છૂટાછેડા
છૂટાછેડા
કાજલ અને વિશાલના લગ્ન હજી ગયા મહિને જ થયા છે. બંને કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. વિશાલ એક એવરેજ સ્ટુડન્ટ હતો. જ્યારે કાજલ ટોપર હતી. બંને જણા ભણવાની સાથે સાથે કોલેજમાં થતી બીજી બધી ઈત્તર પ્રવૃત્તિમાં ભાગ લેતા હતા. આવી જ એક ઈવેન્ટ જેમાં કોલેજ ડે નિમિત્તે છોકરા - છોકરીઓ વચ્ચે અંતાક્ષરીનો પ્રોગ્રામ રાખેલો હતો. એમાં છોકરાઓ તરફથી વિશાલ અને છોકરીઓ તરફથી કાજલ એમના ગૃપનાં મુખ્ય ગાયકો હતા. આ ઈવેન્ટ કોઈ પણ પ્રકારના હારજીતના ફેસલા વગર પૂરી થઈ હતી. બંને વચ્ચે ટાઈ પડી હતી. આ ઈવેન્ટ પછી જ બંને વચ્ચે મિત્રતા થઈ હતી.અંતે એ મિત્રતા પ્રેમમાં પરિણમી અને કોલેજ પૂરી થઈ એના પછી ટૂંકા ગાળામાં જ બંનેએ પ્રેમ વિવાહ કર્યા હતા.
લગ્ન પછી તરત જ વિશાલને એક મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. હવે વિશાલ આખો દિવસ ઓફિસમાં કામ કરે અને રાત્રે ઘરે પાછો આવે ત્યારે કાજલની ફરિયાદો ચાલુ થઈ જતી. આજે તે મને ફોન ના કર્યો. મમ્મીએ આમ કર્યુ અને પપ્પાએ તેમ કર્યું. આમ રોજની એની ફરિયાદો ચાલુ થઈ ગઈ. શરૂઆતમાં તો વિશાલ એને સમજાવીને શાંત કરી દેતો હતો. પછી એની પણ એક લિમિટ આવી ગઈ આ બધું રોજ રોજ સાંભળવાની.
એક વખત એવું બન્યું કે વિશાલની ઓફિસમાં બહુ જ જરૂરી કામ આવી ગયું અને એને રોકાવું પડે એવું હતું. બીજી બાજુ સવારે કાજલે એને પિકચર જોવા માટેનો પ્લાન બનાવ્યો હતો. વિશાલને ઓફિસમાં મોડું થયું એટલે આજનો પિકચર જોવાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો એમાં કાજલે વિશાલ જોડે ઝઘડો કર્યો. આમ તો રોજ વિશાલ એને મનાવી લેતો પણ આજે એણે કાજલને મનાવવાની જગ્યાએ એને એક તમાચો મારી દીધો અને પછી કાજલે જે ઝઘડો કર્યો આખી સોસાયટી ભેગી કરી દીધી.
આ પછી તો છાસવારે એમના ઝઘડા થવા લાગ્યા. એક સવારે આ ઝઘડાઓથી કંટાળીને વિશાલ અને કાજલે છૂટાછેડા લેવાનું નક્કી કર્યુ. એમણે કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ આપી દીધી. કોર્ટના જજ દ્વારા બંનેને છૂટાછેડા ના લે એના માટે ઘણું કહ્યું પણ હવે એ બંને સાથે રહેવા તૈયાર નહોતા. હવે બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ નહીં પણ નફરત થઈ ગઈ હતી. બંને એ રાજીખુશીથી છૂટાછેડા ના પેપર ઉપર સાઈન કરી દીધી.
