STORYMIRROR

purvi patel pk

Tragedy Crime

4  

purvi patel pk

Tragedy Crime

ચીખ

ચીખ

2 mins
216

જીવી, ગામની અબુધ, પણ રૂપાળી કન્યાને સંસ્કારના નામે દબાવી શકાય અને સમાજમાં ગરીબનો ઉદ્ધાર કર્યાનું અભિમાન જતાવી શકાય...આવા કારણોસર છેલબટાઉ શ્રીકાંત જીવીને પરણ્યો. પિતા હતા નહીં, માતાની માનસિકતામાં કોઈ ઝાઝો ફરક નહોતો, કૂવામાં હતું તે જ હવાડામાં આવેલું.

શ્રીકાંત ઘરમાં હોય એટલો સમય એક પગે દાસીભાવથી તેની જી હજુરી કરવાની, પછી સાસુજીના તાપમાં તપવાનું. સાસુજી મંદિર જાય ત્યારે, એ ખુલીને શ્વાસ લઈ શકતી. ઘરની બહાર જવાની મંજૂરી નહોતી. રસોડાને અડીને જ ઘરના વાડામાં એક સરસ મજાનું લીમડાનું વૃક્ષ હતું. તેના પર ચકલીનો માળો. ચકલી જીવીની સાથીદાર. એ કલાક દરમિયાન જીવી અને ચકલી બેય જાણે સાથે જીવે. જીવી ચકલીને દાણા નાખે, જોગાનુજોગ એ સમયે ચકો પણ ઊડી ગયો હોય. જીવી ચકલીને જોઈને ખુશ થાય, ચકલી પણ જીવીની નજીક આવીને ફુદકયાં કરે. બંને જાણે એકબીજાના હેવાયા થઈ ગયેલા. જીવી તેના મનની વાતો કરે, ચકલી જાણે બધું સમજતી હોય તેમ, ચીં ચીં કરીને હાજીયો પૂરાવે. આ એમનો નિત્યક્રમ. ચકલીની ભાષા જીવીને ના આવડે અને જીવીની ભાષા ચકલીને ન આવડે, છતાંય ચકલી અને જીવી એક અબોલ પ્રેમના તાંતણે બંધાઈ ગયેલા. 

આજે શ્રીકાંત કોઈ સ્ત્રીને લઈને ઘરે આવ્યો. ઓફિસની મિત્ર તરીકે ઓળખાણ આપી. શ્રીકાંતે જમ્યા પછી જીવીને સૂચના આપી કે, ઓફિસનું કામ હોવાથી તે બંનેને મોડે સુધી જાગવું પડશે એટલે તે નીચે જ સૂઈ જાય. આ સાંભળતાં જ સાસુજીએ આંખ આડા કાન કરી, પોતાના ઓરડા તરફ જતા રહેવાનું પસંદ કર્યું. જીવી ગમાર નહોતી, બધું સમજતી હતી. કદાચ તે સમજદારીની જ સજા ભોગવી રહી હતી. રાતે ઉપરના ઓરડામાંથી આવતાં અવાજો જીવીના કાનમાં જાણે ઊકળતું તેલ રેડી રહ્યા હતા. જીવી આખી રાત સૂઈ ન શકી. આજે તેની સહનશક્તિની સીમા આવી ગઈ હતી.

વહેલી સવારે પેલી સ્ત્રી જતી રહી. રાબેતા મુજબ શ્રીકાંતના ઓફિસે જવા નીકળ્યા બાદ જીવી સાસુજીની જવાની રાહ જોતી રસોડામાં કુકરની સિટીઓ સાંભળી રહી હતી. બે ઘડી તેને લાગ્યું કે, જો એના મનની વરાળ બહાર નહીં નીકળે, તો એ ફાટી પડશે. આજે સવારથી લીમડા પર ચકો અને ચકી પણ બાખડી રહ્યા હતા. આજે ચકાનો અવાજ ઘણો કર્કશ હતો. જીવીએ નજર કરી તો ચકી એક ડાળી પર લપાઈને બેસી રહી હતી. થોડીવારે ચકો ત્યાંથી ઊડી ગયો. આ તરફ સાસુજીએ મંદિર તરફ પ્રયાણ કર્યું. જીવીએ જુવારના દાણા નાંખ્યા, પરંતુ આજે ચકી દાણા તરફ નજર નહોતી કરતી. તે ડાળ પર જ બેસી રહી. જીવી અને ચકી બંને એકબીજાને જોઈ રહ્યા. બંને પોતાની વેદનાને બોલ્યા વિના જાણે નજરોથી વહેંચી રહ્યા હતા. અચાનક ડાળ પરથી ચકલીએ ચીખવાનું શરૂ કર્યું અને બીજી તરફ નીચે જીવીએ. જીવ અબોલ હતો, પણ ચકલીની વેદના કદાચ જીવીથી જરાયે ઓછી નહતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy