ભગવાન પર શ્રદ્ધા
ભગવાન પર શ્રદ્ધા
રામપુર નામે ગામ હતું. ગામના બધા લોકો ખૂબ જ ધાર્મિક. ઈશ્વર પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખે. કોઈપણ પ્રસંગ હોય સૌ સાથે મળીને ઉજવે. એમા પણ સૌથી પહેલાં ભગવાન શ્રીપતિના ચરણોમાં પ્રસાદ ધરે. પછી જમે.
તેમાં એક રવજીભાઈનો પરિવાર રહે. તેના પરિવારમાં બે બાળકો તેની પત્ની અને માતા પિતા કુલ છ જણ રહે. રવજીભાઈના માતા-પિતા રોજ સવારે વહેલા ઊઠીને શ્રીપતિના દર્શન કરે. પ્રસાદ ધરે. પછી જ ઘરના સૌ સભ્યો બીજા કામ કરે. રોજનો આ જ નિત્યક્રમ.
રવજીભાઈનો મોટો પુત્ર થોડો નાસ્તિક. તે શ્રીપતિ ભગવાનમાં વિશ્વાસ ન રાખે. ઘરના બધાં સભ્યો તેને પરાણે બેસાડે. પણ બનવા જોગ બન્યું એવું કે તેને ત્યાં પારણું ન બંધાય. ઘણા દવાખાને બતાવવા છતાં કંઈ જ ખબર પડે નહિ.
ડોક્ટર પાસે રિપોર્ટ કરાવે તો નોર્મલ આવે. બધા વિચારમાં પડી ગયા. આવું કેમ થયું. પણ કોઈ ઉકેલ ન મળે. ડોકટરે પણ હાથ ઊંચા કરી દીધા, કે હવે તો જે ઈશ્વર કરે તે થાય.
રવજીભાઈના દીકરાને મનમાં ને મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. તેને અહેસાસ થયો કે કદાચ મેં ભગવાન શ્રીપતિમાં શ્રદ્ધા ન રાખી એટલે આવું થતું હશે. ત્યારપછી તે અને તેની પત્ની રોજ સવારે ભગવાન શ્રીપતિની આરતી કરે,પ્રસાદ ધરે. ભગવાનની સાચા દિલથી ભક્તિ કરે. હવે મનમાં કંઈ ઈચ્છા જ નહિ. ભગવાનની ભક્તિ એ જ ધ્યેય. આમ કરતાં તેમને ઘેર એક દીકરાનો જન્મ થયો.
તેના પિતાએ તેને પ્રથમ શબ્દ ભગવાન શ્રીપતિ જ બોલાવડાવ્યો. અને તે બાળક મોટો થઈ ભગવાન શ્રીપતિનો મોટો ભક્ત બન્યો.
