The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Prashant Subhashchandra Salunke

Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational

ચમકારો

ચમકારો

15 mins
1.0K


“મીનલબા, આપણા શ્રવણ માટે આ કન્યાજ યોગ્ય છે. જરા એની તસવીર પર એક નજર તો નાંખી જુઓ.” ઘરેણાંથી લદાયેલ મીનલબા જયારે તકિયાને અડીને હીંચકે બેસતાં ત્યારે તેમની એ આભા કોઈ મહારાણીને પણ શરમાવે તેવી લાગતી. પંડિતના હાથમાં રહેલી તસવીર પર નજર પડતાં જ તેમના મોઢામાંથી સરી પડ્યું, “સુંદર... અતિસુંદર... શ્રવણ જોડે આની જોડી એકદમ શોભી ઉઠશે. શું નામ છે દીકરીનું ?”

પંડિતજી બોલ્યાં “શોભા...”

મીનલબા : “ખરેખર તેના આગમનથી આ ઘરની શોભા વધી જશે.”

પંડિતજી બોલ્યાં, “મીનલબા, ઘર નહીં પણ મહેલ કહો મહેલ, અને તમારા રૂઆબ પણ કંઇ મહારાણીથી ઓછા છે ? મેં તો શોભાને પણ કહ્યું છે કે તું એ ઘરમાં વહુ બનીને નહીં પણ રાજકુંવરી બનીને રહીશ. મીનલબા તને સગી દીકરીની જેમ રાખશે.”

મીનલબા : “શ્રવણના પિતા સ્વર્ગવાસી થયા પછી આટલા મોટા ઘરમાં રહેવું મને હવે વસમું લાગે છે. શોભા આ ઘરમાં આવશે તો આ ઘર, ઘર જેવું લાગશે. હું તો શોભાને સઘળી જવાબદારી સોંપી નિરાંત જીવે ભગવત સ્મરણ કરીશ.”

પંડિતજી : “મીનલબા, આમપણ તમે ક્યારેય ધાર્મિક કાર્યોમાં પાછળ રહ્યા નથી. તમારા ઘરેથી કોઈ યાચક આજદિન સુધી ખાલી હાથે ગયો નથી. આખા શહેરમાં તમારા ઉદાર સ્વભાવની ચર્ચા લોકો ખુલ્લા દિલે કરે છે. તમારો પુત્ર શ્રવણ ખરેખર એના નામને સાર્થક કરે એવો છે”

મીનલબા : “પંડિતજી, તમે જરા વધુ પડતા વખાણ કરી રહ્યા છો.”

પંડિતજી : “મીનલબા, વખાણ તો જુઠ્ઠા લોકોના થાય, સારા માણસના કાર્યોને તો લોકો સાચા દિલથી યાદ કરી આશીર્વાદ આપે.”

ત્યાંજ નોકર ચાંદીની થાળીમાં નાસ્તો લઇ આવ્યો. તેણે બંને માટે ચાંદીના પ્યાલામાં કોફી ભરી ટેબલ પર મૂકી. થોડીવાર પછી પંડિતજીએ અલ્પાહાર કરી ત્યાંથી વિદાય લીધી.

***

શુભ ચોઘડિયાંમાં શ્રવણ અને શોભાના લગ્ન લેવાયા. રૂપરૂપના અંબાર સમી શોભાના આગમનથી હવેલી દીપી ઉઠી. મીનલબાનો તો ઉત્સાહજ અનેરો હતો તેમનો હર્ષ સમાતો નહોતો. ઘરમાં મંગલ પ્રવેશ સમયેજ આંગણે ઉભેલી શોભાના ગૃહપ્રવેશ માટે મીનલબા આરતીની થાળી લઇ આવ્યા. વહુની આરતી હર્ષભેર મીનલબા ઉતારતાં હતા ત્યાંજ શોભા મોઢું બગાડી બોલી “છી...આ શું છે.. જલ્દી આરતી કરી લોને... આ અગરબતીના ધુમાડાથી ગભરામણ થાય છે.”

મીનલબા અચરજથી શોભાને જોવા લાગ્યાં અને તેઓ કંઇ પણ બોલે એ પહેલાંજ શ્રવણ બોલ્યો “બા, તમે પણ શું બાઘાની જેમ જુઓ છો, સાંભળ્યું નહીં શોભાને ધુમાડાથી ગભરામણ થઇ રહી છે.”

ત્યાં હાજર સગા-સંબંધીઓ વચ્ચે મીનલબા છોબીલા પડી ગયા તેમણે કચવાતાં મને આરતીની વિધિ જેમ તેમ પૂર્ણ કરી. શોભાએ ઘરમાં કદમ જમાવવા કુમકુમ પગલાં ભર્યા. મીનલબા ચુપચાપ આરતીની થાળી લઇ ત્યાંજ ઉભા રહી તેને ઘરમાં પ્રવેશ કરતાં જોઈ રહ્યા.

સવારે રોજના ક્રમ પ્રમાણે ભગવાનની પૂજા કરી મીનલબા હીંચકા પર બેસવા આવ્યાં. તેઓ એ જોઇને અચંબો પામ્યા કે શોભા હિંચકા પર બેસી મોબાઈલના બટનો દબાવવામાં વ્યસ્ત હતી. આ જોઈ તેમને આઘાત લાગ્યો કારણ આજદિન સુધી હીંચકા પર તેમના સિવાય બીજું કોઈ બેસવાની હિંમત કરતું નહીં અને શોભા આ વાત જાણતી હતી. મીનલબાને લાગ્યું કે વહુ કદાચ ભૂલથી બેસી ગઈ છે. ભલે છોને બેસતી. આમપણ ઘરમાં અત્યાર સુધી કોઈ ત્રીજી વ્યક્તિ નહોતી એટલે તેમના સિવાય કોઈ હિંચકે બેસતું નહોતું ! મનોમન આમ વિચારી તેઓ બાજુમાં આવેલ સોફા પર બેઠા. નોકર ચાંદીના પ્યાલામાં કોફી લઇ આવ્યો. મીનલબાને સોફા પર બેઠેલા જોઈ તેના હાથમાંનો કોફીનો પ્યાલો ધ્રુજી ઉઠયો. મીનલબાને કોફી આપી તે ઝડપભેર અંદર જતો રહ્યો. મીનલબા કોફીના કડવા ઘૂંટ ભરતાં ભરતાં વિચારવા લાગ્યાં કે “ફક્ત સુંદરતાને પ્રાધાન્ય આપી તેમણે કોઈ ભૂલ તો નથી કરીને ? પંડિતજીને છોકરીના સંસ્કાર વિષે તો ક્યારેય પૂછ્યું જ નહોતું!” વહુના રૂપની પાછળ શ્રવણ પણ ઘેલો થઇ રહ્યાની આછી ઝલક કાલે રાત્રેજ દેખાઈ આવી હતી.

શોભાને શાંતિથી મીનલબાએ કહ્યું, “બેટા, આ આખો દિવસ વોટ્સએપ પર ચેટીંગ કરવી સારી વાત નથી.”

શોભાએ છણકો કરીને કહ્યું, “કેમ ? બધાજ વાપરે છે તેમાં નવાઈ શું ? તમે પણ વોટ્સએપ વાપરોજ છોને ?”

મીનલબા, “બેટા, હું પણ વોટ્સએપ વાપરું છું પણ તેની એક મર્યાદા છે. હવે લગ્ન બાદ પણ તું તારા કોલેજના પુરુષમિત્રો સાથે આમ કલાકો ચેટીંગ કરે છે તે સારી વાત નથી.”

શોભા ચોંકી ઉઠી, “એટલે તમે મારા મોબાઈલને ચેક કરો છો ? મારી જાસુસી કરો છો એમ જ ને ?”

મીનલબા હેબતાઈને બોલ્યાં “બેટા, એવી વાત નથી ?”

શોભાએ ત્રાડ પાડતા કહ્યું, “તો કેવી વાત છે ?”

શ્રવણ અંદરથી દોડતો આવ્યો “શું થયું શોભા ?”

શોભા બોલી “જુઓને તમારા આ બા. એક મિનીટ પણ મને શાંતિથી જીવવા દેતા નથી. જાણીજોઇને મને હેરાન કરતા રહે છે. હું અહીં શાંતિથી હિંચકે બેઠી છું તે પણ એમનાથી જોવાતું નથી.”

“શોભા, તને ભાન પડે છે કે તું કોની સામે બોલી રહી છે ? રોજ સવારે મારી બા તું જે હીંચકા પર બેઠી છે ત્યાં બેસે છે.. ઉઠ ત્યાંથી ઉઠ....” મીનલબાએ કલ્પના કરી કે શ્રવણ શોભાને આમ બોલી તેની ઝાટકણી કાઢશે પરંતુ તેમની કલ્પનાને ખોટી ઠેરવતું શ્રવણનું વાક્ય બાણ તેમના હૈયાની આરપાર નીકળી ગયું, “બા..તમે પણ ખરા છો એ કહે છે તમે એને ડીસ્ટર્બ કરી રહ્યા છો છતાં સોફા પર બેસી રહ્યા છો ?”

મીનલબા બોલ્યાં “બેટા... હું તો ફક્ત..”

શોભા મોબાઈલ એક તરફ ફેંકી ગુસ્સાથી અંદરના રૂમમાં દોડી ગઈ એની પાછળ પાછળ શ્રવણ દોડ્યો “શોભા... સાંભળ શોભા....”

***

શ્રવણના લગ્નને એક વર્ષ પૂર્ણ થતા તેમના ઘરે ખુશીના પારણા બંધાયા, શોભાને રૂપરૂપના અંબાર સમો દીકરો અવતર્યો. પોતે દાદી બન્યા એ વાત જાણી મીનલબા ખુશ-ખુશાલ થઇ ગયાં. શ્રવણ જોડે તેઓ પણ હોસ્પિટલમાં પૌત્રનું મોઢું જોવા ઉપડ્યા. હોસ્પિટલમાં નવજાત બાળકને ખોળામાં લઈને શોભા બેઠી હતી. શોભાના ચહેરા પર અવર્ણનીય આનંદ હતો પરંતુ દુરથી જેવા મીનલબાને આવતાં જોયા કે મોઢું ચઢી ગયું. શ્રવણ અને મીનલબા નજીક આવ્યાં. સુંદર પૌત્રને જોઈ મીનલબા આનંદ વિભોર થઇ ગયાં પૌત્રને શોભાના હાથમાંથી લેવા તેમણે હાથ લંબાવ્યા મીનલબા પૌત્રને લેવા જતાજ હતા ત્યાં શોભાએ બાળકને ધીમેથી ચુંટણી ખણી. નાનો જીવ તડપીને રડવા લાગ્યો. મીનલબા કંઇ સમજે તે પહેલાજ શોભાએ બાળકને એમના હાથમાંથી આંચકી લેતા બોલી, “બા... આઘા રહો... તે તમારા ધોળા વાળ જોઈને ડરી રહ્યો છે.”

પૌત્ર પ્રેમાંધ મીનલબા બોલ્યાં “બેટા, હમણાં એ ચુપ થઈ જશે.”

ત્યાંજ શ્રવણ તાડુક્યો “બા.. સમજાતું નથી ? બાળક તને જોઈને ડરે છે છતાં તું કેમ જિદ કરી રહી છે ? આપણે તો બાળકને થોડીવાર રમાડી, રડાવી જતાં રહીશું પછી તેને સંભાળવાનો તો બિચારી શોભાએજ છે ને ?”

મીનલબા નારાજ થઈ રૂમમાંથી બહાર નીકળી ગયાં. શોભાએ છણકો કરતા કહ્યું “જોયું કેવા જતાં રહ્યા ? તમારા બાથી આપણી ખુશી જોવાતી જ નથી !” મીનલબાની નારાજગી તરફ ધ્યાન આપ્યા વગર બન્ને મશગુલ થઈ ગયાં. શ્રવણ બાળકને રમાડવામાં અને શોભા શ્રવણની ચઢામણી કરવામાં !

***

આમજ દિવસો વ્યતીત થવા લાગ્યા. શ્રવણ હવે સંપૂર્ણ પત્નીઘેલો થઇ ગયો હતો. મીનલબાની કોઈ વાત તે સાંભળવા તૈયાર નહોતો પરિણામે શોભા ખૂબ મુક્ત અને સ્વચ્છંદી બની ગઈ હતી. શોભાએ ધીરે ધીરે સંપૂર્ણ ઘર પર કબજો કરી લીધો. હવે મીનલબાને પોતાનાજ ઘરમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો પુત્ર કે પુત્રવધુની પરવાનગી લેવી પડતી. સ્વચ્છંદી શોભાને મીનલબા આંખના કણાની જેમ ખુંચતી હતી. તે મીનલબાનો અપમાન કરવાનો એકપણ મોકો હાથમાંથી જવા દેતી નહોતી. ભવિષ્યમાં પુત્ર રાજુ તેના પોતાની સાસુ મીનલબા સાથેના વર્તન પરથી પોતાની સાથે પણ એવો જ વ્યવહાર કરી બેસે તો ? કરો તેવું ભરો. એ ઉક્તિને ખોટી પાડવાજ કદાચ શોભા “બા, એ તમારાથી બીવે છે” એમ કહી મીનલબાથી પૌત્ર રાજુને દુર રાખતી.

એવામાંજ એક દિવસ બહારગામ ગયેલા પંડિતજી મીનલબાને મળવા આવ્યાં. “મીનલબા.. મીનલબા....” ત્યાં તેમની નજર હીંચકા પર બેઠેલી શોભા પર ગઈ. તેઓ શોભા પાસે જઈ બોલ્યાં “મીનલબા ક્યાં છે ?”

શોભાએ મોઢું ચઢાવી કહ્યું “હશે અહીંજ કયાંક” અને ધીમેથી બબડી “નથી મરતી કે નથી ક્યાંય જતી.”

ત્યાંજ મીનલબાએ બહાર આવી કહ્યું “આવો પંડિતજી મજામાં છો ને ?”

પંડિતજી અવાકપણે સાદી સાડીમાં લપેટાયેલ મીનલબાને જોતા બોલ્યો “અરે..રે...રે.... મીનલબા! તમારી આવી હાલત ?”

પંડિતજીએ અત્યંત ગુસ્સામાં શોભાને કહ્યું “બેટા, આ મીનલબાની તેં શું હાલત કરી નાખી છે ? હું તો એ જોવા આવેલો કે તું ખુશ છે કે નહીં ? પણ અહીં તો તસવીર જ કંઈક જુદી લાગે છે.”

શોભાએ કહ્યું “પંડિતજી, મોઢું સંભાળીને બોલો”

પંડિતજી બોલ્યાં “બેશરમ, શું બોલી તું ? લગ્ન પહેલા તારા ઘરે આવતો ત્યારે તુંજ મારા પગે પડી પડીને આશીર્વાદ લેતી હતી ને ? તારા ઢોંગનો જો મને ત્યારેજ અણસાર આવી ગયો હોત તો આ દેવીની આ હાલત ન થઈ હોત. શોભા યાદ રાખજે ઘરમાં વડીલોને આદર ન હોય તે ઘર, ઘર નહીં પણ સ્મશાન છે.”

શોભાએ રોષભેર કહ્યું. “એક દિવસ આ ડોસલી સાથે રહી જુઓ તમને પણ ખબર પડશે કે કેટકેટલું સહન કરીને અમે તેને અમારી સાથે રાખીએ છીએ.”

પંડિતજીએ કહ્યું, “શોભા, અમારી સાથે મીનલબા રહે છે એવું કયારેય ન બોલીશ પણ એમ બોલ કે અમે મીનલબા સાથે રહીએ છીએ. આવું બોલવામાંજ સમજદારી છે. યાદ રાખ બેટા, હવે તું આ ઘરની દીકરી છું. પતિની અંગત સલાહકાર ન બનીશ. સાસુને માતા સમાન માન-સન્માન અને પ્રેમ આપ. તેને આમ ડોશી ડોશી કહીને ન બોલાવીશ.”

શોભાએ કહ્યું, “અહીં મારો લોહી ઉકાળો કરવા કરતાં આ તમારા પ્રવચનો બહાર જઈને કરો, બે પૈસા મળશે અને બા, તમે પણ શું અહીં ઊભા છો ? જાઓ અંદર તમારા કમરામાં જાઓ, કેટલીવાર કહ્યું છે કે કોઈ મહેમાન ઘરે આવે તો આમ તમારૂ ડાચું લઈને ન આવો, પણ નહીં... ગધેડાને પણ એકવાર કહીએ તો સમજશે પણ આ ડોશીને કદી નહીં સમજાય....”

“શોભા......” ક્રોધથી પંડિતજીએ એક લાફો શોભાના મોઢા પર ચોડી દીધો. “ચુપ કર… નપાવટ... તારી ગંદી જબાન બંધ રાખ. આજે એ વાતની શરમ આવે છે મને કે તારૂ માંગું આ દેવી સમાન મીનલબા પાસે હું લઇ આવ્યો હતો.”

તેઓ બે હાથ જોડી મીનલબાને બોલ્યાં “દેવી.... મને માફ કરો.. મારાથી ભૂલ થઇ ગઈ”

આમ બોલી તેઓ ઝડપથી ઘરની બહાર નીકળી ગયા.

ક્રોધથી શોભા મીનલબાને બોલી “ડોહી.. હવે જો તારી કેવી વલે થાય છે તે...”

શોભા આમ બોલી ઉપરના કમરામાં જઈ પલંગ પર સુઈ ગઈ.

****

સાંજે શ્રવણ આવતાંજ શોભાએ આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવવો શરૂ કરી દીધો.

શ્રવણે પૂછ્યું “શું થયું વહાલી ?”

શોભા રડતાં રડતાં બોલી “પૂછો તમારી મહારાણી માને.”

ત્યાંજ મીનલબા આવ્યાં.

શ્રવણે ગુસ્સાથી મીનલબાને પૂછ્યું “આ શું છે બા ? કેમ રડે છે શોભા ?”

મીનલબા ડરતાં ડરતાં બોલ્યાં “કંઇ નહીં બેટા, પેલા પંડિતજી શોભાને સમજાવતાં હતા કે માતા-પિતા જોડે કેવી રીતે રહેવું ?”

શોભા બોલી “જોયું એટલે તમારી બા આખા ગામમાં ઢંઢેરો પીટતી ફરે છે કે હું તેમને સારી રીતે રાખતી નથી અને એટલે જ પેલો પંડિત આવેલો મને લાફો મારવા.”

શ્રવણ તાડુક્યો “બા ! પંડિતજીએ શોભાને લાફો માર્યો અને તું તેમને કશું ન બોલી ?”

શોભા બોલી “એ કેવી રીતે બોલી શકે પંડિતને ? જુનો યાર જે છે એમનો”

મીનલબા કાપો તો લોહી ન નીકળે તેવા સમસમી ગયાં “શોભા, બોલવામાં ભાન રાખ”

શોભા “અરે વાહ! આડા સબંધો બાંધતા તમને શરમ નથી આવતી અને બોલવામાં અમે શરમાઈએ વાહ !”

મીનલબા બોલ્યાં “બેટા, આટલો વાહિયાત આક્ષેપ ન લગાડ, શ્રવણ તું તો કંઈ બોલ બેટા ! એ તારી સગી મા ઉપર કેવો બેહુદો અને ગંદો આક્ષેપ લગાવી રહી છે ?”

શ્રવણ બોલ્યો “આક્ષેપ ? બા તો તું મને એ સમજાવ કે, અચાનક પંડિતજી આપણા ઘરમાં કયો પૂજાપાઠ કરવા આવેલા ? બસ બા... બસ કર.... તમને મારી મા કહેવામાં પણ મને શરમ આવી રહી છે. મારી નજર સામેથી દુર ચાલ્યા જાઓ...”

મીનલબાને આવા વહુઘેલા નમાલા દીકરાને ઘણું કહેવું હતું, ઘણું સમજાવવું હતું પણ એ બિચારા શું બોલે ? ચુપચાપ ત્યાંથી નીકળી તેઓ ઓરડામાં જતાં રહ્યા. બહાર વીજળી કડકડતી હતી. કદાચ વાદળ પણ રડતું હતું. મીનલબાના રૂમનો દરવાજો ખખડ્યો. આંસુ લૂછતા મીનલબાએ દરવાજો ખોલ્યો. તેમની સામે શ્રવણ અને શોભા ઊભા હતા. મીનલબા કંઇ સમજે તે પહેલા શોભાએ તેમના વાળ પકડી ઘરની બહાર ખેંચીને લઇ જવા લાગી.

શ્રવણ બોલ્યો “શોભા, શું કરે છે ? આટલી રાત્રે અને વરસતાં વરસાદમાં બા ક્યાં જશે ?”

શોભા બોલી “તમે શું એવું ઈચ્છો છો કે આ બદચલન સ્ત્રીને ઘરમાં રાખી હું મારા છોકરાના સંસ્કાર બગાડું ? ચુપચાપ જોયા કરો નહીંતર હું રાજુને લઈને અબઘડી મારે પિયર જતી રહીશ. આજે ફેંસલો થઇ જાય હવેથી આ ઘરમાં કાંતો આ ડોશી રહેશે કાં તો હું.”

શ્રવણ “બા ઘરમાં નહીં રહે તો પછી ક્યાં રહેશે ?”

શોભા બોલી “આજ પછી આ ડોશી પેલા બહારના સ્ટોર રૂમમાં રહેશે”

શ્રવણ બોલ્યો “સ્ટોર રૂમમાં તો જગ્યાજ નથી એના કરતાં આપણે બાને વૃદ્ધાશ્રમમાં રાખીએ તો ?”

શોભા “કેમ સમાજમાં મારૂ નાક કપાવવું છે ? લોકો તો આ ડોહીનો વાંક કાઢવાને બદલે એમજ કહેશેને કે જુઓ વહુએ ઘરમાં આવતાજ સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધી. ના.. ના... ભૂલી જાઓ વૃદ્ધાશ્રમને, હવે તમારી બા સ્ટોર રૂમમાંજ રહેશે.”

શ્રવણ બોલ્યો, “સવારે હું નોકરોને કહી દઈશ એ સાફ સફાઈ કરાવી દેશે પણ આજનો દિવસ તો બાને ઘરમાં રહેવા દે”

શોભા તાડુકી “નોકરોને બીજા કામ હોય છે ! આખો દિવસ નવરી બેસતી આ ડોશી ઘસાઈ નહીં જાય. સ્ટોરરૂમની સફાઈ એ જાતેજ કરશે. આજે તો હું તેને ઘરમાંથી બહાર કાઢીનેજ જંપીશ. બહાર રહેશે ત્યારે અક્કલ ઠેકાણે આવશે કે આપણે તેને સાથે રાખી કેવો ઉપકાર કરતા હતા.”

શ્રવણ દોડતાં જઈ ચાદર લઇ આવ્યો.

શોભાએ પૂછ્યું “શું કામ આ ?”

શ્રવણ બોલ્યો “બહાર બહુ ઠંડી છે, તેથી બાને ઓઢવા માટે આ..."

શોભાએ શ્રવણના હાથમાંથી ચાદર ખેંચી લેતા કહ્યું, “પણ તમારી બાને એના યારની યાદોની ગર્મી ઠંડી નહીં લાગવા દે”

શોભાએ ધક્કો મારી મીનલબાને બહાર કાઢ્યા, એ પૂરી રાત ધ્રુજતા, કંપતા અને આંસુ સારતા મીનલબાએ ઘરની બહાર વિતાવી. બીજા દિવસે સવારે શોભાએ સ્ટોર રૂમનું તાળું ખોલી આપ્યું. મીનલબાએ રૂમની સાફ સફાઈ કરી ત્યાં રહેવા લાગ્યાં. નોકર દિવસમાં એકવાર ખાવાનું લઇ આવતો. નોકરને કડક સુચના અપાયેલી કે મીનલબાની નજીક પણ નહીં જવાનું અને દરવાજામાંથીજ એક ટંક ખાવાની થાળી સરકાવી દેવાની. મીનલબા ફાટેલી ચાદર પર બેસી કાગળમાં લપેટાયેલી સુક્કી ભાખરીને વાસી શાક જોડે સ્ટોરરૂમના એક અંધારીયે ખૂણે બેસીને લુસલુસ ગળે ઉતારી જતા. ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે સ્ટોરરૂમનો દરવાજો બહારથી બંધ રાખવામાં આવતો. શોભાની કડક સુચના હતી “ડોસલી ઘરના મહેમાનો સામે આવવી ન જોઇએ મહેમાનો સામે ઇમ્પ્રેશન ડાઉન થશે”

એકવાર મુંબઈથી શ્રવણના મિત્રો તેના ઘરે રહેવા આવ્યાં લગભગ તેઓ અઠવાડિયું ત્યાં રોકાવવાના હતા. તેથી સ્ટોર રૂમનો દરવાજો અઠવાડિયું બંધ રાખવાની કડક સુચના શોભાએ નોકરોને આપેલી. એક સાંજે શ્રવણ સ્ટોરરૂમ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યાંજ એના કાને મીનલબાનો અવાજ સંભળાયો “બેટા..” વિખરાયેલા વાળ અને કેટલાય દિવસથી નહાવવાનું નસીબ ન થયેલ મીનલબા બારીના સળિયામાંથી લાચારીપૂર્વક ઇજા થયેલ હાથ શ્રવણને બતાવતાં હતા. સ્ટોરરૂમમાં પડી જવાથી કદાચ એમના હાથમાં વાગ્યું હતું, વાગેલ ઘામાંથી લોહી વહી રહ્યું હતું. કદાચ હાથનું હાડકું ફેકચર થયું હોય તેમ શ્રવણને જણાયું. માતાની અવદશા જોઈ શ્રવણનો પુત્રપ્રેમ જાગૃત થયો હિંમતભેર બે પગલા સ્ટોરરૂમ તરફ વધારતાંજ એની આંખ સામે શોભાનો ચહેરો તરવર્યો એના પગ થંભી ગયાં ! શોભાને જાણ થશે ત્યારે પોતાની શી દશા થશે ? તે કલ્પના કરતાંજ એનું વીરત્વ ઓગળી ગયું. દરવાજા પર સંભળાતા મીનલબાના નખના ઘસરકાથી જાણે ડરી ગયો હોય તેમ તેણે ઘર તરફ દોટ મૂકી.

***

રાજુનો આજે જન્મદિવસ હતો ! તેને ૭ વર્ષ પૂર્ણ થયા હતા. રાજુના જન્મદિવસની ઉજવણી ધામધુમથી ઉજવવાની કેટલાય દિવસથી તડામાર તૈયારીઓ ઘરમાં ચાલતી હતી. જન્મદિવસની ઉજવણીના ઉમંગમાં કેટલાય દિવસથી મીનલબાને એક ટંકનું ખાવાનું આપવાનું પણ વિસરાઈ ગયું છે એ વાત સુદ્ધાં કોઈના ધ્યાનમાં આવી નહીં. જન્મદિવસના દિવસે ધીમેથી શ્રવણે શોભાને પૂછ્યું “આપણે બાને પણ ઉજવણીમાં લઇ આવીએ તો ?”

શોભા બોલી “મગજ છટકી ગયું છે ? આટલા સારા પ્રસંગમાં તમારી ભિખારણ જેવી બાને અહીં લાવી ઈજ્જતના ધજાગરા કરવા છે ?”

શ્રવણ બોલ્યો “રાજુને શુભ પ્રસંગે બા આશીર્વાદ....”

શોભા આંખ કાઢતા બોલી “બસ......”

શ્રવણ નીચું માથું ઘાલી બહાર જ્યાં મહેમાનો આવવાના હતા ત્યાં સજાવટ બરાબર થાય છે કે નહીં તે જોવામાં મશગુલ થઇ ગયો. બહારથી દોડતો દોડતો રાજુ અંદર આવ્યો અને બોલ્યો “મમ્મી, ભુખ લાગી છે”

શોભાએ બુમ પાડી “રઘુ... રઘુ....”

અંદરથી રઘુ દોડતો આવ્યો “જી માલકીન.....”

શોભાએ કહ્યું “રાજુને ભુખ લાગી છે એને કંઇક ખાવાનું આપ...”

રઘુ બોલ્યો “માલકીન.. બસ માસાહેબ મીનલબાને ખાવાનું આપી આવું પછી તરતજ છોટે બાબાને નાસ્તો આપું છું.”

કચકચાવીને શોભાએ એક લાફો રઘુને મારતા બોલી “જહન્નમમાં જાય એ ડોશી, તને કેટલીવાર કીધું છે રાજુ સામે તેનું નામ પણ નહીં લેવાનું? જા નાસ્તો લઈ આવ.. એક ટંક ખાય નહીં તો.. કંઇ મરી નહીં જાય ડોશી.”

રાજુ બોલ્યો “કોણ ડોશી મમ્મી ?”

શોભા બોલી “બેટા, એક પાગલ ડોશી છે. મમ્મા તેને ખાવાનું આપે છે. તેની કાળજી લઇ તેની સંભાળ રાખે છે.”

રાજુ શોભાને ગળે લગાવતાં બોલ્યો “મમ્મી, તમે કેટલાં સારા છો”

સાંજે પાર્ટી ધૂમધામથી ઉજવાઈ રહી હતી પાર્ટીના આયોજનની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા હતા ત્યાંજ એક વિચિત્ર બનાવ બન્યો રાજુએ અચાનક નોકર રઘુને એક લાફો મારતા બોલ્યો “તમને કહ્યું ને ફુગ્ગો લઇ આવો એટલે ફુગ્ગો લઇ આવો..”

આવેલ મહેમાનો રાજુની વર્તણુંક જોઈ દંગ રહી ગયાં. ખુસર પુસર વધે તે પહેલા શોભાએ જાહેરાત કરી “અબ ડાન્સ હો જાયે...” હર્ષભેર બધાએ વાતને સ્વીકારી લીધી. ડીજેના સંગીતમાં રાજુની વાત દબાઈ ગઈ. કેક કપાયો. ફટાકડા અને ફુગ્ગા ફૂટ્યા. સ્પ્રે છંટાયો અને વિવિધ વ્યંજનોની મજા લઇ મહેમાનો છુટા પડ્યા.

***

એ રાત્રે શોભાએ રાજુને પૂછ્યું “તેં રઘુને લાફો કેમ માર્યો ?”

રાજુએ કહ્યું “આજે સવારે તમારી વાત નહોતી સાંભળી એટલે તમે રઘુને લાફો માર્યો હતો ને ? બસ એજ જોઈને મેં પણ આજે મારી વાત નહીં સાંભળતા રઘુને લાફો ચોડી દીધો... બરાબર કર્યું ને મમ્મી...?”

શોભાએ કહ્યું “એકદમ બરાબર કર્યું એ ચાંપલો એજ લાગનો છે”

રાજુ પડખું બદલી સુઈ ગયો. બહાર વીજળી કડકડતી હતી. શોભાએ વિચાર્યું સારું થયું આજે વરસાદ નહીં પડ્યો નહીંતર પાર્ટીની બધી મજા બગડી ગઈ હોત. શોભાને ઊંઘ નહોતી આવતી એણે રીમોટ લઇ ટીવી ચાલું કર્યું. એની ગમતી સી.આઇ.ડી. સીરીયલ ચાલતી હતી રસપૂર્વક એ ટીવી જોવા બેઠી. ત્યાંજ “તેરે કિયે કી સજા તો તુઝે મિલેગી હી..અબ કાટો સારી ઉમર જેલ મેં...” અને આ સંવાદ સાથે સીરીયલ પૂરી થઇ. એણે અકળાઈને ટીવી બંધ કર્યું. રેડીઓ મિર્ચી સાંભળવા મોબાઈલમાં ઇઅરફોન સેટ કરી કાને લગાવ્યું “અબ સુનિયે ગીત “તુઝે દિલ મેં બસા તો લું...” ૧૯૯૫ કી ફિલ્મ “કર્મો કી સજા” ઔર ગીત ગાયા હૈ.....” ધાડ... કરીને પવનથી બંધ થયેલ બારીથી શોભા હેબતાઈ ગઈ.

એ બારી બંધ કરવા ઉઠી ત્યાંજ ઠંડા પવનની લહેરખીથી એના રોમ રોમ પુલકિત થઇ ગયાં. ઠંડા પવનનો આનંદ લેવા તે બારી બંધ કરી બહાર ગેલેરીમાં આવી ઉભી રહી. ત્યાંજ “ઘસ...ર.... ઘસ....ર” અવાજથી એ ચોંકી! તેણે અવાજની દિશા તરફ નજર દોડાવી તો ધ્યાનમાં આવ્યું કે અવાજ એમના બગીચાના એક ઝાડ નીચેથી આવતો હતો કે જ્યાં પાર્ટીની એઠી થાળીઓ મૂકી હતી. શોભા ચિઢાઈ ગઈ આજે પાછું કોઈક કુતરું બગીચામાં ઘુસી ગયું હતું. આ પહેલા પણ આમજ એક કુતરું બગીચામાં આવેલું અને બગીચાના ફૂલોના ક્યારાઓને ખોદીને જતુ રહેલું. ઘણા ફૂલછોડ નાશ પામ્યા હતા. કુતરાને સબક શીખવાડવાના ઈરાદે શોભા શ્રવણને ઉઠાડવા ગઈ પણ દિવસભર પાર્ટીની દોડધામથી થાકેલો શ્રવણ ઘસઘસાટ ઊંઘતો હતો. બાજુમાં પડેલ લાકડી ઉપાડી શોભા પોતે બગીચામાં ગઈ. કુતરું ભાગી ન જાય એ માટે એ ધીમે પગલે ઝાડ તરફ વધી. “ઘસ...ર...ઘસ....ર” નો અવાજ હજી પણ આવતો હતો. ઝાડ પાસે પહોંચતાં જ શોભા ચોંકી ગઈ. ત્યાંજ વીજળીના ગડગડાટમાં એઠી થાળીઓમાંથી રોટલીનો ટુકડો વીણી મોઢામાં નાખતાં મીનલબા સ્પષ્ટપણે દેખાયાં!

(“તેરે કિયે કી સજા તો તુઝે મિલેગી હી..” સી.આઇ.ડી. સીરીયલનો સંવાદ, “કર્મોકી સજા” ફિલ્મનું નામ! અને “તે લાફો માર્યો એ જોઈ મેં લાફો માર્યો!” રાજુએ કહેલું વાક્ય. આ બધી ઘટનાઓ એકીસાથે શોભાને યાદ આવી)

વીજળીના ગડગડાટ સાથે શોભાના મસ્તિષ્કમાં ચમકારો થયો. તેની અંતરઆત્મા ધ્રુજી ઉઠી, “અરે રે... આ સ્ત્રીની મેં આવી અવદશા કરી ? ચાંદીની થાળીમાં જમતાં અને રાણીની જેમ હીંચકે ઝૂલતા મારી સાસુના આ હાલ મેં કર્યા ? મારા દીકરા રાજુને આ વાતની ખબર પડશે તો ? મોટો થઇ લગ્ન થતાં એ પણ મારી આવી જ હાલત કરશે તો ? ભગવાન મને પણ મારા કર્મોની આવી જ સજા આપશે તો ?”

આ વિચાર સાથે જ એના હાથમાંથી ડંડો પડી ગયો. ડંડાના અવાજથી મીનલબા ચોંકી ઉઠ્યા. સામે શોભાને જોઈ મીનલબા વિનંતીભર્યા સ્વરે બોલ્યાં “બેટા... ચાર દિવસથી કંઇ ખાધું નથી... બસ આ ખાઇ લઉં.... મને મારીશ નહીં.... ભુખ લાગેલી છતાં મહેમાનો સામે આવી નહીં, હું પાછી ઓરડીમાં જતી રહીશ...” એઠવાડમાંથી એક લાડુ ઉપાડતા મીનલબા પેટ પર હાથ ફેરવતાં બોલ્યા “મને ખૂબ ભુખ લાગી છે.. બેટા.... થોડું ખાઈ લેવા દે”

શોભા ચોધાર આંસુએ રડી પડી. મીનલબાના હાથના લાડુને ઝાટકતા એ રૂંધાયેલા સ્વરે બોલી “બા... મને માફ કરો.. હે ભગવાન ! મને ક્ષમા આપો.. સાસુમા, આજ પછી તમે એ ઓરડીમાં નહીં રહો. ચાલો બા ઘરે ચાલો... હવે આપણે બધા સાથે રહીશું...”

***

સવારે આંખ સામેનું દ્રશ્ય જોઈ શ્રવણ અચંભિત થઇ ગયો. હીંચકા પર રાણીની જેમ શોભતાં મીનલબા બેઠા હતા! શાલીનતાથી શોભા રાજુને કહેતી હતી. “બેટા રાજુ, આ તારા દાદી મીનલબા છે એમના પગે પડ” મીનલબાએ રાજુને છાતી સરસો ચાંપી લીધો. દાદીની પ્રીત અને પૌત્રનું હેત આટલા વર્ષે પહેલીવાર મળવાથી બન્ને જીવ આનંદવિભોર થઈ ગયાં.

“બા સામે કેવી રીતે જઉં ?” વિચારતો શ્રવણ ત્યાંજ ખીલો થઈ ઉભો રહ્યો. એને જોઈ મીનલબા બોલ્યા “નજીક આવ બેટા, વહુરાણી તને નહીં વઢે”

આ સાંભળતા જ શ્રવણ દોડીને મીનલબાના પગે પડ્યો. તેની આંખમાં આંસુ હતા. શોભા પણ મીનલબાના પગમાં પડી ગઈ, “મને પણ માફ કરી દો બા, ખબર નહીં મને શું કુબુદ્ધિ સુઝી હતી કે મેં તમારી સાથે આવો વ્યવહાર કર્યો.” બોલતા બોલતા શોભા ચોધાર આંસુએ રડી પડી.


અચાનક મીનલબાના મસ્તિષ્કમાં ચમકારો થયો. વહાલથી શોભાના માથે હાથ ફેરવતા ફેરવતા મીનલબા વિચારી રહ્યા કે, “પૂર્વ જન્મના સંચિત કર્માનુસાર આ જન્મમાં કોઇપણ જીવ સુખ-દુઃખ ભોગવે છે જેમકે પૂર્વ જન્મમાં કરેલી એક નાનકડી ગાયની ચોરીને કારણે સદૈવ સન્માર્ગે ચાલવાવાળા ભીષ્મપિતામહને વીંધાયેલા શરીરે છ-છ મહિના બાણશૈયા પર પડ્યાં રહેવું પડ્યું હતું ! આમ, તેમણે વેઠેલી પીડાનું કારણ આ જન્મના પાપ નહીં પણ પૂર્વ જન્મના પાપ કારણભૂત હતા. એજ પ્રમાણે ઈશ્વરે શોભાને નિમિત્ત બનાવી મારા પૂર્વજન્મના કોઈક પાપની સજા આ જન્મે મને આપી છે. જો એમજ હોય તો ઘણા દુર્જનો આજેપણ સજ્જનોને સતાવી અને તડપાવી રહ્યા છે. તો તેઓનું શું થશે ? શું તેઓ પણ આવતા જન્મે મારા જેવીજ નરકની યાતના ભોગવશે? ના.. ના... હે પ્રભુ ! કૃપા કરી એ દુષ્ટોને સુધારવા હમણાં જ તેમને દેખાડ તારો ચમકારો."


Rate this content
Log in

More gujarati story from Prashant Subhashchandra Salunke

Similar gujarati story from Inspirational