દેવદૂત
દેવદૂત
આજે અખિલેશનો જન્મદિવસ હોવાથી સહુ કોઈ તેનો ઘરે બેસબ્રીથી ઇંતેજાર કરી રહ્યા હતા. અખિલેશની પત્ની રાધિકા વારેઘડીયે કોલ કરી તે ક્યારે ઘરે આવશે તે પૂછતી હતી. ઘરે વહેલા પહોંચવાના ઈરાદે અખિલેશે બાઈકને પૂરપાટ ઝડપે હંકારી. ત્યાંજ તેના મોબાઈલની રીંગ વાગી. રાધિકાનો જ કોલ હશે અને જો તે રીસીવ નહીં કરે તો એ રિસાઈ જશે એવી બીકે અખિલેશે ફોન ઉઠાવી કાને અડાડ્યો. સામે છેડેથી રાધિકાએ રોષભેર પૂછ્યું, “હજુ કેટલી વાર?”
અખિલેશે કહ્યું, “આવી જ રહ્યો છું...”
ઓચિંતી એક કાર પુરપાટ ઝડપે પોતાના તરફ આવતી જોઈ અખિલેશ હેબતાઈ ગયો. અકસ્માત ટાળવાના પ્રયાસમાં એ પોતાનું સમતોલન ખોઈ બેઠો. બાઈક સાથે રસ્તા પર ઢસડાવવા પહેલા તેનું માથું જોરથી અફળાયું. આ જોઈ આસપાસના રાહદારીઓ તેની વહારે દોડી આવ્યા. અખિલેશને ઠેકઠેકાણે ઈજા થઇ હતી. પોતાની આવી હાલત કરનાર એ યમદૂત સમા મોબાઈલને ધ્રુણાથી જોઈ અખિલેશે આજ પછી ક્યારેય ચાલુ વાહને તેનો ઉપયોગ નહીં કરવાના પ્રણ લીધા. ઓચિંતા અખિલેશને પોતાનું માથું રસ્તા પર અફળાયું હોવાનું યાદ આવ્યું. માથામાં ગંભીર ઈજા તો નથી થઇને, એ તપાસવા એ જતો જ હતો ત્યાં કંઈક યાદ આવતા તેણે રાહતનો શ્વાસ લીધો! ખૂબ જ આનંદથી અખિલેશે માથામાં પહેરેલી પોતાની હેલ્મેટને કાઢી વહાલથી ચૂમી લીધી. આજ પછી તે ક્યારેય ભૂલી શકવાનો નહોતો પોતાના જન્મદિવસે નવા જીવતદાનની ભેટ આપનાર એ હેલ્મેટ સમા દેવદૂતને.