બંગડી, ચૂડી, કંગન
બંગડી, ચૂડી, કંગન


હસુભાઈને કંગનનો રણકાર એટલો બધો ગમે કે પત્નીનું નામ બદલીને કંગના કરી દીધેલું. હંમેશા કહેતાં," કંગના, તારા આ બંગડીના રણકાર જેવા મધુર સ્વભાવે જ તો આપણા આ મકાનને તેં ઘર બનાવ્યું છે. " નામ પ્રમાણે જ ગુણ. હસુભાઈ હંમેશા હસતા અને હસાવતા જ હોય.
ધંધાર્થે જયપુર ગયેલા ત્યાંથી સુંદર મજાની બંગડી લાવેલા સવારમાં જાતે પત્ની ને પહેરાવી રોજની જેમ હિંચકે બેસી ચા સાથે પ્રિય ગાઠીયાનો નાસ્તો કર્યો. આમ હસી ખુશી જિંદગી જીવી રહ્યા હતાં.
હિંચકે ઝૂલતા ઝૂલતા પત્ની સાથે વટાણા ફોલતા અલકમલકની વાતો કરતા હતાં.
ત્યાં જ સાસુમાની ઓચિંતી ચીસ સાંભળી પુત્રવધૂ મીતા દોડી આવી.. જુએ તો હસુભાઈ પરસેવે લથબથ. તરત જ ૧૦૮ બોલાવી,પણ રે અફસોસ, હસુભાઈના માંહ્યલા એ ઉતાવળ કરી પત્નીના કંગન પર રાખેલો હાથ નીચે પડી ગયો હંમેશ માટે ને ડોક્ટર આવે એ પહેલાં અજાણી ભોમે ચાલી નીકળ્યા.
આજુબાજુના લોકો દોડી આવ્યા. પુત્ર પણ દુકાનેથી આવી ગયો. મીતાએ માંડમાંડ સ્વસ્થતા જાળવી સાસુમાને સંભાળ્યા.
અંતિમ વિદાયની ઘડી આવી. મહિલાવૃંદે વિલાપ કરતી કંગનાને નવવધૂની જેમ શણગારી હસુભાઈના પાર્થિવ દેહની પ્રદક્ષિણા કરાવી. ઘરની બહાર પહેલા વિસામા સુધી કંગના ને લઈ ગયા.
સ્મશાનયાત્રા આગળ વધતા જ મહિલાવૃંદે કંગનાની ચૂડીકર્મની વિધિ કરવાનું કહેતા જ મીતાએ એમને રોકતા કહ્યું, " મમ્મીજી જેમ છે એમ જ રહેશે. ચૂડીકર્મની વિધિ કરવાની જરૂર નથી. આપણે સ્વજનની યાદમાં દાન કરીએ, સ્મારક બનાવીએ તેમ પપ્પાજીની યાદમાં પપ્પાને ગમતો બંગડીનો રણકાર હંમેશા મમ્મીજીના હાથમાં ગુંજાવશે. મમ્મીજીનાં સેંથે સિંદૂર, ગળે મંગળસૂત્ર, હાથે કંગન ને પગનાં નૂપુર તો પપ્પાજીની પ્રેમભરી યાદ છે. એને શું કામ દૂર કરવાના ? વડીલો હું હાથ જોડીને વિનંતી કરું છું કે ચૂડીકર્મની વિધિ કરવી જ નથી.'
આટલું સાંભળતા જ મહિલા વૃંદમાં ગણગણાટ શરૂ થઈ ગયો. પરંતુ મીતા મક્કમ બની મમ્મીજી ને હાથ પકડી ઘરે લઈ ગઈ.
મીતાના સાસુ, પતિની હયાતી નથી પરંતુ એમની પ્યારભરી નિશાનીઓ સંગ પરિવાર સાથે હસુભાઈની હાજરી અનુભવી રહ્યા છે.