ચેસ
ચેસ


ચેસ એટલે શતરંજ, બહુ જ બુધ્ધિ અને એકાગ્રતાની કસોટી કરે એવી રમત. ચેસ રમવા માટે ચાર વાતો ખૂબ જ અગત્યની છે. 1) નિરીક્ષણ 2) આયોજન 3) રક્ષણ 4) આક્રમણ. આમ રમતમાં ખૂબ જ ધ્યાન રાખી રમવું પડે છે. જિંદગીનું પણ આવુ જ છે. કંઈ પણ નિર્ણય કરતા પહેલા નિરીક્ષણ બહુ મહત્વનું છે. આપણી શક્તિ, સંજોગો અને આસપાસના વાતાવરણને મૂલવીને તપાસીને પછી જીવનનો પ્લાન કરો, ધ્યેય નક્કી કરો. ક્યાં જવું છે ? કેવા બનવું છે ? એનો નિર્ણય કરો પણ એ ધ્યેયને પકડી રાખો.
નાના પ્યાદું મરી જાય તો રાજા અડીખમ ઊભો રહે છે એમ તમે જે લીધો નિર્ણય એને કોઈ પણ સંજોગોમાં પૂરો કરો. તમારા નિર્ણયની આલોચના થાય કે ઉપેક્ષા કે કટાક્ષો થાય પણ એ બધાથી મન પડી ન ભાગે એવું જીગર કેળવી લો. અને પછી પૂરા જોશથી જિંદગીના ધ્યેયને પામવા નીકળી પડો. પીછેહઠ કદાચ કરવી પડે તો પણ વ્યૂહરચનાપૂર્વક આગળ વધવાની તક માટે જ. ક્યારેક સામેના વજીરને લેવા એકાદ ઘોડો કે પ્યાદું ગુમાવવું પડે તો તૈયારી રાખજો. ભીતરમાં સંસ્કારોને હિંમતની મૂડી સલામત છે તો જીવનની શતરંજ પર તમે ક્યારેય નહીં હારી શકો. પછી બાજી ભલેને ગમે એટલી લાંબી ચાલે પણ જીત તમારી જ થશે.