દેખંતી અપ્સરા
દેખંતી અપ્સરા
જન્મદિવસ નિમિત્તે પોતાના પતિ સુહાસે આપેલા ઉપહારના પેકેટને જોઈ રૂપરૂપના અંબાર સમી મોહિની ખૂબ ખુશ થઇ. ઉત્સુકતાથી જયારે તેણે પેકેટ ખોલીને જોયું તો તેમાં એક હાર હતો. સુહાસ ગર્વિષ્ઠ નજરે મોહિનીને જોઈ રહ્યો. મોહિનીએ હાર જોઈ મોઢું મચકોડ્યું અને તેનો બારીની બહાર ઘા કર્યો ! મોહિનીની આ હરકત જોઈ સુહાસના મોઢામાંથી રાડ નીકળી ગઈ, “બેવકૂફ ! આ શું કર્યું તેં ?”
મોહિની પણ તાડૂકીને બોલી, “જન્મદિવસ પર કોઈ તેની પત્નીને ચાંદીનો હાર આપતું હશે ?”
આ સાંભળી સુહાસ સ્તબ્ધ થઇ ગયો. “બેટા, લગ્ન જેવો મહત્વનો નિર્ણય લેતી વખતે ફક્ત સુંદરતાને પ્રાધાન્ય આપવું એ નરી મૂર્ખતા છે.” પિતાજીની આવી સોનેરી સલાહ ત્યારે કેમ સાંભળી નહીં ! આવો અફસોસ કરતા કરતા સુહાસે બારીની બહાર મોહિનીએ ફેંકેલા પ્લેટીનમનાએ હારને લેવા દોટ લગાવી.