બીજલ
બીજલ
રૂચિ કોલેજમાં ભણતી એક ખૂબ સીધી સાદી છોકરી હતી, બસ કોલેજથી ઘર અને ઘરથી કોલેજ એ સિવાય એ પોતાના મમ્મી -પપ્પા વગર ક્યાંય ના આવતી જતી. એના મમ્મી -પપ્પા પણ ખૂબ જ સીધા સાદા હતા. તેના મમ્મી ઘરમાં સિલાઈકામથી આવક મેળવતા અને તેના પપ્પા એક પેઢીમાં નામું લખતા. બહુ મધ્યમવર્ગી પરિવાર હતો અને એ લોકો એક મધ્યમવર્ગીય વિસ્તારમાં જ રહેતા.
એ વિસ્તાર તો સારો હતો પણ તે વિસ્તારની પાછળ એક પછાત વિસ્તાર હતો. ત્યાં અસામાજિક તત્ત્વોનો બહુ ત્રાસ હતો એ અસામાજિક તત્વોમાં એક ચંદન કરીને હતો બહુ માથાભારે બધા બે નંબરના કામ કરે પણ બધા એનાથી ડરે એટલે કોઈ એની સામે કંઈ પોલીસને ફરિયાદ ન કરે.
કોલેજ આવતી જતી રૂચિને પણ એ કાયમ કોઈને કોઈ બહાને હેરાન કરતો. અને કંઈ નેં કંઈ બકવાસ કરે પણ વધુ કંઈ માથાઝીંક ના થાય તે માટે રૂચિ તેને જવાબ ન આપતી કે તેને તાબે પણ ના થતી. તેના આ વર્તનથી ચંદન સમસમી જતો, તેને ભરબજારે પોતાનું અપમાન થતું લાગતું. એણે મનમાં કંઈક નક્કી કર્યું બે દિવસ પછી રૂચિ કોલેજથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે ચંદને ભરબજારે તેના પર એસિડ ફેંક્યો પીડાથી તરફડતી રૂચિને દયા ખાઈને કોઈ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયું તેના મમ્મી-પપ્પાને જાણ કરી, પણ પંચનામા સમયે પોલીસ આવી અને પૂછ્યું કે આવું રાક્ષસી કામ કોણે કર્યું છે તો ત્યાં રહેલ બધા વ્યકતિએ ચંદનને એસિડ ફેંકતો જોયો હોવા છતાં એના ડરથી કોઈ તેનું નામ આપવા તૈયાર નહોતું. ત્યાં જ એક પચીસેક વર્ષની યુવતી આગળ આવી અને કહ્યું કે મારું નામ બીજલ છે અને મેં મારી સગી આંખે ચંદનને એસિડ ફેંકતા જોયો છે અને વર્ષોથી હું અહીં જ રહેતી હોવાથી તેને સારી રીતે ઓળખું છું અને મને એ પણ ખબર છે કે એ રૂચિ જ્યારે પણ કોલેજથી આવતી કે જતી હોય ત્યારે તેની છેડતી કરતો. બીજલની આ જુબાની પર ચંદનની ધરપકડ કરવામાં આવી. બીજલે કોઈથી પણ ડર્યા વગર રૂચિ અને તેના પરિવારજનોને ગુનેગારને સજા અપાવવામાં સાથ આપ્યો.
બીજલને જયારે કોઈ પત્રકારે એમ પૂછ્યું કે તમને ચંદન સામે જુબાની આપતા ડર ના લાગ્યો? ત્યારે તેણે કહ્યું કે" એણે થોડાં દિવસ પહેલાં જ દામિની ફિલ્મ જોઈ હતી તેમાં દામિનીનું જે પાત્ર હતું કે જે પોતાના દિયરે કોઈ છોકરીની ઈજજત લૂંટી હોય છે તો તેને સજા અપાવવા તે આકાશ પાતાળ એક કરે છે, સચ્ચાઈને સાથ આપવા તે પતિનો સાથ પણ છોડી દે છે અને આખરે ગુનેગારને સજા અપાવવામાં સફળ થાય છે. બસ ત્યારથી મેં નક્કી કરેલ કે હું પણ જ્યાં ક્યાંય પણ અન્યાય થતો હોય ત્યારે કોઈનો પણ ડર રાખ્યા વગર સચ્ચાઈને સાથ આપીશ. જો ફિલ્મમા મેં દામિનીને સચ્ચાઈ ખાતર લડતા ન જોઈ હોત તો મારામાં આ હિંમત ક્યારેય પણ ન આવત."
