અશ્ક રેશમિયા

Children Inspirational

3  

અશ્ક રેશમિયા

Children Inspirational

ડોક્ટર શિયાળ

ડોક્ટર શિયાળ

3 mins
14.3K


એક વન હતું.

એનું નામ સુંદર વન.

એ સુંદર વન ખુબ જ સોહામણું હતું.

લીલાછમ્મ વનમાં ઘણા બધા પ્રાણીઓ-પક્ષીઓ રહે.પક્ષીઓ અને પ્રાણી પણ જાત-જાતના ને ભાત-ભાતના.

આ વનમાં શેરું નામનો એક સિંહ રહેતો હતો. શેરું જંગલનો રાજા હતો. એના રાજમાં સૌ પંખી પ્રાણીઓ આનંદથી હળીમળીને રહે. સૌ વચ્ચે જબરો ભાઈચારો હતો. વનના બધા પ્રાણીઓ શેરુંની આગ્ના પાળે. શેરું પણ બધાને વહાલ કરે. સિંહ સરકારના રાજમાં સૌ હેમખેમ હતા.

એક દિવસ શેરુંને એક સુંદર વિચાર આવ્યો. વિચાર એવો કે ભાઈ સૌ કોઈ ભણી ગણીને હોશિયાર થવા લાગ્યા છે તો ભલા પ્રાણી-પક્ષીઓએ કેમ ન ભણવું જોઈએ? મારે પણ મારા જંગલવાસીઓને ભણાવવા છે.

બીજા દિવસે શેરુંએ આખું જંગલ ભેગું કર્યું.

અચાનક સિંહ રાજાએ સભા કેમ બોલાવી? એવા વિચારે સૌ કોઈ અચરજ પામી બેઠા હતા.

એવામાં શેરુંસિંહએ વાત ચાલું કરી. શેરુંએ કહેવા માંડ્યું. અને સૌ સરવા કાને સાંભળવા લાગ્યા.

શેરું બોલ્યો: 'આપણા જંગલના મારા સૌ ભાઈઓ..! મને એક સરસ વિચાર આવ્યો છે કે આપણે આપણા બચ્ચાઓને ભણાવીએ. આપણે તો ભણ્યા વગરના અગ્નાનના અંધારામાં રહીને ભટકતી- રખડતી જીંદગી ગુજારી નાખી. પણ હવે મારી ઈચ્છા છે કે આપણે જંગલમાં જ એક શાળા ખોલીએ અને આપણા બાળબચ્ચાઓને સારું શિક્ષણ આપીએ.જો એ ભણશે તો સારી જીંદગી જીવશે.'

તાળીઓનો વરસાદ થયો. સૌએ શેરુંસિંહની વાતને હર્ષભેર વધાવી લીધી. જંગલમાં ચારેકોર આનંદ-આનંદ છવાઈ ગયો.

નિશાળે જવાની અને ભણવાની વાત સાંભળીને પ્રાણીઓ અને પંખીઓના બચ્ચાઓ ગેલમાં આવી ગયા. અને નાચવા લાગ્યા. નિશાળનું બાંધકામ ચાલું થયું. થોડાક દિવસોમાં તો સરસ મજાની શાળા તૈયાર થઈ ગઈ.

નિશાળ ચાલું થઈ. દૂર...દૂ...રથી સૌ ભણવા આવવા લાગ્યા. કેટલાંક હજું નહોતા આવતા એ પણ ધીમે ધીમે આવતા થઈ ગયા.

જંગલમાં પ્રાણીઓની શાળા ધમધોકાર ચાલવા લાગી.

રોજ નવું નવું જાણવાની-ભણવાની મજા પડવા લાગી. દુનિયામાં સાત ખંડ છે, ધરતી પર ચાર વિશાળ મહાસાગર છે, બધા ગ્રહોમાં પૃથ્વી પર જ સજીવસૃષ્ટિ છે, સૂર્ય એક તારો છે અને તે આખા જગતનો દાદા કહેવાય છે...એવી એવી અજાયબ વાતો ભણીને સૌ નવાઈથી નાચવા લાગ્યા હતાં.

નિશાળે આવવાથી જેઓ કદી નહાતા ન હતા તે રોજ નહાતા થયા.

નખ નહોતા કાપતા તે નખ કાપીને આવવા લાગ્યા.

વાળ વ્યવસ્થિત ઓળતા થયા. કેટલાંક મા-બાપનું માનતા નહોતા એ માવતરને પ્રણામ કરતા થયા. તો વળી કેટલાંક અનાડી બચ્ચાઓને જાણ મળી કે ખરાબ બોલવાથી આપણી આબરૂ ધૂળમાં જાય એટલે એ સારૂ સારૂ બોલતા થયા.

જંગલમાં નિશાળ. નિશાળમાં ભણતર અને ભણતરથી જીંદગીમાં સુધાર થયેલ જોઈ બધા ખુશ રહેવા લાગ્યા.

હવે આ શાળામાં સૈની નામે એક શિયાળ પણ ભણે. ભણવામાં એ બધાથી હોશિયાર. એને નવું નવું જાણવાની અને બીજાને નવું નવું કહેવાની મજા આવતી હતી. રમતમાં પણ તે હંમેશા આગળ જ હોય!

એ શિયાળ બહું બહું ભણ્યું એટલે એ ડોક્ટર બન્યું! આખા વગડામાં શિયાળની તો વાહ વાહ થઈ. એનો તો વટ પડવા માંડ્યો.

સૈનીએ તો વનમાં દવાખાનું શરૂ કર્યું. પણ બે ત્રણ દિવસમાં માંડ એક બે દર્દી આવે! બે-ત્રણ મહિના સુધી આમ જ ચાલ્યું.

નવરા બેઠેલ સૈનીને એક દિવસ વિચાર આવ્યો કે દવા લેવા કેમ કોઈ દર્દી આવતું નથી? એમ કરતા થોડીવારે એને સમજાયું કે જંગલમાં સૌ ભણીગણીને હોશિયાર થઈ ગયા છે એટલે કોઈ બિમાર જ પડતું નથી! હવે શું કરવું? સેવા કરવાની શુભ ભાવનાથી ચાલું કરેલ દવાખાનાથી હવે વધારે પૈસા કમાવાની સૈનીને લાલચ થઈ આવી. પણ હવે કરવું શું? દવા લેવા તો કોઈ આવતું નથી! હવે કેમ કરીને પૈસાદાર થવું ને વનમાં વટ પાડવો?

વિચારમાં ને વિચારમાં સૈનીને એક દિવસ બિમાર પાડવાનો વિચાર જડી આવ્યો. ખુશખુશાલ થઈને એ નાચવા લાગ્યો.

એ તો દોડતો શહેરમાં ગયો. ત્યાંથી સોપારી, ગુટખા, તમાકું, પાનમસાલા, પડીકામાં પૅક કરેલો સડેલો નાસ્તો, નમકીન, પેપ્સી, બિયર, દારૂ, બીડી, સીગારેટ વગેરે થેલા ભરી ભરીને લઈ આવ્યો.

શરૂ શરૂમાં તો આ બધું જોઈને સૌ પ્રાણીઓ નવાઈ પામવા લાગ્યા. પણ પછી ધીમે ધીમે શોખ ખાતર ખાવા લાગ્યા. આમ કરતા સૌને આદત પડી ગઈ.

સૈની શિયાળની દુકાને આ બધી જ વસ્તુનું ધૂમ વેચાણ થવા લાગ્યું. થોડા દિવસોમાં તો સૌ ટપોટપ બિમાર પડવા લાગ્યા. બિમારી પણ નવી નવી!

હવે બંધ પડેલ દવાખાનું ફરી ચાલું થયું. સૈની ગેલમાં આવી ગયો. એનું દવાખાનું ધમધોકાર ચાલવા માંડ્યું. સૈનીને ડબલ આવક મળવા લાગી. અભિમાનથી એ ફૂલવા લાગ્યું. જંગલમાં એનો વટ પડવા લાગ્યો.

જોત જોતામાં તો સૈનીએ ચારેક માળનો બંગલો બનાવી લીધો! ચાર-પાંચ નવી નક્કોર ગાડીઓ ઊભી કરી દીધી! બીજાના પૈસે જલસા કરવા માંડ્યા.

એવામાં સગુન નામનો સસલો બાજુના ગામમાંથી ભણીને આવ્યો. જંગલની બિમારીનું એણે કારણ શોધ્યું. અને સિંહ પાસે જઈને સૈની શિયાળ વિરુધ્ધ ફરિયાદ કરી.

શેરુંસિંહએ સૈની શિયાળ સામે કડક પગલા લીધા. એના દવાખાનાને તાળા લાગ્યા. સિંહએ જંગલના પ્રાણીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ સૈનીને પાંચ લાખનો દંડ ફટકાર્યો. અને હંમેશ માટે સૈની શિયાળને સુંદર વનમાંથી હાંકી કાઢ્યો.

આમ, લાલચ અને અભિમાને સૈની શિયાળના બૂરા હાલ કર્યા.


Rate this content
Log in

Similar gujarati story from Children