ધારિણી
ધારિણી
ધારિણી એક સારી નૃત્યાંગના હતી. નિનાદ સારો ગાયક અને વીણાવાદક હતો. નિનાદની આંગળીઓ વીણાના તાર પર ફરતા અને ધારિણીના ઘૂંઘરુંમાં જાણે પ્રાણ પૂરાય જતાં. નિનાદના સૂર રેલાતા અને ધારિણીના પગ થનગનવા લાગતાં. બંને એકબીજા વગર જાણે અધૂરાં હતાં. ધારિણીને જોતાં જ નિનાદની આંગળીઓ વીણા પર ફરવા આતુર થઈ જતી. એના ગળામાંથી આપોઆપ જ મા સરસ્વતીના સૂર રેલાવા લાગતાં. એ બંનેના કાર્યક્રમની જાહેરાત થતી અને એક જ દિવસમાં સભાગૃહ પર હાઉસ ફૂલના પાટિયાં ઝૂલવા લાગતાં.
ધારિણી ખોળિયું હતું તો નિનાદ એનો પ્રાણ હતો. સાથે ને સાથે રહેવાના કારણે અજાણપણે બંને એકમેકને ક્યારે ચાહવા લાગ્યાં તે ખબર જ ન પડી. બંનેના ઘરે ખબર પડતાં વડીલોએ તેમની એકમેક પ્રત્યેની આસક્તિ જાણી ધામધૂમથી સગાઈ કરી અને છ મહિના પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. મીડિયામાં પણ આ વાતની નોંધ લેવામાં આવી. સૌ ખુશ હતાં પણ ન જાણે કોની નજર લાગી ગઈ.
એક દિવસ ધારિણી એકલી જ ગાડી ચલાવીને આવી રહી હતી અને પાછળથી આવેલી રહેલી એક ટ્રકે જોરદાર ટક્કર મારી અને ધારા ગાડીની બહાર ફેંકાઈ ગઈ. ટ્રક ચાલક એની ટ્રક સડસડાટ ચલાવી ભાગી ગયો. પાછળથી આવી રહેલી એક ગાડી એના પગ પર ફરી ગઈ અને કાયમી ધોરણે એના પગ ઘૂંઘટમાંથી કપાઈ ગયાં. એ ઉપરાંત પણ એને ઘણી ઈજાઓ થઈ.
હૉસ્પિટલમાં નિનાદ અને સૌ સગાં વચ્ચે ઘેરાયેલી ધારિણી જ્યારે હોશમાં આવી ત્યારે પોતાની હાલતને સ્વીકારી ન શકી. એના અશ્રુનો પ્રવાહ અસ્ખલિત ચાલુ જ હતો. કેમે કરીને એના આંસુ રોકાતાં નહોતાં. નિનાદના વડીલોએ નિનાદને ખાનગી રીતે સમજાવી દીધું હતું કે હવે આ અપંગ સાથે જીવન જોડવાની કોઈ જરૂરત નથી પણ નિનાદનો પ્રેમ એવો કચકડાંનો નહોતો.
નિનાદે રૂમમાંથી બધાને બહાર કાઢ્યા અને એ ધારિણી પાસે બેઠો. એણે ધારિણીને હૈયાધારણ આપી કે એ ક્યારેય ધારિણીને છોડશે નહીં. એ હંમેશાં ધારિણીની સાથે જ રહેશે. નિનાદના સાથ સહકાર અને પ્રેમને લીધે ધીમે ધીમે ધારિણી સ્વસ્થ થવા લાગી હોય એવું લાગતું હતું. બધાને જ ધારિણીના સ્વસ્થ થવાની આશા બંધાવા માંડી હતી પણ એક વહેલી સવારે ધારિણી બધાને રડતાં છોડી અનંતના પંથે ઉપડી ગઈ.
ધારિણીના આકસ્મિક અવસાનથી નિનાદ પણ સ્તબ્ધ થઈ ગયો. એના સૂર જાણે એના કંઠમાં જ અટકી ગયા પણ ગુરુની સમજાવટથી ધારિણીના આત્માની શાંતિ માટે એણે એક કાર્યક્રમનું આયોજન કર્યું. એનું નામ જ એણે રાખ્યું, દિલમાં તારી યાદ. નિનાદને કે ઓર્ગેનાઈઝર કોઈને આશા નહોતી કે સભાગૃહ પર હાઉસ ફૂલના પાટિયા ઝૂલશે. સૌના આશ્ચર્ય વચ્ચે બીજે દિવસે જ બધી ટિકિટ વેચાઈ ગઈ. એને લીધે નિનાદનો ઉત્સાહ ખૂબ વધી ગયો. પોતાની ધારિણીની યાદ દિલમાં રાખી એણે મધુર સૂરાવલી વહાવી અને એક પ્રાયોગિક ધોરણે પાછળ પડદા પર ધારિણીના જૂના નૃત્યની ક્લીપો ચલાવી.
ધારિણીની યાદ દિલમાં રાખી કરેલા કાર્યક્રમને ખૂબ સફળતા મળી અને લોકોએ ખૂબ વાહવાહી બોલાવી. બધાં જ મીડિયામાં એની નોંધ લેવામાં આવી. નિનાદના સૂરોમાં જાણે ધારિણી અમર થઈ ગઈ.
