ધનની દેવી મહાલક્ષ્મીજી
ધનની દેવી મહાલક્ષ્મીજી
ધનતેરસ એટલે કે ધનની દેવી મહાલક્ષ્મીની પૂજા અર્ચના કરવી. ધનતેરસનાં દિવસે જો વિધિસર માઁ લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો તમારાં ઘરમાં ક્યારેય ધનની કમી થશે નહીં. એક નાના બાજોઠ કે પાટલા પર લાલ કપડું પાથરો. તેનાં પર ચોખા મૂકી ઘીનો દીવો પ્રગટાવી માઁ લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો મૂકવો. તેને કંકુ, અબીલ, ગુલાલથી પૂજા કરો. માઁ લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે તો તેને લાલ કલરનાં ફૂલ ચડાવો.
જીવનમાં ધનની વૃદ્ધિ થાય એવું બધાં ઈચ્છે છે. તો માઁ લક્ષ્મીની પૂજા સાથે સાથે દિવાળીમાં ભૂખ્યાં લોકોને જમવાનું આપો. નાનાં ગરીબ બાળકોને ફટાકડાં, કપડાં, મીઠાઈ અને નાસ્તો આપો. આનાથી ગરીબ બાળકોનાં મુખ પર જે ખુશી દેખાય તે કોઈ મોટા ધનથી કમ નથી. આવા કામો કરશો તો અવશ્ય માઁ લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થશે.
આપણી પાસે ઈશ્વર કૃપાથી જો બધું જ હોય તો જેની પાસે નથી કે જેઓ દિવાળી ઉજવી શકતાં નથી એવાં લોકોને કોઈપણ પ્રકારે મદદ કરી જો દિવાળી ઉજવશો તો ધનની દેવી આપ પર રીજશે.
એક અજાણી વ્યક્તિનાં જીવનમાં દિવાનો પ્રકાશ ફેલાવી તેનાં ચહેરા પર ખુશી લાવશો તો તમારી દિવાળી ચોક્કસ સારી જશે. લક્ષ્મીને બંધિયાર રહેવું ગમતું નથી. તેને જેટલી વહેંચશો તેટલી બમણી થશે. તો આ ધનતેરસનાં આપણી પાસે ફૂલ નહી તો ફૂલની પાંખડી કોઈ ગરીબને જરૂર મદદ કરજો. તોજ સાચી ધનતેરસની ઉજવણી ગણાશે.
