ડાધ
ડાધ


નાનપણથી જ અમી લાગણી અને સંવેદનાથી સભર જીવન જીવતી હતી. માત્ર બાર વર્ષની ઉંમરે મમ્મીને ગુમાવી દીધાં બાદ ભણવાની સાથે એણે ઘર પણ સંભાળી લીધું હતું. એનામાં એ સૂઝ અને સમજ કેવી રીતે આવી ગયાં એની ખુદને જ ખબર ન હતી.પિતાજી અને નાનાભાઈની એણે એટલી હદે કાળજી રાખી કે મમ્મીના અવસાનની ઘરમાં ક્યારે ય કમી લાગી નહીં. અમીની હર ક્રિયા, હર વાત, હર ચાલમાં એનાં પપ્પાને તો જાણે પોતાની પત્ની સુધાની જ છાયા ભાસતી હતી. આ બધી જવાબદારી નિભાવતાં એણે પોતાનો ઉચ્ચ અભ્યાસ પણ પૂર્ણ કર્યો. એક મહત્વની અને માનભર્યા પદ પર એણે નોકરી પણ ચાલુ કરી. ખુદને અનેક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું એટલે જ એને બીજા સામાન્ય માણસોની પણ એટલી જ ચિંતા થતી. ઈશ્વર પ્રત્યેની એની શ્રદ્ધા અતૂટ હતી. એક શોખ તરીકે એ કવિતા પણ લખતી. પ્રેમ, લાગણી, સંવેદના,શ્રદ્ધા, વિશ્વાસ અને જીવંતતાથી તેની કવિતા છલકાતી.
તે દિવસે તેનાં નિત્યક્રમ મુજબ સાંજે ઓફિસેથી છૂટીને ઘરે આવી રહી હતી. મોસમ અચાનક જ બદલાઈ હતી. સખત ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. કાનમાં પવન ન પ્રવેશે તે માટે એણે કાનમાં ઈયર પ્લગ નાખી દીધાં હતાં. સામાન્ય ગતિથી એ સ્કુટર પર આગળ વધી રહી હતી. રસ્તામાં આવતાં પુલ પરથી એનું સ્કુટર પસાર થઈ રહ્યું હતું. એની બરાબર પાછળ એક બસ આવી રહી હતી. વધુ પડતી ઠંડીનાં કારણે એનાં હાથ થોડા જકડાઈ ગયાં હતાં અને કદાચ એથી જ એણે પોતાનું સંતુલન ગુમાવ્યું. સ્કુટર થોડી પળ માટે તો આડું અવળું થઈ ગયું પણ પછી કાબુમાં આવી ગયું. ઈશ્વરનો પાડ માનતાં એણે ઝડપથી ઘરે જવાનું નક્કી કર્યું. જરાક જ આગળ જતાં,એનાં ઈયર પ્લગથી બંધ કાનમાં કંઈક ધમાકાનો અવાજ આવ્યો પણ એ અવાજને અવગણીને આગળ વધી. બીજે દિવસે સવારે છાપાના પ્રથમ પાનાં પરનાં સમાચાર ' સ્કુટર સવારને બચાવવા જતાં નદીમાં ખાબકેલી બસ.૩૮ નાં મોત.'
વાંચતા જ એ ધ્રુજી ઉઠી. એનાં હાથમાંથી છાપું પડી ગયું. સમાચાર પૂરી રીતે વાંચ્યા પછી એને ખાતરી થઈ ગઈ કે આ અકસ્માત માટે એ જ જવાબદાર હતી. બસ, એ જ પળથી એ શૂન્ય બની ગઈ, સ્તબ્ધ બની ગઈ, જડ બની ગઈ.
મનોમન આડત્રીસ જિંદગીના મોત માટે કારણભૂત હોવાનો ડાઘ એનાં દિલ પર લાગી ગયો. લાખ સમજાવટ છતાં પણ એ ન સમજી શકી. જીવનમાંથી એનો રસ જ ઉડી ગયો. એનું લાગણીશીલ હૃદય ભાંગીને ભુક્કો થઈ ગયું. જે જિંદગીને એ જીવંતતાથી જીવવા માંગતી હતી તે જિંદગી હવે ક્યારે ખતમ થઈ જાય એની રાહ જોવાં લાગી. સતત ખુદખુશીના વિચારો એનાં મનમાં રમવા લાગ્યાં. એની કવિતાના વિષયો હવે દર્દ, પીડા, વેદના, વ્યથા, આંસુ અને મોત બની ગયાં. પિતા અને ભાઈની સમજાવટથી થોડા સમય બાદ એણે પોતાની જિંદગી મન મનાવીને જીવવાનું ચાલુ તો કર્યું પણ પેલો ડાઘ હમેંશા એનાં દિલોદિમાગ પર સવાર રહેતો. નોકરીમાં-કામમાં ડૂબી જઈને એ પ્રસંગને ભુલાવવાનો પ્રયત્ન તો એ કરતી પણ એકાંતની પળોમાં એ ડાઘ વધુ ને વધુ સતાવતો. સતત કામ કરતાં રહેવાથી એ નોકરીમાં ઘણી આગળ વધી ગઈ. હવે તો લગ્ન માટે ઘણાં છોકરાઓનાં માંગા એને સામેથી આવતાં હતાં. ખેર! એ ખામોશી અને શૂન્યતાની દુનિયામાંથી બહાર જ આવી શકતી ન હતી. લગ્ન કરતાં એને મોત વધારે વહાલું લાગતું હતું.
આજે એ એની કંપનીને પોતે તૈયાર કરેલાં પ્રોજેક્ટ માટે મળેલો શ્રેષ્ઠતાનો એવોર્ડ લેવા પ્લેનમાં દિલ્હી જઈ રહી હતી. ઉદ્યોગમંત્રીનાં હાથે એ એવોર્ડ એને મળવાનો હતો. એક અનન્ય આનંદની એ ઘટના હતી અને તો પણ તે ઉદાસ હતી. ઊંચાઈએ ઉડી રહેલા પ્લેનની બારીમાંથી દ્રષ્ટિગોચર થતા રૂ ની પૂણી જેવાં સફેદ વાદળો એની ઉદાસીમાં વધારો કરી રહ્યાં હતાં. એનાં દિલ પર લાગેલા ડાઘને વધુ સાફ અને સ્પષ્ટ બનાવી રહ્યાં હતાં. એ વિચારી રહી હતી કે ઉડતા ઉડતા એ બહુ જ ઉપર પહોંચી જાય છે કે જ્યાંથી પાછા ફરવાનું જ નથી. ત્યાં જ એના કાનમાં એક કરડાકીભર્યો અવાજ સંભળાયો 'હેન્ડ્સ અપ, અમે પ્લેન હાઈજેક કર્યું છે. સરકાર જો અમે કહેલ કેદીને મુક્ત નહીં કરે તો અમે આખા પ્લેનને ઉડાવી દઈશું. અમારી સરકાર સાથે વાટાઘાટ ચાલુ છે. જો કોઈએ પણ જરા જેટલી પણ હિલચાલ કરી છે તો આ ગોળી એની સગી નહિ થાય. જાન પ્યારી હોય તો ચુપચાપ બેસી રહેજો. ' આખા વિમાનમાં સન્નાટો છવાઈ ગયો. બધાં જ એમનાં ઈષ્ટદેવને યાદ કરવાં લાગ્યાં. એક પળ માટે તો એ પણ ગભરાઈ ગઈ. પણ બીજી જ ક્ષણે તેનાં મનમાં વિચાર આવ્યો કે જો મોત આવી જાય તો મનમાં સતત ચાલતા આ તુમુલયુદ્ધમાંથી મુક્તિ મળી જાય. હજુ એ કંઈ આગળ વિચારે તે પહેલાં તો એની આગળની સીટ પર બેઠેલાં પ્રવાસીએ કંઈક હિલચાલ કરતાં પેલા ખૂનખાર આતંકવાદીએ એ પ્રવાસીને ગોળીથી ઉડાવી દીધો. એક જ પળમાં લાલ રંગના ગરમ લોહીનો રેલો તેનાં પગ પાસે આવી ગયો. કોને ખબર કેમ પણ એ લાલ રંગના લોહીને જોઈને તેની આંખોમાં ખુન્નસ આવી ગયું. લાશ ખસેડવા એક પળ માટે આતંકવાદીએ બાજુ પર મુકેલી બંદૂકને ચીલઝડપે ઉઠાવી લીધી અને આંખ મીચીને તેનાં પર ગોળીઓ ચલાવી દીધી. પ્લેનની કોક્પીટમાંથી બહાર આવેલો બીજો આતંકવાદી કંઈ સમજે તે પહેલાં બંદૂકમાં બાકી બચેલી ગોળીઓનો વરસાદ તેનાં પર કરી દીધો. લોહીનાં બીજા બે લાલચટાક રેલા વહેવા લાગ્યાં. એ લાલ રંગે એને કંપાવી દીધી. એ ચક્કર ખાઈને પડી ગઈ. પડતાં પડતાં વિચાર્યું કે વધુ બે મોતથી તો એનો પેલો ડાઘ વધુ ઘેરો બન્યો છે. પછી તો એ બેહોશ થઈ ગઈ. થોડા સમય પછી જ્યારે એ ભાનમાં આવી ત્યારે પ્લેનના તમામ મુસાફરો એની આસપાસ હતાં. બધાએ એને લાખ લાખ શુભેચ્છા આપતાં કહ્યું કે તમારી સમય સુચકતાથી ૩૪૦ પ્રવાસીઓનાં જાન બચી ગયાં છે. આતાક્વાદીઓ જેહાદી હતાં અને તેઓ તેમની પાસે રહેલાં બોમ્બનો ઉપયોગ કરતાં પણ અચકાતે નહીં. સરકાર કંઈ નિર્ણય લે કે કોઈ મદદ મોકલે તે પહેલાં તો એ લોકો કદાચ વિમાનને ફૂંકી મારત. તમે અમને બધાંને નવજીવન આપ્યું છે. આ બધું સાંભળતા એની આંખો ભીની થઈ ગઈ.
પરમકૃપાળુ પરમાત્માનો મનોમન આભાર માનતાં એને લાગ્યું કે ઈશ્વરે એનો ડાઘ વધુ ઘેરો બનાવીને કાયમને માટે ભૂંસી નાખ્યો છે. ઘણાં લાંબા સમય પછી એનાં મુખ પર હાસ્ય ફરી વળ્યું. એ નિરાંતનો શ્વાસ લઈ શકી. ફરી જીવનને જીવંતતાથી જીવવા તૈયાર થઈ ગઈ. એનાથી સહજ ભાવે લખાઈ ગયું -
"ગજબ છે રીત તારી,
ઓ! ઈશ્વર,
રીસાઈ ગયેલાને મનાવવાની,
ઓષ્ટ સુધી આવેલાં આંસુંઓને
મધુરાં સ્મિતમાં પલટાવવાની!"