Rahul Makwana

Inspirational Others

3  

Rahul Makwana

Inspirational Others

ધ ઊટી ભાગ-૨

ધ ઊટી ભાગ-૨

6 mins
381


અખિલેશ કોમ્પ્યુટર એન્જીનીયરીંગનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો, અખિલેશ નાનપણથી ભણવામાં હોશિયાર હતો, નાનપણથી તેને ગણિત વિષયમાં ખુબજ રસ હતો. અખિલેશ એક મધ્યમ પરિવારમાંથી આવતો હતો, અખિલેશનાં પિતા જયેશભાઇ દરજીકામ કરતાં હતાં, જેમાંથી પોતાનું ગુજરાન રોળવી શકે એટલું માંડ કમાતા હતાં. અખિલેશ જ્યારે દસમાં ધોરણમાં નેવ્યાસી ટકા લાવ્યો ત્યારે તેના ઘરનાં બધાંજ સભ્યો ખુશ હતાં, પરંતુ અખિલેશનના પિતા જયેશભાઇ થોડાક મૂંઝવણમાં હતાં, જેનું કારણ હતું પોતાના પરિવારની આર્થિક સ્થિતિ.


ત્યારબાદ અખિલેશે પોતાના પિતા સમક્ષ વિજ્ઞાનપ્રવાહમાં એડમિશન લેવા માટે પોતાની ઈચ્છા જણાવી, આ સાંભળી જાણે જયેશભાઇ પર કોઈ મુશ્કેલીઓનું આભ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે જયેશભાઈએ કહ્યું કે,

"બેટા ! દુનિયાનો કયો બાપ એવો હશે કે જે પોતાના સંતાનનું આવું સારું પરિણામ આવવા છતાંય ખુશ થવાને બદલે મૂંઝવણ અનુભવતો હશે ?" - લાચારીભર્યા અવાજમાં જયેશભાઇ બોલ્યાં.

"કેમ ! પપ્પા ! તમે આવું કહો છો ?" - નવાઈ સાથે અખિલેશે તેના પિતાને પૂછ્યું.

"બેટા ! મેં મારા બે- ચાર મિત્રોને પૂછ્યું કે અખિલેશને ધોરણ દસમાંમાં નેવ્યાસી ટકા આવ્યા છે, અને અખિલેશની ઈચ્છા છે કે તે વિજ્ઞાનપ્રવાહમાં એડમિશન લે ! ત્યારે મારા મિત્રોએ મને જણાવ્યું કે મહેરબાની કરીને વિજ્ઞાનપ્રવાહ રહેવા દે, તેમાં ખુબ જ ખર્ચ થશે, અને તે ખર્ચને પહોંચી વળવું તારા ગજા બહારની વાત છે."

"તો…શું...પપ્પા ?" - અખિલેશે અચરજ સાથે પૂછ્યું.

"તો ! બેટા, તને તો આપણાં ઘરની પરિસ્થિતિ ખ્યાલ જ છે, હું આટલો બધો ખર્ચ ઉઠાવી શકુ તેમ નથી, માટે તું સામાન્ય પ્રવાહમાં એડમિશન લે તો આપણા બધાં માટે સારું છે." - નિસાસો નાખતાં જયેશભાઇ બોલ્યાં.

"પપ્પા ! તો પછી સામાન્ય પ્રવાહમાં એડમિશન લેવાનો કોઈ અર્થ નથી, હું એડમિશન લઈશ તો વિજ્ઞાનપ્રવાહમાં જ, નહીં તો તમારી સાથે હું દુકાને બેસી જઈશ, તો મારે ભણવું નથી !" - એક વિશ્વાસ સાથે અખિલેશ બોલ્યો.


પિતા અને પુત્ર વચ્ચે જે વાતચિતો કે દલીલો ચાલતી હતી તેમાં આખરે દ્રઢ નિશ્ચય ધરાવતા અખિલેશની જીત થઈ, અને આ જીતનો આનંદ કદાચ આખી દુનિયા જીતયાના આનંદ કરતા પણ વધુ હશે.

"સારું ! બેટા ! તારા મક્કમ ઈરાદા સામે મારી આ દલીલોની હાર થઈ છે, તું તમ - તારે ચીંતા ના કરીશ, વિજ્ઞાનપ્રવાહમાં જ તારૂ એડમિશન લે, અને હું દરરોજ દુકાને આંઠ વાગ્યાં સુધી બેસતો હતો, તેના બદલે હવે દસ વાગ્યાં સુધી બેસીશ, અને જરૂર પડશે તો આપણું આ મકાન પણ હું વેચવા માટે તૈયાર છું, પણ તારૂ ભણવાનું કોઈપણ કિંમતે અટકવા નહીં દઈશ.." - જયેશભાઈ એક પિતા તરીકે પોતાનો રોલ ભજવતા બોલ્યા.


આ સાંભળી અખિલેશ અને જયેશભાઈની આંખોમાં શ્રાવણ-ભાદરવો આવી ગયો, અને એકબીજાને ગળે મળીને રડવા લાગ્યાં. જયેશભાઈએ સાબિત કરી દીધું કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી નબળી હોય, પરંતુ જો તમે ધારો તો તે પરિસ્થિતિમાંથી ચોક્કસપણે બહાર આવી શકો છો, આખરે ક્યાં સુધી આ બધું દોષ નસીબ પર ઠાલવતા રહેશો ? જ્યારે અખિલેશે તે સાબિત કરી દીધું કે તમારો નિર્ણય જો મક્કમ હોય તો પર્વતની પણ કોઈ ઔકાત નથી કે તમારા રસ્તામાં અડચણરૂપ બની શકે.


આથી જ આપણે ત્યાં કહેવત છે કે,

"હોય જેનાં કદમો અસ્થિર, તેને રસ્તો જડતો નથી,

અડગ મનમાં માનવીને, હિમાલય પણ નડતો નથી."


ત્યારબાદ અખિલેશે પોતાની ઈચ્છા પ્રમાણે વિજ્ઞાનપ્રવાહમાં 'એ' - ગ્રુપમાં એડમિશન લીધું, મિત્રો ધીમે -ધીમે દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષો વીતવા લાગ્યાં, અને અખિલેશ પોતાનું મન પરોવીને પોતાનું સમગ્ર ધ્યાન પોતાના અભ્યાસમાં કેન્દ્રિત કરી દીધું. કહેવાય છે કે દુનિયા ગોળ છે, તેવી જ રીતે જયેશભાઈએ દિવસ-રાત એક કરીને અખિલેશનું વિજ્ઞાનપ્રવાહમાં ભણવાનું સપનું અંતે સાકાર કર્યું, પરંતુ હવે જયેશભાઇની પણ ઉંમર થઈ ગઈ હોવાથી તેનું શરીર તેનો સાથ આપી રહ્યું ના હતું.


જોત-જોતામાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પણ અખિલેશનાં માથા પર આવી ગઈ, અખિલેશ દિવસ-રાત વધુ સખત મહેનત કરવા લાગ્યો, અને તેના આ કાર્યમાં તેના પરિવારના દરેક સભ્યોએ તેને મદદ કરી, પરીક્ષા પણ સારી ગઈ, જોતજોતામાં બોર્ડના પરિણામનો દિવસ પણ આવી ગયો. અખિલેશનાં પરિવારમાં બધા અખિલેશનાં પરિણામને લઈને ચિંતાતુર હતાં, જાણે પરિણામ અખિલેશનું નહીં, પરંતુ પરિણામ એક પિતાની કઠોર મહેનત, એક માંની સારી સંભાળ, અને એક બહેનનાં હરહંમેશનાં સાથ સહકારનું આવવાનું હોય તેવું લાગી રહ્યું હતું. સવારથી જ ઘરનાં બધાં જ સભ્યો અખિલેશનું સારું પરિણામ આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં હતાં.


લગભગ સવારના 10: 30 કલાકની આસપાસ અખિલેશ પોતાની શાળાએ પોતાનું પરિણામ લેવાં માટે ગયો, થોડીવારમાં વર્ગશિક્ષક વાળા સાહેબ કલાસમાં આવ્યાં, અને પરિણામ જાહેર કર્યું, પરિણામ સાંભળી અખિલેશની ખુશીઓનો કોઈ પાર ના રહ્યો, કારણ કે અખિલેશે ધોરણ બારની પરીક્ષામાં નેવું ટકા સાથે જ્વલંત સફળતા હાંસલ કરી, પોતાના જિલ્લામાં સૌ પ્રથમ સ્થાન મેળવેલ હતું.


આથી વાળા સાહેબે અખિલેશને અભિનંદન આપતા કહ્યું કે તું આપણાં કલાસમાં તારી સફળતા વિશે થોડુંક જણાવ...ત્યારે અખિલેશ ઉભો થઈને બોલ્યો...કે…

"મિત્રો ! આપણે સૌ જાણીએ જ છીએ એ કે તાળી એક હાથે નથી વાગતી, તેના માટે બે હાથ જોઇએ, તેવી જ રીતે મારી આ સફળતા પાછળ ઘણાં લોકોનો હાથ રહેલ છે. સૌ પ્રથમ મારા ભગવાન એ ફોટાવાળા ભગવાન નહીં, મારા ભગવાન, મારા પિતા જયેશભાઇ કે જે પોતાના પિતાની વર્ષો જૂની યાદગીરી સમાન અમારૂ મકાન, કે જયાં તેણે પોતાનું આખું બાળપણ વિતાવેલ હતું, તે મકાન પણ મારા અભ્યાસ માટે વહેંચવા તૈયાર થઈ ગયાં, મારી મમ્મી એટલે કે વર્ષાબેન કે જેણે મારી સાથે-સાથે કોઈપણ કારણ વગર આખી રાતનાં ઉજાગરા કર્યા છે, મારી બહેન સોનલ કે જે હરહંમેશ મારી સાથે સ્પોર્ટમાં ઉભી જ હોય છે, આ ઉપરાંત, પારસમણી જેવા મારા બધા જ શિક્ષકો કે જેણે એક પથ્થરને ઘસી-ઘસીને એક હીરો બનાવ્યો છે, એ બધાનો હું….આ...ભા...રી….છું…" - આટલું બોલતાં જ અખિલેશની આંખોમાં આંસુ આવી ગયાં અને તે રડવા લાગ્યો. ત્યારબાદ વાળા સાહેબે અને અખિલેશનાં મિત્રોએ તેને હિંમત આપી શાંત કર્યો.


ત્યારબાદ અખિલેશ બધાને મળીને પોતાની માર્કશીટ લઈને પોતાના ઘરે જવા માટે રવાના થયો, મનમાં ઘણો બધો ઉમંગ અને ઉત્સાહ હતો કે ઘરે જઈને પોતે મેલેવેલ સફળતા વિશે જલ્દીથી ઘરે પહોંચી જાય, દરરોજ જે રસ્તો કાપતાં અડધી - પોણી કલાક થતી હતી તે જ રસ્તો, આજે જાણે એકદમ નાનો બની ગયો હોય તેવું લાગતું હતું, ક્યારે અખિલેશનો એરિયા આવી ગયો એ ખ્યાલ જ ના રહ્યો.


પરંતુ મિત્રો કહેવાય છે કે જે લોકો સાચા અને સારા હોય છે, તેની ઈશ્વર કે કુદરત પરિક્ષા તો કરે જ છે, રાજા સત્યાવાદી હરિશ્ચંદ્રએ પણ આ પરીક્ષામાંથી પસાર થવાની નોબત આવી હતી, જે તેણે સફળતાપૂર્વક પાર કરી હતી, અખિલેશની જિંદગીમાં હવે જે વળાંક આવવાનો હતો તેના વિશે ક્યારેય તેણે વિચાર્યું નહીં હોય. અખિલેશ સારૂ પરિણામ આવવાથી જમીનથી બે ફૂટ અધ્ધર ચાલી રહ્યો હતો, મનમાં ખુશી, આનંદ અને ઉત્સાહ હતો, હાથમાં માર્કશીટ હતી, તેને હતું કે મારૂ આ પરિણામ જોઈને મારા પિતાની છાતી ગર્વથી ગદગદ થઈને ફૂલી જશે.


જેવો અખિલેશ પોતાનાં ઘરે પહોંચ્યો તો તેની વિસ્મયતાનો કોઈ પાર ના રહ્યો, કારણ કે તેના ઘરની અંદરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો, અને ઘરની બહાર બધા સફેદ કપડાં, અને ખભે ટુવાલ કે પનિયુ નાખીને ઉભા હતાં, ઘરની બહારની તરફ મૃતદેહને લઈ જવા માટેની ઠાઠડી પડેલ હતી, આ જોઈ અખિલેશને એકદમથી આઘાત લાગ્યો, આથી તે બેબાકળો થતાં ઘરની અંદરની તરફ દોડવા લાગ્યો, અંદર જઈને જોયું તો અખિલેશના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું, કારણ કે અખિલેશનાં ભગવાન એટલે કે તેના પિતા હવે આ દુનિયામાં રહ્યાં ન હતાં. અખિલેશ દોડીને તેના પિતાના નિષ્પ્રાણ દેહ પાસે જઈને ગોઠણિયા ભરીને રડવા લાગ્યો, અને પોતાની માર્કશીટ બતાવતા કહ્યું કે

"પપ્પા ! મને એમ હતું કે મારી માર્કશીટ જોઈને તમારી છાતી ગર્વથી ગદ-ગદ ફૂલી જશે, પરંતુ તમે તો તમારો શ્વાસ જ છોડી દીધો, હવે અમારું કોણ…?..કોણ હવે મારા માથાં પર હાથ ફેરવીને કહેશે કે, "બેટા ! ચિંતા ના કર ! તારો બાપ બેઠો છે…!"


સોનલે અખિલેશનાં માથે હાથ ફેરવતા કહ્યું કે,"ભયલા ! તું ઘરેથી જ્યારે તારું પરિણામ લેવા માટે ગયો, ત્યારબાદ પપ્પાએ એકાએક જોરથી બુમ પાડીને કહ્યું કે મને છાતીમાં અસહ્ય દુખાવો થાય છે, મારો જીવ મૂંઝાય છે, મને હાથ-પગમાં ખાલી ચડે છે, શ્વાસ લેવામાં તફલીફ થાય છે, અને મેં તરત જ ૧૦૮ ને ફોન કર્યો, એટલીવારમાં તો પપ્પા આપણને બધાને કાયમિક માટે અલવિદા કહીને હરહંમેશ માટે આપણાંથી વિખુટા પડીને દૂર થઈ ગયાં…!"


ત્યારબાદ જયેશભાઈના હિન્દુધર્મની વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં, આખા પરિવાર એવું અનુભવી રહ્યો હતો કે જાણે વર્ષોથી છત્રછાયા આપતાં વટવૃક્ષને કોઈએ જડમૂળથી જ કાપી નાખ્યું હોય.


ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Inspirational