Sunita Mahajan

Inspirational

3  

Sunita Mahajan

Inspirational

બંદીસ્ત પ્રેમ

બંદીસ્ત પ્રેમ

3 mins
151


નાનપણમાં એકબીજા વિના જરાયે ના ગમે, જરાયે ના ચાલે એવા ભાઈ અમરની નાની બેન અલ્પા. આખો દિવસ ભાઈ -ભાઈ કરતી એના પાછળ ફર્યા કરે અને ભાઈ પણ પોતાની નાનકડી, લાડકી બેનનું બહુ ધ્યાન રાખે. કોઈ વાતે એને ઓછું ના આવવા દે. 

પોતાના હિસ્સાનું પણ બધું નાનીબેનને એ આપી દે. રક્ષાબંધન હોય કે ભાઈબીજ એને એના પસંદની ભેટ આપે. અલ્પાએ કશું કહ્યું નથી ને ઘરમાં કશું થયું નથી એવું ક્યારેય ન બને. એમનાં પિતા બાળપણમાં જ સ્વર્ગવાસી થઈ ગયા હોવાથી અમર મોટાભાઈ સાથે પિતાની પણ જવાબદારી સાચવે અને માતા અને બેનને સાચવે.

સમયને પંખ હોય, અમરનાં વિવાહ થયાં સુંદર સલોની ભાભી બની ઘરમાં આવી. સલોની પણ નાનીબેન અને એક સહેલી જેવો જ પ્રેમ અલ્પાને આપે. હવે તો અલ્પાને ભાઈ કરતા પણ લાડકી ભાભી હતી. બંને વચ્ચે ખૂબ બેનપણા.

થોડાક વર્ષો હજી વીત્યાં અલ્પાને જોવા છોકરાવાળા આવવા લાગ્યા હતા. એક સુંદર સુશીલ સરકારી નોકરી કરતા વૈભવ સાથે અલ્પાનાં વિવાહ કર્યા હતા. ખૂબ ધામધૂમથી રડતી આંખે અને હસતા ચહેરે એનાં ભાઈ અને ભાભીએ અલ્પાને વિદાય કરી હતી. અલ્પા એના સાસરે ખુશ હતી.

થોડાક વર્ષો ફરી વીત્યાં, ભાઈ બેન બંનેના ઘરે એક એક સંતાનનો જન્મ થયો હતો. વર્ષમાં બે ચાર વાર અલ્પા પિયર આવે અને બધા આનંદથી રહે. હવે એના માતાની તબિયત સારી રહેતી નથી, માતાની સેવા કરવા, રહેવા આવવાની અલ્પાની બહુ ઈચ્છા થાય પણ એનો પતિ વૈભવ બહુ ક્રોધી અને ગર્વિષ્ઠ હતો એ એને રહેવા આવવા ના દે. ક્યારેક મળવા લાવે, સાથે આવે સરકારી ગાડીમાં અને સાથે જ લઈને જાય. કોઈ દિવસ એને પિયરમાં રોકાવા ના દે. એને તો વાત વાતમાં ખોટું લાગી જાય. બહુ સાચવવો એને પડે એટલે હવે અલ્પાએ જ ઓછું કર્યું હતું પિયરમાં આવવું.એ એના ઘરનાં બંધ પિંજરામાં જ ખુશ રહેવાની કોશિશ કરતી.

સલોની બહુ સારી વહુ હતી ,એ એના સાસુનું બહુ ધ્યાન રાખે. એમની બધી સેવા એ જ હસતામુખે કરે. સાસુ પણ એની સેવાથી ખુશ રહે. એક દિવસ સાસુ સિરિયસ થયા હતા અલ્પાને બોલાવી,પણ વૈભવ એને આવવાજ દેતો નથી.

દીકરીને યાદ કરતાં માતાએ, પોતાની વહુને જ પોતાના હાથની ચાર સોનાની બંગડી પહેરાવી અને કહ્યુ, "આના પર ફક્ત તારો જ હકક છે વહુ બેટા. આ કોઈને આપીશ નહીં."

 માતા સ્વર્ગવાસી થયા હતા પણ અલ્પા તો અંતિમ દર્શનને પણ આવી શક્તી નથી, લોકલાજે તેરમાની વિધિ પર વૈભવ અને અલ્પા આવ્યા. જતા પહેલાં માતાની અંતિમ નિશાની સોનાની ચાર બંગડી એણે ભાભીનાં હાથમાં જોઈ. એણે એના ભાભી પાસે એ માંગી પણ સલોની એ આપતી નથી. વૈભવે બહુ ઝગડો કર્યો, એમનો હકક જતાવ્યો એ બંગડીઓ પર પણ સલોનીએ આપવાની ચોખ્ખી ના કહી દીધી.

 બંગડીઓનાં લીધે સંબંધોમાં ખટાશ, કટુતા આવી ગઈ હતી.પાંચ વર્ષ થઈ ગયા હતા આ બંને ભાઈ બેનને મળે, બોલે. સલોની જાણતી હતી કે અમર એના બેનની યાદમાં તડપતો હતો,પણ વૈભવ એને આવવા દેતો નથી. ત્યાં અલ્પા પણ એના ભાઈનાં વિરહમાં તડપતી હતી. એક દિવસ એણે અમરને કહ્યુ,"જો આ બંગડીઓ ના લીધે તમારો ભાઈ બેનનો સંબંધ ફરી જોડાઈ જાય તો બાની આ આખરી નિશાની એમની આજ્ઞાનાં વિરુદ્ધ જઈને પણ આપવા હું તૈયાર છું."

અમરે એવું કરવા એને ના કહી. હવે તો અમરના પાસે ચાર ચાર બંગડીઓવાળી નવી ગાડી ઓડી પણ આવી ગઈ હતી. ગયા વર્ષે રક્ષાબંધને સવારે જ એણે પત્ની સલોનીને કહ્યું," ચાલ તૈયાર થઈ જા,આપણે મારી બેન અલ્પાના ઘરે રાખડી બંધાવા જઈશું."

ખુશીની મારી સલોની ફટાફટ તૈયાર થઈ ગઈ. સાસુની નિશાની બંગડી હાથમાંથી કાઢવા લાગી.

તો અમર બોલ્યો, "ના એ તારા હાથમાંજ શોભી રહી જ ,એ ના કાઢ."

આટલા વર્ષે પોતાના ભાઈ ભાભીને રક્ષાબંધનના શુભદિનનાં જોઈ અલ્પાતો એકદમ હરખઘેલી થઈ ગઈ. એણે એનાં ભાભીને કહ્યુ, "ભાભી મને નથી જોઈતી બાની ચાર બંગડી. એના પર આપનોજ હકક રહેશે અને બાની પણ એજ ઈચ્છા હતી.એ તો વૈભવે એ માંગવા માટે એને મજબૂર કરી હતી. એને તો બસ એના ભાઈ ભાભીનો પ્રેમ જોઈએ જ."

કુમકુમ તિલક કરી એણે પોતાના ભાઈના હસ્તે પ્રેમથી રાખડી બાંધી ,અને એમને મીઠાઈ ખવડાવી, મોટાભાઈનાં આશીર્વાદ લેવા ઝૂકી અને ભાઈએ એને ગળે લગાવી લીધી. એ સાથે ગિફ્ટમાં નવી કોરી સોનાની ચાર બંગડીઓ આપી અને બધાના આંખમાંથી હરખના આંસુ આવ્યાં.

ચાર બંગડીઓનાં લીધે બંદીસ્ત થયેલો ભાઈબેનનો પ્રેમ ફરી એકવાર આઝાદ થયો અને એક બેન ફરી આઝાદીથી ભાઈના ઘરે આવવા મુક્ત થઈ ગઈ.રિસામણા મનામણામાં ફેરવાઈ ગયા.બધા ખુશ થયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational