દાળની તીખાશ
દાળની તીખાશ




નમીતા એટલે ઘરરખ્ખુ ગૃહિણી. આમ તો ગૃહિણીનો અર્થ જ ઘર સંભાળતી સ્ત્રી એમ થાય. પણ આ તો ઘરરખ્ખુ એટલે એ આખો દિવસ ઘર, પતિ અને બાળકોની આસપાસ જ વીંટળાયેલી રહેતી. એની દુનિયામાં આ સિવાય જાણે, બીજું કંઈ હતું જ નહિ. ઘણાં તો એને એમ પણ કહેતાં કે "તું તો સાવ ઘરકૂકડી છે." કોણ જાણે કેમ પણ તેને આ ઉપમા ગમતી ને તે હસી પડતી. એવું નહોતું કે એને કોઈ શોખ નહોતાં. પરંતુ, એને પરિવાર સિવાય બીજું કંઈ યાદ જ નહોતું આવતું. એમ કહી શકાય કે એને સમય જ નહોતો મળતો. કદાચ, એ બીજું કંઈ વિચારવા જ નહોતી માંગતી.
જે હોય તે પણ નમિતાને સંતોષ હતો. એનાં કામથી, એની આવડતથી, એની બુધ્ધિ અને હોંશિયારીથી. ઘરનાં દરેક કામ ચીવટથી અને કરકસરથી કરતી. એ દરેક કામ ઉત્સાહ-ઉમંગથી કરતી. તે સ્પષ્ટપણે માનતી કે કરકસર કરવી પણ કંજૂસાઈ કદી ના કરવી. એણે ક્યારેય પોતાની જાતને મહત્વ નહોતું આપ્યું. ખાવાનું, ઊંઘવાનું હોય કે તેનાં તબિયત સંબંધી કોઈ વાત હોય. અરે ! કોઈ પ્રસંગમાં હાજરી આપવાની હોય કે બહાર ફરવા જવાનું હોય તો પણ તે હંમેશા ઘરને વ્યવસ્થિત કરવામાં ને કોઈની કોઈપણ વસ્તુ રહી ના જાય એમાં વિશેષ ધ્યાન આપતી. આ બધું તે રાજીખુશીથી કરતી. તો પછી આજે અચાનક શું થયું ? આજે એને આવો અહેસાસ કેમ થયો ? વિચારોનાં વંટોળ તેની આસપાસ ઘૂમરાવા લાગ્યાં.
તેનાં પતિનું એક વાક્ય વારંવાર તેનાં મનો-મસ્તિષ્ક પર અથડાઈને પાછું ફરતું. "આખો દિવસ તું કરે છે શું ?" બસ, આ એક જ સવાલે તેને ઝંઝોળી નાંખી.
તેને થયું, "યાર, વાત તો સાચી છે. આખો દિવસ હું કરું છું શું ? કોડીની કમાણી નહિ ને ઘડીની ફુરસદ નહિ જેવાં ઘાટ છે." દેખીતી રીતે તો તે કોઈજ કામ નહોતી કરતી. કેમ કે, તે કામનું કોઈ જ મૂલ્ય નહોતી લેતી. તેની કોઈ આવક નહોતી. દર મહિને તેનાં એકાઉન્ટમાં કોઈ રુપિયા જમા નહોતાં થતાં કે, તે બતાવી શકે કે પોતે કરે છે શું ?
રોજ સવારે સૌથી પહેલાં ઊઠી જવાનું ને સૌથી છેલ્લાં સૂવાનું. બસ, આ એનો રોજનો ક્રમ. આખા દિવસ દરમિયાન દસ મિનિટ પણ પોતાનાં માટે નહિ ફાળવવાની. ના તો પોતાને મનગમતી ટીવી સીરીયલ જોવાની કે ન તો શાંતિથી ન્યુઝ પેપર વાંચવાનું કે ન તો ચાની ચૂસકી મારતાં-મારતાં બાલ્કનીની બહારનો નજારો જોવાનો. ન તો કોઈ કીટ્ટી પાર્ટી કે ન પાસ-પાડોશમાં બેસવા જઈને ગામ-ગપાટાં મારવાનાં. આમાંનું કંઈપણ કરવાની આવડત તેનામાં નહતી. તો આટલાં વરસ એને કર્યું શું ? પંદર-પંદર વરસનો હિસાબ માંડવાનું મન થયું. પછી વિચાર આવ્યો કે ના બહુ મોડું થઈ જશે. રોજ બધાંને જમાડીને પોતાની થાળી પીરસીને ઢાંકી રાખતી. રસોડું સમેટીને પછી જમવા બેસતી. પહેલાં કોળિયો મોંમાં મૂકે ન મૂકે ત્યાંતો કોઈનું કંઈનું કંઈ આવીજ જતું. કાંતો બાળકો લડતાં તેને છૂટા પાડતી. કાં તો બાળકો કહેતાં, "બહુ ઊંઘ આવે છે." તો તે બન્ને બાળકોને તેનાં ખોળામાં માથું મૂકી ને બન્ને પગથી હીંચોળતાં-હીંચોળતાં જમતી. કોઈક વાર સાસુમા કહેતાં, "વહુરાની સાંજે શું બનાવવાનાં છો ?" કહેવાનું મન થઈ જતું, "અત્યારે તો મને જમી લેવા દો. સાંજની વાત સાંજે." પણ એ વાક્ય એનાં ગળામાં જ અટકીને રહી જતું.
રોજની જેમ આજે પણ એ થાળી લઈને બેઠી. ઠંડા દાળ-ભાતનો કોળિયો મોંમાં મૂકતાં જ યાદ આવ્યું. "આ લે ગરમા-ગરમ દાળ." ગરમા-ગરમ દાળની સાથે મમ્મીનું રોજીંદુ વાક્ય પણ આવતું, "મારી નમુને રોટલી ઠંડી હોય તો ચાલે પણ દાળ તો ઉકળતી જ જોઈએ."
આજે પંદર વરસે તેને આ વાક્ય યાદ આવતાં જ દાળની તીખાશ આંખ સુધી પહોંચી ને આંખનું એક ટીપું ગાલે આવીને અટકી પડ્યું.