બુડથલ માણસો
બુડથલ માણસો


એક દિવસ બે પ્રેમીઓ વચ્ચેનો સંબંધ તૂટી જતાં પ્રેમીઓનું તો ઠીક, પણ સબંધ પોતે બિચારો ઉદાસીનતામાં ડૂબી ગયો. દિલમાં સહાનુભૂતિ ભરાઈ આવે એવા ઉતરેલા ચહેરે તે તેના મિત્ર, નેઇલકટ્ટર પાસે ગયો.
મન જરાક હળવું કરવા તેણે દુ:ખી સ્વરે પૂછ્યું, "હેય દોસ્ત ! કેમ છે ?"
"બસ.... મોજેદરિયા છે ! તું બોલ કેમ છે ?" નેઇલકટ્ટરે આનંદિત સ્વરે સ્મિત રેલાવ્યું.
નીચું જોતાં જ સબંધની આંખોમાંથી આંસુ ખરી પડ્યું. ગળામાં દબાઈ રાખેલું ધ્રુસકું છૂટી ગયું.
"હેય હેય... દોસ્ત ! શું થયું ? કેમ રડે છે ?" તેની પીઠ પસવારતા તે બાજુમાં બેસી ગયું.
"યાર, આ બુડથલ માણસોથી કંટાળી ગયો છું. બધા સાલા અહંકારના પૂતળા છે !"
"કેમ ? શું થયું એતો બોલ ?" નેઇલકટ્ટરે ટીસ્યું પેપર આપ્યું.
"એક વાત મગજમાં બેસતી નથી યાર, પૂછું તને ?" સંબંધે ટીસ્યુંથી આંસુ લૂછ્યાં.
"હા...હા... બોલ..."
"આંગળીના નખ વધી જાય ત્યારે માણસો નખ કાપતા હોય છે કે આખી આંગળીઓ ?"
"નખ જ કાપતા હોયને." નેઇલકટ્ટરે હસું ફૂટતા મોં પર હાથ દબાવી દીધો.
"એક્ઝેટલી ! પણ આ બુડથલ માણસો તેમના સંબંધમાં અહંમ વધી જાય છે ત્યારે અહંમ કાપવાના બદલે મને જ ઉડાડી મૂકે છે ! સબંધને !"
સંબંધની સરળ છતાં ગહન વાતનું જ્ઞાન સાંભળીને નેઇલકટ્ટરનું જડબું વિસ્મયતાથી પહોળું થઈ ગયું. તેણે તરત જ નોટપેન કાઢીને, ‘કી ઓફ હેપ્પી રિલેશન’નું સોનેરી સુવાક્ય નોંધી લીધું:
‘જ્યારે આપણી આંગળીઓના નખ વધતાં હોય છે ત્યારે આપણે નખ કાપી દેતા હોઈએ છીએ; આંગળીઓ નહીં. બસ આવું જ કંઈક સબંધોનું છે. સબંધોમાં જો ક્યારેક એવું લાગે કે, બંને વચ્ચે અહંમ ટકરાય છે, તો અહંમને તરત જ કાપી નાંખો; સબંધને નહીં.’