બિરાદરી
બિરાદરી
રમઝાન મહિનો ચાલી રહ્યો હતો. આખા મહોલ્લામાં ઉત્સવનો માહોલ હતો. સાંજ પડે તો ગલીમાં મેળોજ લાગતો. જાત-જાતનાં ખજૂર,ફળો,શરબત, કબાબ ને બિરયાની વેંચવા વાળાને ખરીદવા વાળાઓની ચહલપહલ જોવા જેવી રહેતી. સિરાઝ-સકીના તો ખરેખર એ બધું ફક્ત જોઇ જ રહેતાં કારણ છેલ્લા થોડા સમયથી સિરાઝ બેકાર હતો. એટલે પૈસાની તંગી હતી. એની તબિયત પણ એનો સાથ નહોતી દેતી. પણ રોઝા છોડવાના સમયે ખજૂરની બે પીસી ખાઇને પણ સંતુષ્ટ રહેતાં. હવે તો ઇદ પણ આવી લાગી. . . યા ખુદા ! હું શું કરું ? સિરાઝે વિચાર્યુંને એ ઉદાસ થઈ ગયો. ઇદની ઉજવણી કંઇ એની ચિંતા નહોતી. એ તો બંને સાદગીથી ટેવાયેલા હતાં. સિરાઝની ચિંતા હતી સકીનાની પ્રસૂતિ! સકીના પેટથી હતી,એને પૂરા દિવસ જઇ રહ્યાં હતાં. દાક્તરે ઇદની આસપાસનો ટાઈમ આપ્યો હતો ને ઇદ તો આવી લાગી. પણ પૈસા ક્યાં ? સકીનાની સુવાવડ કેમ થશે ?
એમ તો સિરાઝે રસૂલ, મોહમદ,અહમદ, નફીસાબાનુ એમ ઘણાં પાસે હાથ લાંબો કરેલો પણ એ ખાલીજ રહેલો. રમઝાનને ઇદનાં ખર્ચમાં પડેલા કોઇ મોહલ્લાવાસી પાસેથી હવે કોઇ જ આશા નહોતી.
આજે રોજુ કરી મોડી રાતે એ આડો પડ્યો પણ આંખોમાં ઊંઘ નહોતી. માંડ આંખ ઘેરાતી હતી બહાર એક કૂતરું સતત રડવા ને ભસવા માંડ્યું. ઘણી વાર સુધી આવું ચાલ્યું તે એ જોવા ઉઠયો. દરવાજો ખોલ્યો ત્યાં તો એ સતત ભસતોને રડતો કૂતરો શાંત થઈ ગયો. એને નવાઈ લાગી છતાં જોવા નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. દર્દ થી રડતા-ભસતા ડાઘીયા કૂતરાને એક નાજુક એવી પોમેરીયન જાતનું કુરકુરિયું પ્રેમથી ચાટી રહ્યું હતુ ! પ્રેમ ન જાને જાત ઓર પાત. એણે વિચાર્યું ને ઘરમાં આવી ખાટલામાં આડો પડ્યો કે એના મનમાં એક વિચાર સૂઝ્યો.જાણે ખુદા એ જ સૂઝાડ્યો ને એ ઘસઘસાટ સૂઇ ગયો.
બીજે દિવસે સવારની નમાઝ પઢી એ બહાર નીકળી ગયો. મનહર. . રામ. . જીતુ. . કનૈયા કેટકેટલા પેલી બાજુની શેરીમાં રહેતાં સ્કૂલનાં જૂના મિત્રો એને યાદ આવતા હતાં. એક અરસો થયો એમને મળે. એ બધાં મને ઓળખશે ? શેરીમાં પહેલું ઘર મનહરનું આવે, અચકાતાં અચકાતાં એ અંદર ગયો. એને જોતાં જ મનહર ભેટી પડ્યો ને બોલ્યો, "દોસ્ત, ક્યાં ગુમ થઈ ગયો હતો તું ? " ને સિરાઝનાં આંસુઓને ખભો મળ્યો. રડતાં -રડતાં એણે પોતાની આપવીતી જણાવી. તરત જ મનહરે એના હાથમાં ત્રણ હજાર રૂપિયા મૂક્યાં બીજે દિવસે વધારે પૈસા પહોંચાડવાનું કહીને. બીજે દિવસે. . મનહર,રામ, જીતુ બધાં પહોંચ્યા સિરાઝને ઘરે. પાંચ-પાંચ હજાર રૂપિયા લઈને!
થોડા દિવસ પછી. એજ મિત્રો આવ્યાં છે સિરાઝ-સકીનાની નવજાત બાળકીને રમાડવા. એને રમાડતાં રમાડતાં રામ બોલ્યો "ઇસ માસૂમ કા તો હમ કુછ સુંદર સા નામ રખેંગે" ત્યાં સકીના બોલી" ભાઇજાન ,એનું નામ તો મેં વિચારી રાખ્યું છે. આપણે બધા એને પૂકારીશું. . . . બિરાદરી. . . . હા ! મારી બિરાદરી !