ભણેલ ગણેલ
ભણેલ ગણેલ


"તું આમ આખો દિવસ આંટા મારીને સમય બગાડે છે, કાંઈ કામ કરતો નથી, તે હું તને એમ પૂછું છું કે તું આટ-આટલું ભણ્યો એમાં સમયની કિંમત વિશે તને કોઈએ કાંઈ નથી ભણાવ્યું? , મારા ભાઈ સમયની કિંમત નહિ કરો તો સમય પણ તમારી કિંમત નહિ કરે ''
"પણ તો હું શું કરું ભાઈ? હું સાયન્સ ગ્રેજ્યુએટ છું.અને મારે વેકેશન છે. બે મહિના પછી મારે માસ્ટર કરવાનું છે તે કોલેજ શરૂ થઈ જશે."
" પણ બે મહિનાનો તો ટાઈમ છે ને, કાલથી કારખાને આવ, તને હીરા ઘસતા શીખવાડી દઉં, ભવિષ્યમાં ક્યારેક કામ લાગે. આપણી આવડત જ આપણી સાચી મૂડી છે. "
" લે લે લે.. સાવ આમ ? ભાઈ મને તો કંપનીમાં સારા પગારની નોકરી મળી જશે, અથવા હું પોતે કેમિકલ ફેકટરી નાખીશ. તમારે મને શું હીરાઘસુ બનાવવાનો છે ?"
" તું મારો નાનો ભાઈ છો, હું તો તને ખૂબ સુખી જોવા ઇચ્છુ છું.જીવનમાં ક્યારેય તું દુઃખી ના થાય, કોઈની પાસે તારે હાથ લંબાવવાનો વારો ના આવે. પણ એના માટે જ તારે સમયની કિંમત સમજવી જોઈએ"
" ભાઈ તમે મને સુખી જોઈ શકતા હોત તો કારખાને આવીને હીરા ઘસવાનું કામ શીખવાનું ના કહેત. હું નવરો રહીને આનંદ કરું છું તે તો તમને ગમતું નથી.તમે હીરાઘસુ છો એટલે બીજાને પણ હીરાઘસુ જ બનાવવા માંગો છો. પણ મેં બાપા ને કહી જ દીધું છે કે હું ભીખ માંગીશ પણ હીરા તો નહીં જ ઘસુ, બોલો હવે તમારે કાઈ કેવું છે ?"
" હવે કાઈ જ કેવા જેવું તેં નથી રહેવા દીધું, તું ભલે આ હીરાઘસુ ભાઈના કામને નફરતથી જોવે છે પણ યાદ રાખજે તારી કોલેજના ખર્ચા આ હીરાઘસુ ભાઈ જ પુરા પાડે છે, જા હવે અહીંથી, તારી હારે જીભાજોડી કરવાનો કાંઈ અર્થ નથી."
" સાવ એમ નથી, બાપા ખેતીમાંથી કમાય જ છે."
"તું જા અહીંથી હવે ભાઈસાબ, મારી ભૂલ થઈ બસ ? "
" હા એમ. હું કંઈ તમારા ઉપકાર નીચે નથી. "
સુરતના એક જી.આઈ. ડી.સી. વિસ્તારની ગંદી ચાલીમાં બાંધવામાં આવેલા મકાનના સાવ ઉપરના માળે આવેલી પતરાવાળી નાનકડી ખોલીમાં મચ્છરોથી બચવા ગંધાતુ ગોદડું ઓઢીને સુતેલા રમેશની બંધ આંખોના પડદા પર ઉપરના સંવાદો બે ભાઈઓ બોલી રહ્યા છે. પાંચ ચોપડી ભણેલા મોટાભાઈની સમજણના ધીમા દડાને નાનો ગ્રેજ્યુએટ ભાઈ,( સાયન્સ હો!) પોતાની કાલ્પનિક નોકરી કે ફેકટરીના બેટ વડે ફટકારી રહ્યો છે.
સાવ નાના એવા ગામમાં નાનકડું હીરાનું કારખાનું ચલાવતો રાઘવ પોતાના નાના ભાઈ ને ભણાવી ગણાવીને આગળ લાવવા તનતોડ મહેનત કરતો. રાતે વાડીએ કામ હોય તો બાપાને મદદ કરતો. રમેશ અમદાવાદ હોસ્ટેલમાં રહી ને સાયન્સ કોલેજ કરતો. હંમેશા રમેશને સાચી સલાહ આપીને સમજાવતો.પણ ભાઈની વાતો ભણેશરીના ગળે ઉતરતી નહિ.સારા કપડાં, બુટ અને ગોગલ્સ ચડાવીને ગામમાં પાનની દુકાને વેકેશન વાપરતા ભાઈને સાચી સમજણ આપવામાં રાઘવને ઉપર મુજબ દલીલોનો સામનો કરવો પડતો. પોતાનો ભાઈ સાચી વાત સમજતો જ નહીં એ વાતનો એને ખુબ અફસોસ રહેતો.રમેશની રીતભાત તેને બિલકુલ પસંદ આવતી નહિ. ઝગડો વધી પડે તો બાપાનું દિલ દુભાતું, અને ''ઇ તો નથી હમજતો પણ તું'ય નથી હમજતો ? " એમ કહી બાપા રડવા જેવા થઈ જતા. માં તો રમેશ નાનો હતો ત્યારે જ સ્વર્ગે સિધાવી ગઈ હતી.
નાનપણથી જ રમેશને આ રીતે દાવ લેવાનું ફાવી ગયું હતું. મોટોભાઈ ઘરની જવાબદારીનું ધૂંસરુ ખેંચતો. અને નાનો પોતાની મોજ માટે અભ્યાસની ઓથ લઈને જ્યારે જોઈએ ત્યારે અને જેટલા જોઈએ તેટલા રૂપિયા માંગી લેતો. રાઘવ સમજતો કે વેકેશનમાં હીરા શીખી જાય તો એને જ કામ આવે. થોડો ઘણો ખર્ચ પણ નીકળે અને ભવિષ્યમાં જરૂર પડી હોય તો આવડત કામ લાગે.
પણ આપણા સાયન્સ કોલેજના વિદ્યાર્થીને પાંચ ચોપડી ભણેલા ભાઈની વાત બિલકુલ ગમતી નહોતી. બાગમાં નવું ફૂલ ખીલે એટલે ભમરાઓ રસ ચૂસવા આવી જાય તેમ કોલેજમાં રમેશ નામના ફુલગુલાબી ફુમતા ફરતે ફુલછડીઓ ફુદકવા લાગી. રમેશ ગરીબ ભાઈ અને બાપની પરસેવાની કમાણી મોજ મસ્તીમાં વાપરવા માંડ્યો. પરિણામ જે આવવું જોઈએ એ જ આવ્યું. કોલેજના ભણતરના ખર્ચની ચર્ચા ચાલી.રાઘવે પોતાની કોઠાસૂઝથી તપાસ કરાવી તો
ભાઈના તમામ તરકટ સામે આવી ગયા. છેલ્લા વરસમાં ફેઈલ થયેલો ભાઈ હીરા ઘસવાની ઘસીને ના પાડતો હતો!!
વળી રમેશનું " હવે ધ્યાન રાખીશ" નામનું બાણ બાપાના
"હવે ઈને પસ્તાવો થ્યો છે તો ભલે ભણતો" નામના ધનુષ્ય પર ચડીને રાઘવને ભોંકવામાં આવ્યુ.
"સારું ઈમ રાખો" નામનો મલમ આ ઘા પર લગાવીને રાઘવે રમેશને પાછો કોલેજના બગીચામાં વાવી દીધો.
આમ જ બીજા બે વરસ વીતી ગયા. ભણેલ ગણેલ રમેશને તો સારી નોકરી મળી જશે એમ સમજીને સારી છોકરી આપવાવાળા હજુ હતા જ. પચાસેક છોકરીઓ જોયા પછી એક રમીલા મળી,(જેનો ચહેરો કોલેજમાં સાથે ભણતી નીલા કે જેણે રમેશનો પ્રેમ પ્રસ્તાવ ફાડીને પૂછેલું," અરીસામાં થોબડું જોયું છે તારું? ")
રમીલાએ આવતા જ ભરથાર ના ભાથામા રહેલા બુઠ્ઠા બાણ જોઈ લીધા. આખો દિવસ ફૂલ ફટકીયા થઈ ને આંટા મારતા અને અલગ અલગ કંપનીમાં નોકરી માટે અરજી કરવા જવાના બહાને અમદાવાદ રખડવા જતા રહેતા રમેશને એણે એક રાત્રે પૂછ્યું, "ક્યાં સુધી આમ ભાઈની અને બાપાની કમાણી ઉપર તાગડધિન્ના કરવા છે, નોકરી ના મળે ત્યાં સુધી વાડીએ જઈને બાપને ખેતીમાં મદદ ના કરાય? ભાઈ સાચું જ કહેતા હતા, હીરા શીખી ગયા હોત તો આમ સાવ રખડવાનો વારો આવેત ?? ,"
ખલાસ. રમેશના કાળજે જાણે ભાલો ભોંકાયો.
" તું ઉઠીને મને શિખામણ આપે છે, તું, તું પણ ? તને મારી કરતા'ય વધુ ભાન પડે એમ ?, હાલતીની થઈ જજે કાલ, તારા બાપને ઘેર.અને બીજો ગોતી લેજે હીરા ઘહતો હોય એવો." રમેશે એક પાટુ મારીને પહેલા પથારીમાંથી અને પછી જિંદગીમાંથી રમીલાને બાદ કરી નાખી.
આ વખતે તો બાપાએ પણ ભાઈનો પક્ષ લીધો. કુટુંબને કૌરવ સેના જાણી, પણ પોતે અર્જુન હતો નહિ એટલે ધર્મયુદ્ધ જીતાશે નહિ એમ સમજાઇ જતા પોતાનો સમાન એક નાનકડી બેગમાં ભરીને સુરત ભણી હંકારી તો મૂકી. પણ ક્યાંય ખાવા કે રહેવાનો મેળ પડતો નહોતો. ભાભીએ ભાગતી વેળાએ પાછળ દોટ મુકેલી એ યાદ આવ્યું. કાંઈક પોટલી જેવું પરાણે થેલામાં નાખેલું, જોયું તો દસ હજાર રૂપિયા અને એક સરનામું હતું.
એ સરનામાએ કલર કંપનીમાં ઓપરેટર તરીકેની મહિને પંદરસો પગારની નોકરી અને અત્યારે જ્યાં સૂતો છે એ ખોલીમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. ગંધાતી ગોદડી હવે આંખોમાથી વહેતી ગંગા જમનાને કારણે ભીની થઇ છે. ભાઈ ભાભી અને બાપા યાદ આવે છે, રમીલાની યાદ તો શૂળની જેમ છાતીને વીંધી નાખે છે. માં તો પોતાને સાવ નાનો મૂકીને સિધાવી ગઈ હતી, એટલે જ તો બાપા દરેક વખતની લડાઈમાં પોતે ખોટો હોવા છતાં તેના પક્ષે રહેતા.
" હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગેથી ઉતર્યું છે." રમેશને એ કવિતા યાદ આવી. સવારે ઉઠીને તરત જ ભાઈ ને ફોન કર્યો, " ભાઈ , ..."
" કેમ છો બધા ? બાપા શુ કરે છે? મારા ભાભી અને બાળકો મઝામાં છે ને?"
"અહીં બધા મઝામાં છે. તારે કેમ છે ?"
" ભાઈ મારે હીરા શીખવા છે."
" હેં ?"
" ભાઈ...."
" તું આટલું ભણેલો ગણેલો હવે હીરા શીખીશ ?, ના રમેશ હવે તું એ ફેકટરીમાં જ નોકરી કર.અનુભવ કરી લે. આપણે હીરામાં બહુ જ કમાયા છીએ. આપણે તારા માટે ફેકટરી નાખીશું. મારો ભણેલ ગણેલ ભાઈ હીરા ઘસે તો તો આ રાઘવ નામ નકામું ને!"
" ભાઈ, મને માફ કરી દો. હું ભણીને પણ જે ના શીખ્યો તે તમે પાંચ ચોપડીમાં શીખ્યા.."
" હવે તું રડવાનું બંધ કર, તને મેં ક્યારેય મારી જાત થઈ જુદો ગણ્યો જ નથી. તું જે દી ઝગડો કરીને ભાગ્યો તેદી તારી ભાભીને કોણે વાંહે મોકલીતી, દસ હજાર રૂપિયા અને મારા ખાસ ભાઈબંધનું સરનામું લઈને?" અને તું કોલેજના છેલ્લા વરસમાં નાપાસ થઈને માસ્ટર કરવાના બહાને બે વરસ રખડયો જ છો એ પણ હું જાણું છું ભાઈ, પણ જે દી તે દી તને ભાન આવશે જ એની મને ખબર હતી. અને સાંભળ, રમીલા પણ આપણા ઘરે જ છે હો. "
" ભાઈ તમે ખરેખર રાઘવ તરીકે રામ થઈ શક્યા, પણ હું લક્ષમણ ના થઇ શક્યો!"
" હવે ફોન મુક, અને તારા શેઠને મળી આવ. તારી બધી જ વ્યવસ્થા થઈ જશે."
અને રમેશ હણ હણતા ઘોડાની જેમ ઉપડ્યો ફેકટરી પર.