ચાનો રંગ મિત્રોને સંગ
ચાનો રંગ મિત્રોને સંગ
વાત એ સમયની છે કે જ્યારે હું પી. ટી. સી. ના પ્રથમ વર્ષમાં દાખલ થયો. અમારી મિશ્ર કોલેજ હતી. અમે બધા અલગ-અલગ જિલ્લાઓમાંથી શિક્ષક બનવાનું સ્વપ્ન લઈને કોલેજમાં દાખલ થયા હતા. શરૂઆતમાં તો કોઈ- કોઈને ઓળખતું નહોતું. પણ જેમ-જેમ બધા એકબીજાને મળતા ગયા તેમ-તેમ મિત્રતા થવા લાગી.
આમ તો કોલેજમાં કોઈ ખાસ નીતિ નિયમો કે અનુશાસનનું કોઈ પાલન કરતું નથી,પરંતુ આ એક તાલીમી કોલેજ હોવાથી અહીં અમારે બધાએ શિસ્તમાં રહીને નિયમોનું પાલન કરવું પડતું હતું. હવે મારે પણ ધીમે ધીમે દસ મોજીલા મિત્રોનું ગ્રુપ બની ગયું. અમારા ગ્રુપના દરેક મિત્રની ખાસિયત કે બપોરે રીસેસ સમયમાં 'ચા' પીવા જોઈએ.
અમારી કોલેજના નિયમ એટલા કડક કે સવારે 10:30 વાગ્યે કોલેજમાં આવ્યા પછી 5:00 વાગ્યે જ બહાર નીકળવા મળે. પણ અમે તો રહ્યા 'ચા' ના શોખીન એટલે બહાર તો નીકળવું જ પડે ! દરેક જગ્યાએ એક તો એવો માણસ હોય જ, જે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢી લે. અમારા ગ્રુપમાં પણ આવો જ એક અમારો મિત્ર એટલે નરસિંહ. અમે ચા પીવા જવા માટે કોલેજની પાછળ એક ઝાડી હતી તેને સાફ કરીને તેમાંથી રસ્તો બનાવ્યો હતો. રીસેસમાં જ્યારે અધ્યાપકો વાતોમાં વ્યસ્ત હોય ત્યારે અમે એ રસ્તેથી ચા પીવા જતા. જીગાભાઈની કીટલી પર કટીંગ 'ચાની ચૂસ્કી' મારતા-મારતા અધ્યાપકોને છેતરીને આવ્યાનો આનંદ માણતા.
આ અમારો નિત્યક્રમ બની ગયો હતો. હવે એક દિવસ બન્યું એવું કે અમે રીસેસના સમયે ચા ની કીટલીએ બેઠા બેઠા 'ચાની ચૂસ્કી' સાથે ગપાટા મારી રહ્યા હતા અને એવામાં અચાનક જ અમારા ટ્રસ્ટી સાહેબ અમને જોઈ ગયા. અમને સૌને કોલેજમાં બધા અધ્યાપકોની સામે બોલાવ્યા. અમે બધા તો નીચા મોં કરીને ઊભા રહ્યા હતા. આચાર્યશ્રી એ તો અમને ખુબ જ ધમકાવ્યા. પછી અમારા બધા વતી અમારા મિત્ર નરસિંહે અમને સૌને ચા પીવાની ટેવ છે તેથી અમે જઈએ છીએ, એ વાત ટ્રસ્ટી સાહેબને જણાવી. ટ્રસ્ટી સાહેબે પટાવાળા ને બોલાવીને ગુસ્સામાં જ ચા મંગાવી. અમે બધા તો ડરી ગયા કે આજે તો આપણું શિક્ષક બનવાનું સ્વપ્ન એ હંમેશ માટે સ્વપ્ન જ રહી જશે.
ચા આવી ગઈ. અમે બધા તો ખુબ જ ડરેલા. ટ્રસ્ટી સાહેબે અમને બધાને બોલાવીને ચા પીવાનો હુકમ કર્યો. અમને તો સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે ? પછી ખબર પડી કે ટ્રસ્ટી સાહેબ પોતે પણ ચા ના શોખીન હતા. પછી તેમને અમને સમજાવ્યા કે તમે ચા પીવા જાઓ એ બરાબર છે પણ આ રીતે જાઓ એ બરાબર ન કહેવાય. અમને દરરોજ ચા પીવા જવાની છૂટ મળી ગઈ.
ત્યારપછી તો અમારો આ સિલસિલો બે વર્ષ સુધી લગાતાર ચાલુ રહ્યો. આજે અમે દસે દસ મિત્રો સારા પદ પર ફરજો બજાવીએ છીએ.
