બસની બારી, એક નિજાનંદ નજરાણું
બસની બારી, એક નિજાનંદ નજરાણું
રોજ 50 કિલોમીટરનું અપ-ડાઉન, રોજ અલગ અલગ અનુભવ. મનને થયું ચાલ આ અનુભવને મારી યાદ પૂરતા સિમિત ન રાખતા એક યાદી કાગળ પર છપાવું. બસ ઉપાડી કલમ અને ટાંકયું રોજે રોજનું નજરાણું....!
આમ તો હું ગાડી લઈને જઉં છું. પણ ક્યારેક એસ.ટી બસમાં કેમ કે, મારી જોબ ઇન્ટિરિયર ગામમાં એટલે ત્યાં સેફટી માટે એ બેસ્ટ છે. આમ પણ સલામત સવારી એસ.ટી અમારી. બસમાં જનરલી ઓછા મુસાફરો હોય જ્યારે તહેવારમાં જ ટ્રાફિક જોવા મળે. એટલે મજા પડે એ સીટ પર બેસવાનું. કન્ડક્ટરની પાછળ બારીની બાજુમાં હોટ સીટ કહો તો હોટ સીટ પણ બેસવાનું ત્યાં જ....! બારીની બહાર જોયા કરું અને રોજે રોજના અનુભવને મારી ડાયરીમાં શબ્દોથી ગૂંથ્યા કરું...અને એ જ છે મારું નિજાનંદ નજરાણું.....!
છેવાડાનાં ગામડાઓમાં આજે પણ જ્યાં ભૌતિક સુવિધાઓનો અભાવ છે ત્યાં જવું મને ગમતું. લોકોની જીવનશૈલી જાણવી, જોવી તેમજ કંઇક શીખવું ગમતું. મોટાભાગે એ લોકો ખેતી ઉપર જ નભતાં.દિન -રાત ખેતીમાં તનતોડ મહેનત કરતાં બારીની બહાર એમને જોતી ત્યારે અન્નદાતા ઉપર ગર્વ થતો. સાથે અફસોસ કે, આ લોકોને એમની મહેનત મુજબનું વળતર મળતું નથી. શિક્ષણના અભાવે સરકારી ઘણી સહાયોથી આ લોકો વંચિત રહી જાય છે. ખાસ વરસાદ ઉપર નભતી ખેતી એમની નસીબ ઉપર વધુ નભતી હતી. કોઈ વર્ષ ખૂબ સારો મોલ ઊભો જોવા મળે તો કોઈ વર્ષ મહેનત હોવા છતાં લોકોને ઊભા બળતાં પાકને જોઈ લાચાર થતાં જોયા છે. તેમ છતાં આ લોકો હિંમત નથી હારતા.
રોજ સવારે વહેલા ઊઠી નવી આશ સાથે કામે ચડી જવાનું. ક્યારેક થતો નિષ્ફળ પાક એ લોકો માટે સાંજ સમાન છે. જેમ સાંજ એ માત્ર વિસામો છે. અંધકાર નથી. કદાચ આ જ ફિલોસોફી એમનાં જીવનમાં હશે.
ચાલો બસ ઘણું લખ્યું, નવો જીવનનો અભિગમ પણ જાણવા મળ્યો. અન્નદાતાનું હકારત્મક વલણ પણ જોવા મળ્યું.
