અતિવૃષ્ટિ
અતિવૃષ્ટિ
વાત એ સમયની છે કે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હતી. આ અતિવૃષ્ટિની એટલી ખરાબ અસર થઈ હતી કે લોકોના ઢોરઢાંખર, ઘરવખરી, કાચા મકાનો, ખેતરના ઊભા મોલ સહિત બધું તણાઈ ગયું હતું. ઘણા પરિવારો માતા-પિતા વિનાના થઈ ગયા હતા તો ઘણા માતા-પિતા સંતાનો વિનાના થઈ ગયા હતા. નજરે જોનાર વ્યક્તિનું કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો ત્યાં સર્જાયા હતા.
આ અતિવૃષ્ટિમાં પટેલ પરિવારના એક માત્ર ૧૦ વર્ષના દીકરા અવિનાશ ને NDRF ની બચાવ ટુકડીએ પાણીના વહેણમાંથી હેમખેમ બહાર કાઢ્યો. પરંતુ અવિનાશના માતા-પિતા અને તેની બહેન ને પૂરના પાણી હમેશાં માટે ભરખી ગયા ! હવે અવિનાશ પાસે જીવવાનો કોઈ જ આધાર નહોતો. અવિનાશ ચોધાર આંસુએ રડવા લાગ્યો. પણ કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું તેનો ઉપરવાળો હોય છે. આ પૂરમાં જીવિત બચેલા લોકોને મદદ કરવા આવેલા એક વણિક શેઠની નજર આ માસુમ બાળક પર પડે છે. તે આ રડતાં બાળક પાસે આવીને તેને બધી વિગત પૂછે છે. હકીકત જાણીને શેઠનું હૃદય પીગળી ગયું.
આ શેઠ પાસે સંપત્તિ અઢળક હતી પણ શેર માટીની ખોટ હતી ! શેઠને અવિનાશતે રૂપમાં જાણે પોતાની આ શેર માટીની ખોટ પુરાતી હોય એવું લાગી રહ્યું હતું. શેઠે ત્યાંના સ્થાનિક પ્રશાસનનો સંપર્ક કરીને અવિનાશને પોતાના ઘરે લઈ જવાની વાત કરી. સ્થાનિક પ્રશાસનને પણ આ અનાથ બાળકને આશ્રય મળી રહે એમ સમજીને કાગળની કાર્યવાહી પૂર્ણ કરીને બાળકને શેઠને સોંપ્યો. શેઠ બાળકને લઈને બંગલે આવ્યા, શેઠાણીને બધી વાત કરી. શેઠાણી પણ રાજીના રેડ થઈ ગયા. અવિનાશને પરિવાર મળી ગયો. શેઠ- શેઠાણીએ ખુબ જ લાડ- કોડથી અવિનાશનું લાલન પાલન કર્યું.
મનુષ્ય ગમે એટલી પ્રગતિ કરી લે પણ કુદરત આગળ તો પાંગળો જ છે. મનુષ્ય જો આવા મુશ્કેલીના સમયમાં એક બીજાની પડખે ઊભો રહી માનવતા દાખવે તો સાચા અર્થમાં ધરતી પર સ્વર્ગ ઉતરી આવે. બાકી મુશ્કેલી ના સમયે આવા કંઈ કેટલાય અવિનાશ અનાથ થઈ જાય છે.
