ભયની ભેખડ
ભયની ભેખડ
ભયની ભેખડ – એક અંતરયાત્રા
લેખક: કલ્પેશ પટેલ
ઊંચા પર્વતોના રસ્તે ડગલાં માંડવા એટલે જાણે અંદરના કોઈ ભૂલાયેલા અંધારખંડો તરફ યાત્રા પર નીકળવું.ઘોર અંધકાર મય ભવિષ્યની સંભાવના જોઈ, માનસની જીવન યાત્રા પણ આવીજ કંઈક હતી.
શહેરના ભીડભાડથી કંટાળીને, કામમાં સતત નિષ્ફળતાનો સામનો કરીને અને પોતાને જીવિત સમજાવવાનો એકમાત્ર રસ્તો કૅમેરાની આંખ હતી. ફોટોગ્રાફી એનો શોખ નહોતો — એ જીવવાનો એકમાત્ર બહાનો હતો.
એક દિવસ એણે નક્કી કરી લીધું: "ચાલ હવે... ઊંચા પર્વતોના રસ્તે નીકળી જાવું."
એ શહેરના શોરથી દૂર ચાલી નીકળ્યો. હવે લૌકિક જગતના દેખીતા સરળ, પણ બેહદ અટપટા રસ્તાને છેડે હિમાલયના ગૌરવભર્યા શિખરો તેને આહવાન આપી ઊભા હતાં.
માર્ગ મુશ્કેલ હતો.
રસ્તા એવા કે જ્યાં ક્યારેક બરફીલા પથ્થરો પર પગ મૂકતા ડગમગાટ આવતો. વચ્ચે વચ્ચે ગામડાંઓ આવતાં — જ્યાં બાળકોનાં હસતાં ચહેરાં મળતાં પણ માનસનાં હોઠે હસવું આવતું નહોતું. કેમકે અંદર બહુ બોજો હતો — જૂના સંબંધોની યાદો, નિષ્ફળતાની ઝાંખી, અને અંગત રીતે ગુમાવી દીધેલાઓનો ગમ.
એક સાંજ એ પર્વતોની ઊંચી ભેખડ વચ્ચે ભટકી ગયો. કોઈ રસ્તો ન સુજે એવુ ચોતરફ અંધારું. ધ્રુજાવી દેતી ઠંડી, ન ભોજન, ન સાથી. બસ એ અને એના વિચારો.
એમજ એને મળ્યો એક વૃદ્ધ સાધુ.
સાધુ ધીરે ધીરે બોલ્યા: "પહાડો કેવા છે ખબર છે તને? ક્યાંક ઊંચા… અને ક્યાંક ઊંડી ખીણ. પણ તારા અંદરના ડર કરતાં નાની ઊંચાઈ છે એની."
માનસ શાંત રહ્યો.
"અહીંયાં તું રસ્તો શોધવા આવ્યો છે ને? હું તને રસ્તો બતાવી શકું છું, પણ એ રસ્તો અંદર છે... તારા અંતરમાં, બહાર નહીં."
એ રાતે મીણબત્તીની ડગમગતી રોશનીમાં માનસ આખી રાત બેઠો રહ્યો — એકલો, અને કદાચ પહેલીવાર પોતાનાં ખૂદના અસ્તિત્વ સાથે.
તે રાતની હવે સવાર પડી ચૂકી હતી.
માનસ આગળ વધ્યો. હવે પગલાં ઊંચી ભેખડ તરફ નહીં, આશા તરફ હતાં.
પહાડના ટોચે પહોંચતા એણે તસવીર લીધી — હિમાલયની ભેખડ પાછળ ઉગતા સૂરજનો ફોટો લેતા લેતા, એની જમ્હાણે એક મુક્ત સ્મિત આપમેળે આવી ગયું.
એને હવે ખબર પડી ગઈ હતી — "ભય પણ એક પર્વત છે. એકવાર ચડી જશો, પછી નીચેનાં રસ્તાઓ સરળ લાગી જાય."
માનસ હવે ફરી પાછો ફર્યો, પણ એ પહેલાનો માનસ રહ્યો નહોતો. હવે એના ડગલાંઓમાં અનિશ્ચિતતા નહીં, એમાં આત્મવિશ્વાસ હતો. શહેરના શોર વચ્ચે પણ હવે એ અંદરનું મૌન શોધી શકે એવી ક્ષમતા ધરાવતો બની ગયો હતો.
એને સમજાયું કે ભયની ભેખડ પર ચઢવું એ ફક્ત એક યાત્રા નહીં, પણ પોતાને ફરીથી શોધવાનો માર્ગ હતો. જે ભયો, તણાવો અને નિષ્ફળતાઓથી ઘેરાયેલો હતો, એ હવે એના માટે પાઠ બની ગયા હતા.
પહાડો પાછળથી હવે એક નવા જીવનની શરૂઆત થવાની હતી. ભયના પડછાયાં હવે પાછળ રહી ગયા હતાં, અને સામે ફક્ત એક અનંત આકાશ... એક નવી શરૂઆત.
અંતિમ લાઇન: "ઊંચા પર્વતોની ભેખડ ભેદવાનો રસ્તો બહાર ન હોય... તેં જ્યાં ભટક્યો હતો, તે તારાજ અંતરમનથી શરૂ થતો હતો. ભવિષ્યના ભયની ભીતી છોડ હંમેશા તું સાચે રસ્તે જ રહીશ."
