Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Prashant Subhashchandra Salunke

Inspirational


5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational


ડાર્ક સાઈડ

ડાર્ક સાઈડ

3 mins 595 3 mins 595

સોનિકા લગ્નના હોલમાંથી દુઃખી વદને બહાર આવી. આસમાનમાં દેખાઈ રહેલા ચાંદને ઈર્ષાથી જોઈ એ આગળ ડગ ભરવા માંડી. તે ખૂબ દુઃખી અને હતાશ થઇ હતી કારણ આજે તેના પિતરાઈ ભાઈના લગ્નપ્રસંગે કોઈએ તેનું માન-સન્માન જાળવ્યું નહોતું ! પોતે મોટી બહેન હોવા છતાંયે બધા તેની નાની બહેન મોનિકાને જ પૂછપરછ કરી બધા નિર્ણયો લઇ રહ્યા હતા. આ અપમાન સહન ન થતા તેં હોલમાંથી બહાર નીકળી આવી હતી. મોડી રાતે સડક પર લોકોની અવરજવર ઓછી દેખાતી હતી. હોલથી થોડેક દુર જતા જ સોનિકાની નજરે એક બાંકડો પડ્યો. ચાંદનીએ રાતમાં તે બાંકડા પર જઈ બેઠી અને ધ્રુસકા મારતા મારતા બબડી, “બધા મને હડધુત અને મારી નાની બહેન મોનિકાને જ વહાલ કરે છે. મારા સાથે કાયમ સહુનું વર્તન ખરાબ જ હોય છે.”


રસ્તા પરથી પસાર થઇ રહેલા એક સાધુના પગ આ સાંભળી અટકી ગયા. તેઓ પાછા વળીને સારિકા પાસે આવ્યા અને બોલ્યા, “શું થયું દીકરી ? ઈશ્વર સહુ સારાવાના કરશે.”

સોનીકાએ લાલધૂમ આંખે કહ્યું, “ઈશ્વર ? તમારા ઈશ્વરે પણ ભેદભાવ રાખવામાં કોઈ કચાસ નથી રાખી. દારૂડિયો પતિ આપ્યો.. ચાર બાય ચારની એક ખોલી.. લોહી પીતા બે બે દીકરાઓ... આખો દી’ કચકચ કરતા સાસુ અને સસરા.. લોકોના મહેણાંટોણા અને તિરસ્કાર... આ સિવાય તમારા ઈશ્વરે મને આપ્યું છે શું ? બધા મારી નાની બહેનને જ વહાલ કરે છે જયારે મારો તિરસ્કાર...”

સાધુ શાંતચિતે બોલ્યો, “સમજી ગયો..”

સોનિકા બોલી, “શું સમજી ગયા ?”

સાધુ, “બેટા, તારી નાની બહેનનો પતિ દારૂ નથી પીતો ?”

સોનિકા, “એ તો અઠંગ બેવડો છે.”

સાધુ, “તારી નાની બહેનનું ઘર બહુ મોટું છે ?”

સોનિકા, “ના...ના... એક નાનકડી ખોલીમાં તે રહે છે.”

સાધુ, “તેને સંતોનોમાં ?”

સોનિકા, “બે બે દીકરીઓ...”

સાધુ, “ઓહ! તો... તો... તેના સાસુ સસરા તેને જરૂર ત્રાસ આપતા હશે.”

સોનિકા, “હા... પરંતુ એ મહત્વનું નથી મહત્વનું એ છે કે મારી નાની બહેન મોનિકાની પરિસ્થિતિ મારાથી ખરાબ હોવા છતાંયે બધા તેને વહાલ કરે છે અને મારો તિરસ્કાર.”

સાધુ, “કેમ ?”

સોનિકા, “કારણ... એ ચાંપલી બધાની સામે એમ જ દેખાડે છે કે એ પોતે ખૂબ સુખી અને ખુશ છે.”

સાધુ, “બરાબર... આ જ છે તારી સર્વ સમસ્યાઓનો ઉકેલ...”

સોનિકા, “મતલબ ! હું કંઈ સમજી નહીં...”


સાધુ : “બેટા, લોકોને બાગબગીચામાં ફરવું ગમે છે ઉકરડા તરફ કોઈ જોતું સુદ્ધાં નથી. તું આખો દિવસ તારી વ્યાધિ અને ઉપાધિઓ સહુ કોઈને સંભળાવતી હોય છે જેથી સહુ કોઈ તારો તિરસ્કાર કરી તારાથી દુર ભાગે છે. સામી બાજુ તારી નાની બહેન પોતે દુઃખી હોવા છતાંયે સહુ કોઈ સાથે હસીમજાકથી બોલે છે. તેમની સામે પોતાના દુઃખનો એક હરફ પણ ઉચ્ચારતી નથી પરિણામે એ સહુ કોઈને ગમે છે. બેટા ત્યાં આસમાનમાં જો...”

સોનીકાએ સાધુએ જ્યાં આંગળી ચીંધી હતી એ દિશા તરફ જોયું તો ત્યાં સોળે કળાએ ખીલેલો ચાંદ હતો...


સાધુ આગળ બોલ્યા, “બેટા, સહુ કોઈને ચાંદ પ્રિય છે. અરે ! નાના નાના ભૂલકાઓ તો પ્રેમથી તેને ચંદામામા કહે છે. જાણે છે કેમ ? કારણ તે હંમેશા પોતાની ઉજળી બાજુ જ સહુ કોઈને દેખાડતો હોય છે! બેટા આપણે સહુ કોઈ ચાંદ જેવા જ છીએ.. સહુ કોઈને સુખ અને દુઃખ છે. પરંતુ જે ચાંદની જેમ કાયમ પોતાના ઉજળા પાસા સહુને દેખાડે તે બધાને પ્રિય થાય અને જે પોતાની અંધારી બાબતો લોકો સામે ઉજાગર કરે એ અપ્રિય થાય.”

સોનિકાએ આંખમાં આવેલા અશ્રુઓ લુછ્યા અને સાધુના પગે પડતા બોલી, “મહારાજ, હું તમારી વાત બરાબર સમજી ગઈ. હવે આજ પછી હું પણ લોકો સામે ફરિયાદ નહીં કરું...”


સાધુ હસીને બોલ્યો, “જોયું ? સહુ કોઈને ઉજળી બાજુ જ ગમતી હોય છે. જો મેં તને કહ્યું હોત કે 'હું જેલમાંથી ફરાર થયેલો ગુનેગાર છું અને પોલીસથી બચવા આમ સાધુવેશે લપાઈ છુપાઈને ફરી રહ્યો છું ત્યારે તું મારા પગે પડી હોત ? ક્યારેય નહીં ! તારી સમસ્યાઓ સામે ખુદ લડવાનું શીખી લે. લોકો સામે ફરિયાદ કરીશ તો તેનાથી તને કોઈ ફાયદો નહીં થાય. ઉલટાની તારી પાછળ તેઓ તારી અને તારી પરિસ્થિતિની મજાક જ ઉડાવશે. સુખી થવું હોય તો એ ચાંદની જેમ હંમેશા તારી ડાર્ક સાઈડને લોકોથી છુપાવીને રાખ... સમજી ?”


સોનીકાને જિંદગીનો મોટો બોધપાઠ શીખવાડી એ વ્યક્તિ અંધારામાં એવો તો ગરક થઇ ગયો જાણે પોતે ન હોય અમાસનો ચાંદ !


Rate this content
Log in

More gujarati story from Prashant Subhashchandra Salunke

Similar gujarati story from Inspirational