ધનતેરસ
ધનતેરસ


એક સુખી અને સંપન્ન પરિવારમાં રમણભાઈનો જન્મ થયો હતો. પરિવારમાં બે ભાઈઓ અને એક બહેન હતી. ખુબજ સમૃદ્ધ પરિવાર હતો. અશોકભાઈ અને લતાબેને મહેનત કરી આ પરિવાર અને વેપાર વધાર્યો હતો પોતાનો ધંધો હતો અને બજારમાં એક સારી સાખ હતી અશોકભાઈની. વેપારી આલમમાં અશોકભાઈનું બહું જ માન હતું. અશોક ભાઈએ એક નિયમ બનાવ્યો હતો બપોરનું ભોજન બધા સાથેજ લેતા હતા જેથી બધા સાથે રહી શકાય અને નાની મોટી તકલીફોની ચર્ચા જમતાજ થઈ જાય તો એનું નિવારણ લાવી શકાય. આમ દિવસો પસાર થતા રહ્યા અને છોકરીઓ મોટા થયા. રમણભાઈ મોટા હતા તો નાતમાંથી સારું પાત્ર જોઈ પરણાવી દીધા. નાનો દીકરો અનિલ અને પછી દિકરી સરલા હતી.
કોલેજમાં ભણતાજ અનિલને પરનાતની સરોજ જોડે પ્રેમ થઇ ગયો. ઘરમાં વાત કરી તો અશોકભાઈએ ના કહી કે નાત બહાર લગ્ન કરવાથી નાતમાં આબરૂ જાય અને તારી બહેનના લગ્ન માટે સવાલ ઉભા થાય પણ અનિલે કોઈની વાત સાંભળી નહીં અને ઘરમાં ઝઘડો કરીને ધંધામાં ભાગ માંગ્યો અને સરોજની સાથે કોર્ટમાં મેરેજ કરી લીધા અને જુદો રહેવા જતો રહ્યો. બધા સંબંધો તોડીને. ઘરનો માહોલ ગમગીન ભર્યો બની ગયો. સમય જતા સરલાના લગ્ન નાતમાં કરાવી દીધા. અને એક સવારે અશોકભાઈ ઉઠ્યાં જ નહીં. અનિલને જણાવ્યું એણે ના પાડી કે મારે કોઈ સંબંધ નથી એ ઘર સાથે જયાં મારી સરોજનો સ્વીકાર નથી ત્યાં મારે કોઈ સંબંધ નથી. રમણભાઈ એ ઘણું સમજાવ્યું પણ એ એકનો બે ના થયો. અશોકભાઈને એક વર્ષ થયું ને લતાબેન પણ પતિના પગલે ચાલ્યા ગયા.
આમ દિવસો અને મહિના અને વર્ષોના વહાણા વહી ગયા. અચાનક એક સગાં મારફતે રમણભાઈને જાણકારી મળી કે અનિલને એક્સીડન્ટ થયો અને એ બચી શકયો નથી તો રમણભાઈ મોટું મન રાખીને સરોજ અને એના દિકરાને ઘરે લાવવાં ગયાં પણ સરોજે ના કહી. રમણભાઈ પોતાનો ફોન નંબર આપીને કહ્યું જ્યારે જરૂર હોય યાદ કરજો.
રમણભાઈ આજે સવારથી જ વ્યસ્ત હતા. બપોરનું ભોજન ઘરે જવાના બદલે ઓફિસમાં મંગાવી લીધું હતું. રાત્રિના દસ વાગ્યા હતા ઘરેથી બે - ત્રણ ફોન આવી ગયા હતા. આખરે અગિયાર વાગે ઓફિસ વધાવી ઘરે પહોંચ્યા. બધા રાહ જોઈ બેઠા હતા. જમતી વખતે આડા અવળી કોઈજ વાતો ના કરવી એ રમણભાઈનો નિયમ હતો. જમ્યા પછી સોફા પર બેસી મુખવાસ ખાતાં ખાતાં સમાચાર જોવા ટી.વી ચાલુ કર્યું અને સમાચાર જોવા લાગ્યા. એમણે એમની પત્નીને કહ્યું કે 'કાલે ધનતેરસ છે તો આ પૂજાની વસ્તુઓ લાવ્યો છું તો જરા જોઈ લેજો. કાલે પૂજા કરાવા મહારાજ સાંજે સાત વાગ્યે આવશે તો તમે તૈયારી કરી રાખજો પ્રસાદની.. એટલામાં ફોનની રીંગ વાગી. રમણભાઈ કહે જો તો અંજુ અત્યારે કોનો ફોન છે ?
ફોન પર વાત કરી અંજુ એ કહ્યું કે 'ભત્રીજા આયુષ નો ફોન હતો મા - દિકરો દિવાળીની ખરીદી કરવા નીકળ્યા હતા સ્કુટર પર તો એક્સીડન્ટ થયો છે તો સરોજને બહું વાગ્યું છે એ સિરિયસ છે.' રમણભાઈ અને અંજુ દવાખાને ગયા અને આયુષને પાટા પિંડી કરાવી હિંમત આપી. સરોજને જોઈ મળ્યા અને ડોક્ટરને મળી ચર્ચા વિચારણા કરી. વહેલી સવારે સરોજને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. રમણભાઈ અને એમનો આખો પરિવાર હાજર રહ્યા અને સરોજનું ઓપરેશન સફળ થયું. સરોજને ધનતેરસની ગિફટ નવા જીવનદાનથી આપી સાચી ધનતેરસની પૂજા કરી. જેની જોડે સંબંધ નહોતો પણ એક ફોનથી રમણભાઈ અને એમનો પરિવાર હાજર રહી રૂપિયા ખર્ચી સરોજની જિંદગી બચાવી. રમણભાઈ બધા વેર ઝેર ભુલી સાચી માણસાઈ બતાવી. આમ ધનતેરસ ના દિવસે એક છુટું પડેલો પરિવાર એક થયો.