ભલાઈનું ફળ
ભલાઈનું ફળ
"હેલો... રાજપુર પોલીસ ચોકી ?"
"હા બોલો, ઇન્સપેક્ટર રાણા બોલું છું."
"સાહેબ, અહીં ચાર રસ્તા પાસે અંબેમાંના મંદિરની બહાર કોઈ એક બાળકને મૂકી ગયું છે. તમે જલ્દીથી અહીં આવો."
"હા, હું મારી ટીમ સાથે હમણાં જ ત્યાં પહોંચુ છું." ફૉનનું રિસીવર મૂકતાંની સાથે જ પોતાની ટીમને લઈને અંબેમાંના મંદિરે રાણા સાહેબ પહોંચી ગયા.
તેઓ જઈને જુએ છે તો ત્યાં મંદિરનાં પગથિયે એક છાબડીમાં મેલાઘેલા કપડાંમાં એક બાળક વીંટળાયેલું પડ્યું હતું ! પ્રાથમિક તપાસમાં આસપાસ કોઈ એવું ન મળ્યું કે જેણે બાળકને અહીં મૂકતાં કોઈને જોયું હોય. બાળક એકદમ સ્વસ્થ હતું.
રાણા સાહેબ તેને લઈને ચોકીએ આવે છે. કાગળની કાર્યવાહી પૂર્ણ કરીને બાળકને અનાથાલયમાં મૂકવાની તૈયારી કરી રહ્યા હતા,એવામાં જ નિ:સંતાન રાણાના મગજમાં કંઈક ચમકારો થયો એમણે ક્યાંક ફોન જોડ્યો, થોડીક વાતચીત કરીને ફોન કટ કરતાંની સાથે જ પોતાના સાથી મિત્રોને જણાવ્યું કે માં અંબેના આશીર્વાદ સ્વરૂપ આ બાળક પોતે જ રાખવા માંગે છે. ત્યારબાદ રાણાએ અનાથાલય વાળાઓને પણ પોતાની વાત જણાવી. અનાથાલય વાળાઓએ પણ સંમતિ દર્શાવી.
રાણા બાળકને લઈને પોતાના આલિશાન બંગલે પહોંચે છે.અગાઉ નક્કી થયા મુજબ રાણાની પત્ની હસુમતી બાળકના વધામણાં કરવા દરવાજે જ ઊભી હતી. તેમણે ખુબ જ ઉમંગથી બાળકને વધાવી લીધો.તેને ખોળામાં લઈને ચુંબન કરીને માતૃસ્નેહથી તેને જાણે કે નવરાવી દીધો !
તેમણે બાળકનું નામ દિક્ષિત રાખ્યું. હસુમતી બહેનને તો જાણે દિક્ષિતના રૂપમાં આખું વિશ્વ મળી ગયું ! તે તો આખો દિવસ દિક્ષિતની ખુબ જ કાળજી રાખે. રાણા સાહેબ પણ નોકરી સિવાયનો સમય દિક્ષિત સાથે જ ગાળે. એક તરછોડાયેલા બાળકને માતા-પિતાની છત્રછાયા મળી ગઈ. દિક્ષિત રાણા સાહેબ અને હસુમતીબેનની છત્રછાયામાં ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. સમયને જતા ક્યાં વાર લાગે છે. દિક્ષિત વીસ વર્ષનો યુવાન થઈ ગયો.
રાણા સાહેબ પણ નિવૃત્તિના આરે હતા.પણ વિધિની વક્રતા કહો કે કર્મની કઠણાઈ, એક ખુંખાર ખૂનીને પકડવા જતાં અકસ્માતે તેઓ પોતાનો એક હાથ ગુમાવી બેઠા. આવા સમયે માવતરને સંતાનની જરૂર પડે છે. દિક્ષિત આવા સમયે માતા-પિતાની છત્રછાયા બનીને તેમની ખુબ જ સેવા કરી.
એક અનાથ બાળકને પોતાની છત્રછાયામાં લઈને તેનો ઉછેર કરવાનું ખુબ જ ઉત્તમ ફળ ભગવાને રાણા સાહેબ અને હસુમતીબેનને આપ્યું.
