ધોધમાર ડરનો વરસાદ
ધોધમાર ડરનો વરસાદ
આજે નીલને ઓફિસથી ઘરે જતા મોડું થઈ ગયું હતું. રાતના અગિયાર વાગ્યા હશે અને આંધી આવવાના અનસાર વર્તાઈ રહ્યાં હતા. વીજળી પણ ચમકીને દસ્તક દઈ રહી હતી. ચારેબાજુ ઘનઘોર અંધારૂ છવાયેલું હતું. ના કોઈ આગળ ના કોઈ પાછળ સૂમસામ રસ્તોને ઉપરથી ગાજવીજ કરતો ધોધમાર વરસાદ પડવા લાગ્યો. જોત જોતામાં બધું જ જળબંબાકાર થઈ ગયું અને તેમાં તેની ગાડી ખરાબ થઈ ગઈ.
આજુબાજુ નજર ફેરવીને જોયું તો દૂર દૂર સુધી કોઈ ગેરેજ પણ નજર નહોતું આવી રહ્યું. મોબાઈલમાં નેટવર્ક પણ પકડવાનું બંધ થઈ ગયું તે જોઈને નીલના ધબકારા વધી ગયા. તનમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. દૂર દૂર સુધી સૂમસામ રસ્તો જોઈને નીલના કપાળે પરસેવો છૂટી રહ્યો હતો. તેને રસ્તાની સાઈડમાં બાઈક પાર્ક કરી રસ્તાની બાજુમા કોઈ લિફ્ટ મળી જાય તે માટે ગાડીની રાહ જોવા લાગ્યો. ઘણા સમય પછી એક ગાડી દૂરથી ધીરે-ધીરે તેના તરફ આવી રહી હોય એવું લાગ્યુ. ગાડી જોઈને નીલને શ્વાસમાં શ્વાસ આવ્યો તેને ગાડી ઊભી રાખવા માટે પોતાનો હાથ લંબાવ્યો. તે ગાડી ધીરે ધીરે આંચકા ખાતી એની પાસે આવી તે જોઈને નીલ તો ફટાફટ ગાડીનો દરવાજો ખોલીને સીટ પર જઈને બેસી ગયો પણ આ શું !
ગાડીમાં તો બેસી ગયો પણ અંદરનું દ્રશ્ય જોઈને તે તો ડઘાઈ જ ગયો. બધી જ ખુશી એક ઝાટકે કે ઘરમાં ફેરવાઈ ગઈ. તેના તો હોશકોશ ઊડી ગયા.તેનું ગળું પણ સુકાવા લાગ્યું. આખો તો તે દ્રશ્ય જોઈને તેના ડોળા પણ બહાર આવી ગયા. હવે તો તેની ધડકનો પણ તે જ થઈ ગઈ. આખા શરીરમાં કંપારી છૂટી ગઈ. કારણકે ડ્રાઈવરની સીટ પર કોઈ જ બેઠું નહતુ તેમ છતાં ગાડીઆ આપોઆપ તેની જાતે જ ચાલી રહી હતી. એક તો ચારે બાજુ ઘનઘોર અંધારું છવાયેલું હતું. રસ્તો સુમસામ હતો. દૂર દૂર સુધી કોઈ જ દેખાતું નહોતું. ના તો કોઈ આગળ દેખાઈ રહ્યું હતું કે ન તો કોઈ પાછળ.ના તો કોઈ આજુબાજુ દેખાઈ રહ્યું હતું અને ઉપરથી વીજળીના કડાકાને ભડાકા સાથે ધોધમાર વરસાદ વચ્ચે હવે જવું પણ ક્યાં તે જ સમજાતું નહોતું. શું કરું ? ગાડીની બહાર જવું કે અંદર બેસી
રહું. હવે શું કરવું તે વિચારી જ રહ્યો હતો ,ત્યાં જ સામે એક વળાંક દેખાયો.
એટલામાં ગાડી પર કાચના દરવાજામાંથી બે હાથ ધડાક દઈને અથડાતા જોયા. અને તેવામાજ વળાંક આવ્યો હતો તે તરફ ગાડી પણ વળી ગઈ. હવે તો તે હાથ પણ ગાયબ થઈ ગયા, તે જોઈને તેના હોશ કોશ ઊડી ગયા બસ હવે તો બેહોશ થવાની તૈયારીમાં જ હતો અને તેને હનુમાન ચાલીસા યાદ આવી ગઈ. તેને વિચાર્યું અંદર રહેવામાં જ ભલાઈ છે અને મનમાં મનમાં હનુમાન ચાલીસના જાપ જપવા લાગ્યો.
હવે ગાડી ધીમે-ધીમે રોકાતી, અથડાતી, ખડકાતી આગળ જઈ રહી હતી. એટલામાં જ રસ્તાની બાજુમાં એક પેટ્રોલ પંપ નજર આવ્યો. જોડે જોડે આ ગાડીને પણ પેટ્રોલ પંપ દેખાઈ ગયો હોય એમ તેની સામે જઈને ઊભી રહી ગઈ તે જોઈને થોડી રાહત થઈ. જાનમાં જાન આવી તેને એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર ગાડીનો દરવાજો ખોલીને ફટાફટ નીચે ઉતરી ગાડીથી દૂર જઈને ઊભો રહી ગયો. ગળું સુકાઈ ગયું હોવા છતાં તેના હાથમાં રહેલી પાણીની બોટલ તેને ડર ના કારણે દેખાઈ નહોતી તે હવે દેખાઈ જતા તેને પાણીની બોટલનું ઢાંકણું ખોલી એક શ્વાસે ગટગટાવી ગયો.
એટલામાં જ એક વ્યક્તિને ગાડીનો દરવાજો ખોલી ડ્રાઈવિંગ સીટ પર બેસવા જ રહ્યો હતો. તે જોઈને નીલ દોડતા દોડતા તેની પાસે પહોંચી ગયો અને હાથ પકડીને બોલવા લાગ્યો, "ઓ ભાઈ સાહેબ આ ગાડીમાં ના બેસો. હું આ જ ગાડીમાં બેસીને અહીં આવ્યો છું. આ ગાડીમાં ભૂત છે." તે સાંભળીને તે વ્યક્તિને તો ખૂબ જ ગુસ્સો આવી ગયો તેને એક જોરદાર કચકચાવીને તમાચો નીલના ગાલ પર જમાવી દીધો અને બોલ્યો "તારી તો.. તું આવીને ગાડીમાં બેઠો ક્યારે ? તું અંદર આવીને બેસી ગયો હતો એટલે જ ! હું વિચારતો હતો કે આ ગાડી અચાનક આટલી બધી ભારી કેમ થઈ ગઈ છે.!
મારો તો ગાડીને ધક્કા મારી મારીને દમ નીકળી ગયો.
આ મારી ગાડી છે, તેમાં પેટ્રોલ ખૂટી ગયું હતું. જેના કારણે ત્રણ, ચાર કિલોમીટરથી ધક્કો મારતા મારતા અહીં સુધી ગાડીને ખેંચીને લાવ્યો છું.