Meghal Ben

Inspirational

4  

Meghal Ben

Inspirational

દીકરીનું વ્હાલ

દીકરીનું વ્હાલ

2 mins
180


પ્રિય પપ્પા

હું તમને પૂજ્યનું સંબોધન નહીં કરું, કારણકે પૂજ્યનું સંબોધન તો તેને કરાય જેનાથી આપણે ડરતાં હોઈએ, જેમની સાથે આપણે ખુલ્લા મને કંઈ વાત ના કરી શકતાં હોઈએ. પપ્પા તમે તો અમારી જોડે ક્યારેય પણ એવું વર્તન નથી કર્યું જેનાથી અમને તમારો ડર લાગે. હંમેશા તમે અમારાં બધાં ભાઈ બહેન સાથે એટલું પ્રેમથી રહ્યા છો ને કે તમે એક બહુ જ સારા મિત્ર કરતાં પણ અમને વધારે પ્રિય છો. એટલે જ તો એક મિત્રની જેમ ખુલ્લા મને અમે તમારી સાથે વાત કરી શકતાં,અને કદાચ તમારા આટલાં પ્રેમાળ વર્તાવને કારણે જ અમને દીકરીઓને ક્યારેય પણ અન્ય કોઈ પુરુષનાં પ્રેમનું આકર્ષણ નથી થયું.

મમ્મી તો પ્રેમાળ હોય જ પણ પપ્પા આટલાં બધાં પ્રેમાળ મળવા તે અહોભાગ્યની વાત છે. અમે સાત જન્મ સુધી કોઈ સારા પુણ્ય કર્યા હશે ત્યારે અમને તમારા જેવાં પપ્પા મળ્યાં. આમ તો બધાં પપ્પા પોતાના બાળકોને પ્રેમ કરતાં જ હોય છે પણ એમનો પ્રેમ એમનાં ડર પાછળ છૂપાઈ જાય છે. જ્યારે અમે એટલાં નસીબદાર કે તમારો પ્રેમ અમે ડર વગર પામી શક્યાં.

 બધાં એમ કહે કે બાળકોનાં ઉછેરમાં માનો જ ભાગ હોય છે, પરંતુ અમારાં ઉછેરમાં પપ્પા તમારો ભાગ પણ મમ્મી જેટલો જ છે. તમે રાત્રે ગમે તેટલાં થાકીને ઓફિસથી આવ્યા હોવ તો પણ તમે અમારી પ્રવૃત્તિઓમાં પૂરતું ધ્યાન આપતાં. રોજ રાત્રે તમારી પાસેથી એક સંદેશાત્મક વાર્તા સાંભળવાને કારણે જ કદાચ આ વાર્તાલેખનની કલા મારામાં વિકસેલ છે. આજે પણ જ્યારે હું કંઈ લખવા બેસું ત્યારે મને તમે જે રીતે અમને વાર્તા કહેતાં તે કઈ રીતે રસપ્રદ બને અને એમાં અપાતાં સંદેશની કઈ રીતે ધારી અસર થાય તેનો પૂરતો ખ્યાલ રાખતાં એ યાદ આવતાં જ હું મારાં લેખનમાં આ વાતનો પૂરતો ખ્યાલ રાખું છું. જેથી લોકોને મારું લખાણ વાંચવું ગમે છે. પપ્પા તમારા વિશે તો ઘણું બધું લખી શકીએ પરંતુ આ કોઈ વાર્તા નથી પણ પત્ર છે અને પત્રમાં લખાણ માટે જગ્યાની એક મર્યાદા હોય છે. માટે આ પત્ર મારે વિરમવવો પડે છે.

‌લિ. તમારી વ્હાલી દીકરીનું વ્હાલ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational