Mariyam Dhupli

Drama Tragedy

2.0  

Mariyam Dhupli

Drama Tragedy

ધ્યાન

ધ્યાન

2 mins
601


પલાંઠી અંતિમ પંદર મિનિટથી અતિચુસ્ત હતી . બન્ને હાથની આંગળીઓ પગ ઉપર વ્યવસ્થિત ગોઠવાયેલી હતી . ત્રણ આંગળીઓ છુટ્ટી અને બે આંગળીઓ યોગ્ય આકારમાં વળી હતી . કમર ટટ્ટાર અને આંખો મીંચાયેલી .

ધ્યાન સંપૂર્ણ પણે ધરવાનો પ્રયાસ થઇ રહ્યો હતો . થોડા સમય પછી બજાર જઈ ખરીદવાની સામગ્રી મનની સપાટી ઉપર યાદી રૂપે તરી રહી હતી . ક્યારેક ટ્રાફિકમાં ફસાયેલા વાહનોના કર્કશ હોર્નના અવાજો અડચણ બની રહ્યા હતા તો ક્યારેક નીચેના માળ ઉપરથી ઊંચા સ્વરે ગુંજી રહેલું ધમાકાવાળું સંગીત કાનમાં અફળાઈ રહ્યું હતું . બાળકોના ઓરડામાંથી ધમાલનો અવાજ ધીમે ધીમે વધી રહ્યો હતો . રસોડામાં સ્ટવ ઉપર ગોઠવેલા કૂકરની બે સીટી વાગી ચુકી હતી , હજી ત્રણ સીટીની રાહ જોવાની હતી . સાંજે પાર્ટીમાં જવા માટે કયા કપડાં પહેરવા , એની પસંદગી આંખો આગળ ઉઠી આવતા વિકલ્પોમાંથી નિષ્ક્રિય મનમાં ચોરીછૂપે થઇ રહી હતી .

આ બધા વિઘ્નો વચ્ચે આંખો બળજબરીએ મીંચી, ધ્યાન કેન્દ્રિત કરવાનો સંઘર્ષ યથાવત હતો . થોડા સમય માટે બધી દોડભાગ ભૂલી , બધી ચિંતાઓ વિસરી , બધો તાણ એક તરફ મૂકી એક જુદીજ સૃષ્ટિમાં ખોવાઈ જવાના લાભ એણે વાંચ્યા હતા .

ધ્યાન ધરવાનો નિયમિત મુહાવરો કેટલો લાભદાયી ...

અચાનક બારણે ડોરબેલ રણકી . આ સમયે કોણ આવ્યું હશે ? લોન્ડરીના કપડાં કે પછી અન્ય કોઈ ? પ્રશ્નો વધતા રહ્યા , સાથે સાથે ડોરબેલ નો રણકાર પણ .

નહીં , નહીં , આંખો નથી ઉઘાડવી . હજી પંદર મિનિટ ધ્યાનનો મહાવરો કરવો છે . પણ આ સંદીપ બારણું કેમ નથી ઉઘાડતો ? એ અહીંજ તો છે ...તો પછી ...

આખરે ડોરબેલના રણકાર સામે એણે હથિયાર નાખી દીધા . આંખો સફાળી ઉઘડી . શરીર ઢીલું છોડ્યું . આંગળીઓ છુટ્ટી થઇ . પલાંઠી સંકેલી એ સીધી ઉભી થઇ .

સામે બેઠા સંદીપને જોઈ એને રીતસર ચીઢ ઉપજી . પોતાનો ક્રોધ શબ્દોમાં ઉતારતી એ છણકા જોડે બારણું ખોલવા ઉપડી .

" સંદીપ ડોરબેલ નથી સંભળાતી ? ધ્યાન ક્યાં છે તારું ? જયારે પણ પુસ્તક વાંચે ત્યારે જાણે આખા વિશ્વનું કોઈ અસ્તિત્વ જ નહીં !"


Rate this content
Log in

Similar gujarati story from Drama