુ. માબાપ ખાસ ધ્યાન રાખતા હતા કે દીકરીને ક્યાંય કંઈ ઓછુ ના આવે. જો કે થોડે ઘણે અંશે એના માબાપ પણ અપરાધ ભાવથી પીડાતા હતા. એમને લાગતુ હતુ કે એમણે દીકરી માટે યોગ્યપાત્ર શોધવામાં થાપ ખાધી.
પ્રિયાંશી તો કહેતી હતી કે, "પપ્પા,થોડીક રાહ જોઈએ અમે એકબીજાને સમજી શકીએ." જો કે ત્યારે એના મમ્મીએ કહેલું, "આપણે સ્ત્રીઓ તો જે ઘરમાં જઈએ એવા બની જઈએ. મેં પણ લગ્ન પહેલાં તારા પપ્પા જોડે વાત જ કરી ન હતી છતાંય અમે સુખી જ છીએ ને !જો બેટા આપણામાં કહેવાય છે કે દોસ્તી અને દુશ્મની સરખે સરખા વચ્ચે થાય. હેમાંક્ષનું ઘર પણ આપણા ઘરની જેમ પૈસેટકે સુખી છે. ઘરમાં મોટાભાગના મનદુઃખનું કારણ પૈસો જ હોય છે. તું ત્યાં રાજ કરીશ. હેમાંક્ષે એના બાપનો ધંધો સંભાળી લીધો છે. વ્યવસાય ક્ષેત્રે એનું નામ છે. રહી વાત દેખાવની તો સાંભળ અમે એને જોયો છે કોઈ સિનેમાના હીરોને પણ ટક્કર મારે એવો છે."
આ સાંભળ્યા બાદ એની પાસે દલીલ કરવાનો કોઈ અવકાશ જ ક્યાં હતો ? આંખો બંધ કરીને ઉઘાડી તો જાણે કે લગ્નના ચાર મહિના તો થોડી ક્ષણોમાં વીતી ગયા. પ્રિયાંશી એ સહજતાથી ઘર સંભાળી લીધુ હતું કે જાણે કે એ વર્ષોથી આ ઘરમાં જ રહેતી હોય. સાસરીમાં બધાને એ પ્રિય થઈ ગઇ હતી. એ વિચારતી હતી કે આવતા મહિને વેપારી મંડળની મિટીંગ છે એવી વાત એના પતિએ કરેલી. અને બે દિવસ બાદ જ હેમાક્ષનો જન્મદિવસ હતો. એની ઈચ્છા હતી કે પતિ ગાંધીનગર મિટીંગમાં જાય ત્યારે લગ્ન વખત નો સૂટ નહીં પણ નવો સૂટ પહેરીને જાય. તેથી જ બપોરે એ ખરીદી કરવા નીકળી.
લગ્નબાદ પતિનો પહેલો જન્મદિવસ આવતો હોવાથી એ સૂટનું કાપડ એની સાથે મેચિંગનું શર્ટ, ટાઈ તથા સોનાના કફલિંસ ખરીદી આવી. એ દિવસે એ કેટલી બધી ખુશ હતી ! લગ્ન પછી પતિનો પહેલો જન્મદિવસ આવતો હતો. અત્યાર સુધી તો એના પતિએ એની પોતાની પસંદના જ કપડાં ખરીદીને પહેરેલા. એ ખુશ હતી કે એની પસંદગીના કપડાં પતિ પહેરશે.
બે દિવસ બાદ પતિનો જન્મદિવસ હોવાથી એ વહેલી સવારે ઊઠી ગઈ હતી. ખુશ પણ હતી. પતિને કહ્યું,"આપણે સૌ પ્રથમ મંદિર જઈએ."
મંદિરથી આવ્યા બાદ એણે લાવેલી વસ્તુ પતિને આપી ત્યારે વસ્તુઓ જોઈ ખુશ થવાને બદલે એ ગુસ્સે થઈ ગયો. બોલ્યો, "આટલા બધો ખોટો ખર્ચ કરવાની શું જરૂર હતી ? આવા બધા ખર્ચ તું તારા બાપને ત્યાં કર્યા કરજે. આ ઘર મારૂ છે મારા ઘરમાં રહેવું હોય તો આવુ ઉડાઉપણુ હું નહીં ચલાવુ. નહીં તો તારા બાપને ત્યાં જતી રહે. લાખ રૂપિયાની ખરીદી કરીને આવી. અરે લાખ રૂપિયા કમાઈ જો,એ તો ઠીક એટલા પૈસા બચાવી જો મને ખબર નહીં કે તું આવા ઉડાઉ સ્વભાવની હોઈશ."
પ્રિયાંશીની આંખમાં આંસુ આવી ગયા. શું આ માણસમાં લાગણીનો છાંટો પણ નથી ! કોઈની લાગણીને સમજી પણ નથી શકતો. લગ્ન વખતે એને ભેટમાં મળેલા પૈસાથી ખરીદી કરી હતી. એણે ધાર્યું હોત તો એ પૈસા એના મોજશોખ પાછળ પણ ખર્ચ કરી શકત. પણ હિંદુ નારી તો પતિને પરમેશ્વર માનીને જીવતી હોય છે. પણ જ્યારે પતિ એના માબાપ વિરૂધ્ધ બોલે ત્યારે કોઈ પણ સ્ત્રી સહન ના કરી શકે.
પતિના શબ્દો અસહ્ય થઈ પડ્યા ત્યારે એણે આવેશમાં આવી બેગ તૈયાર કરી પિયરની વાટ પકડી. પરંતુ બે મહિનાથી સતત પતિને યાદ કરતી રહી. અરે ! પિયર આવેલી સરખી સહેલીઓ પણ દિવાળી કરવા સાસરે જવા માંડી હતી. જ્યારે પોતે તો હજી પહેલી દિવાળી હોવા છતાં ય સાસરીના બદલે પિયરમાં પડી રહી હતી.
પ્રિયાંશી વિચારતી હતી કે, "પોતે આવેશમાં આવીને ઘર શા માટે છોડી દીધું ? સાસરીમાં પહેલી દિવાળી એ તો દીવા ઘરની લક્ષ્મી જ પ્રગટાવે ને!એ વિચાર સાથે જ એ બેગમાં કપડાં ભરીને સાસરી તરફ જવા નીકળી ગઈ.
હેમાક્ષને પણ શાંતચિત્તે વિચારતાં લાગ્યું કે એણે એના મોજશોખ પાછળ ક્યાં પૈસા ખર્ચ કર્યા છે ? મારે પત્નીને પાછી બોલાવી જ લેવી જોઈએ. પ્રિયાંશી પિતાને ત્યાં કાર હોવા છતાં પણ રિક્ષામાં સાસરીમાં ગઈ. ઘરમાં પતિ તો હતો નહીં ઘરના નોકરે બારણુ ખોલ્યું એ હકકથી ઘરમાં પ્રવેશી. જાણે કે એણે ક્યારેય એ ઘર છોડ્યું જ ના હોય !
હેમાક્ષ સાસરે પહોંચ્યો ત્યારે સાસરીમાં એનું સ્વાગત કરવામાં આવ્યું પણ જ્યારે એને ખબર પડી કે એની પત્ની એને ઘેર પહોંચી ગઇ છે. ત્યારે એને લાગ્યું કે ભગવાને મને પાંખો આપી હોત તો ઉડીને એ ઘેર પહોંચી જાત.
હેમાક્ષને ઘેર જવાની ઉતાવળ હતી પરંતુ સાસુ સસરાનું અપમાન કરવું સારુ ના કહેવાય. સાંજ ત્યાં જ થઈ ગઇ. હેમાક્ષની કાર ઘર પાસે આવી ત્યારે ચારેબાજુ દિવા પ્રગટાવેલા જોઈ એ મનમાં બોલી ઉઠ્યા, "માત્ર મારા ઘરમાં જ નહીં મારા મનમાં જે અંધાર વ્યાપી ગયેલો કે પૈસા જ સર્વસ્વ છે એ દૂર થઈ લાગણીનો પ્રકાશ વ્યાપી ગયો. "
