ભગત પર શંકાનું નિવારણ
ભગત પર શંકાનું નિવારણ
મેઘજી ભગતને સંસાર સાગર ખારો દવ લાગતાં ભીતર છૂપાયેલ અમુલખ મોતીની શોધ માટે કરતાલ હાથ ધરી ભક્તિનાં માર્ગે વળ્યાં હતાં. હૃદયનાં તાર પ્રભુ સાથે જોડીને વાયક આવે ત્યાં ભજન ગાવા જતાં હતાં.
મેઘજી ભગતની બાજુમાં રહેતી નાની ઉંમરમાં વિધવા બનેલી અને અલખને આરાધતી સોનલબાઈ પણ ભજનમાં ઘણીવાર મેઘજી ભગત સાથે મળીને ભજન ગાઈને પ્રભુને દર્શન દેવા વિનંતી કરતા હતાં.
ભજન રસિકોને તો ખુબ જ મૌજ આવતી હતી આ બંનેના અંતરના ઊંડાણથી પ્રગટતાં ભજન સાંભળવાની. ભજન મંડળી આખી ભક્તિરસમાં ભીંજાઈને ઝૂમી ઊઠતી હતી. આવાં ભક્તિરસથી છલકતાં ગામમાં પણ થોડાં વગર કારણે બળતરા કરનારા લોકો હતાં જ. કહેવત છે ને કે, " ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય જ. "
આ કહેવત મુજબ પંચાતિયો પોપટ વાણંદ બળતરીયાઓની ટોળકીમાં આવીને ધીમેથી બોલ્યો,
"કાંઈ નવું સાંભળ્યું ? " એટલું બોલતાં જ બધાં પંચાતિયાઓનાં કાન પોપટ તરફ મંડાયા. પોપટ અખબારની જેમ વાંચતો હોય તેમ બોલ્યો,"વાયરે વાતો થતી સાંભળી છે કે ઓલા મેઘજી ભગત અને વિધવા સોનલબાઈ વચ્ચે કાંઈક.... "પોપટ અચકાઈ જતાં જ એક પંચાતીયો બોલ્યો,
"દાળમાં કાંઈક કાળુ તો હશે જ હો."
બીજો બોલ્યો, "હશે નહીં દાળ આખી જ કાળી હશે એટલે જ મારાં બેટા રોજ રાતે તંમ્બૂરો ને કરતાલ લઈને ભેંકડા તાણે છે."
ત્રીજો બોલ્યો,. "હશે ભાઈ પણ આમને રોકનાર કોઈ છે જ નહીં. ગામ આખામાં ભગતડો થઈને વખણાઈ રહ્યો છે."
ચોથો પોપટ સામું જોઈને સૂચન કરતો હોય તેમ બોલ્યો,
"કોઈ ન પહોંચી શકે પણ એની બૈરી જો જાણશે તો આ ભગતડાંનું નાટક પૂરું."
જુના જમાનાનાં પત્રકાર ગણાતાં પોપટને તો જાણે જવાબદારી મળી હોય એમ તરત જ હાલ્યો મેઘજી ભગતનાં ઘર ભણી.
પંચાતિયા ટોળકીનો સરદાર ભેમલો હોકો ગડગડાવતાં બોલ્યો,
"જામશે હવે જંગ ખરાખરીનો. આ પોપટીયો જ્યાં સુધી મેઘજીની બૈરીને વાત નહીં કરે ત્યાં સુધી તેની પેચોટી ખસેલી રહેશે."
મેઘજીનાં ઘર તરફ જતાં માર્ગમાં જ આ મેઘજી ને સોનલબાઈ શેરીમાં વાતો કરતા દેખાણાં. પોપટ ભીંતે ચોંટીને તેમની વાતો સાંભળવા લાગ્યો. મેઘજીને બોલતાં સાંભળ્યો,
"લ્યો ત્યારે જય દ્વારિકાધીશ. હું રાત્રે આવીશ એટલે તમને મળી જાશે. તમારી ઈચ્છા પુરી થાશે." કહીને મેંઘજી સીમ તરફ હાલી નીકળ્યાં અને સોનલબાઈ હરખાતી પોતાનાં ઘર તરફ ગઈ.
"વાહ મારાં બેટા. રાત્રે મળવાનાં અને ભગત સોનલની ઈચ્છા પૂરી કરવાનાં." પોપટ મનમાં બોલ્યો અને સીધો જ મેઘજીનાં ઘેર જઈને વરંડામાં કપડાં સુકવતાં મેઘજીનાં પત્ની જોડે જઈને બોલ્યો,
" મોંઘીબેન ગામનાં ગોંદરે થતી વાતો મારાથી નો સંભળાણી એટલે સીધો અહી આવ્યો છું."
"અરે પોપટભાઈ શું થયું ઈ તો ફોડ પાડો." મોંઘીબેન બોલ્યાં.
"કહેવું તો ન જૉઈએ પણ કહ્યાં વગર મારાથી રહેવાય તેમ પણ નથી." કહેતાંક પોપટ ધીરેથી બોલ્યો,"તમારાં પતિ અને પડોશી સોનલની ગોઠડીની વાતો. આજે તો મેં પણ નજરે જોઈ અને કાને સાંભળી હાલ જ."
મોંઘીબેન બોલ્યાં, "ઈ તો ભક્તિની વાતો હશે અમારા ભગતને મોઢે બીજી શું વાત હોય.?"
"અરે રાત્રે મળવાનાં છે બંને અને ભગત સોનલની ઈચ્છા પુરી કરવાનાં છે. ક્ષમા કરજો પણ આ શબ્દો ભગતને પોતાનાં મુખેથી બોલતાં મેં સાંભળ્યા છે. જો તમને માન્યામાં ન આવતું હોય તો આજ રાતે જોઈ લેજો તમારી આંખોથી."
"હોય જ નહીં પોપટભાઈ પણ તમે કહ્યું એટલે આજ તો હું આખી રાત ભગતની ચોકી કરીશ." મોંઘીબેન બોલ્યાં.
"ભગવાન તમને કારમું દુઃખ સહન કરવાની શક્તિ આપે." કહેતાંક ધીમે પગલે પાછો વળીને મનમાં મલકાતો પોપટ સીધો જ પેલી પંચાતિયાની ટોળકી પાસે જઈને બોલ્યો,
"સાંભળો આ ભાયડાનાં ભડાકા. આજ રાતે સોનલબાઈનાં ઘેર ભગત જવાનાં છે અને મારાં કહેવાથી તેમનાં વહુ મોંઘીબેન બિલ્લીપગે ભગતની પાછળ જવાનાં છે. "
" વાહ પોપટ તું તો જોવા જવાનો જ હશે એટલે અમે પાંચેય આજ રાતે ઉજાગરો કરીને તારી સાથે તમાશો જોવા આવશું. " એક જણ બોલ્યો. આ સાંભળતાં જ બીજો બોલ્યો,
"અરે ગામ અખાનાં લાડલાં ભગતનાં પરાક્રમ જોવા હું તો ગામનાં આગેવાનોને પણ જગાડીને લાવીશ."
રાત પડી અને ભગતની કસોટીનો સમય શરૂ થયો. ભગત તો શાંતિથી હરિનું સ્મરણ કરતા પોતાનાં ભક્તિનાં પુસ્તકો ફંફોસી રહ્યાં હતાં અને મોંઘીબેન ઢોલિયામાં સુવાનો ઢોંગ કરીને ભગતની ચોકી કરી રહ્યાં હતાં પણ ચૌદ ભુવનનાં નાથ એવાં ભગવાનને નીંદર નહોતી આવતી.
ભક્ત પોતાનો હરિને પણ સદાય ઝાઝો વહાલો છે
ભક્તની રક્ષા કરવી, ઈ હરિનો અંદાજ પણ ન્યારો છે."
અચાનક ચોકી કરતા મોંઘીબેન ચમક્યાં. આખરે મોડી રાતે ઠંડીમાં ભગત છાતીએ કાંઈક છૂપાવીને કાળો કમળો ઓઢીને નીકળ્યાં. પાછળ બિલ્લીપગે મોંઘીબેન હાલ્યા અને તેમની પાછળ પોપટ અને પાંચ પંચાતિયા અને તેમણે જગાડેલ ગામનાં આગેવાનો છૂપાતાં ચાલતાં હતાં.
ભગત સોનલબાઈનાં બારણે ગયાં એટલે છૂપાયેલો પોપટ બધાને બતાવતાં છાતી ફુલાવીને ધીમેથી બોલ્યો,
"જોઈ લ્યો આ તમારાં મહાન ભગતનાં કારસ્તાન અને હમણાં મોંઘીબેન ભવાડો કરે ઈ પણ સાંભળજો."
"અરે રે.. ઘોર કળજુગ નજ઼ર સામે દેખાયો." એક પંચાતીયો બોલ્યો.
ભગતે સોનલબાઈનું બારણે જઈને સાંકળ ખખડાવી. સહુ છૂપાયેલાં ગામજનોનાં શ્વાસ અધ્ધર થઈ ગયાં. બારણું ખૂલ્યું અને ચન્દ્રમાનાં અજવાળે સફેદ વસ્ત્રમાં ચમકતાં સોનલબાઈ દેખાણાં. આ જોતાં જ મોંઘીબેને હાથમાંનો જેડીયો સોનલબાઈને ખંખેરવાની તૈયારી કરીને પોતાનાં ખભે મુક્યો. પંચાતિયાઓ સાવ નજીક આવીને જોવા લાગ્યાં.
ભગતે પોતાનો કમળો ખોલીને હાથમાં પકડેલું મોટું દળદાર ભાગવત પુસ્તક સોનલબાઈને આપતાં બોલ્યાં,
"લ્યો સોનબાઈ આ ભાગવતનાં બસો એકાવન પાનાં પર તમારાં મન, હ્નદયમાં ઉદભવતાં પ્રશ્નોનું સમાધાન મળી જશે. હવે તમારી બધી ઈચ્છા મારો હરિ પૂરી કરશે. મને પુસ્તક શોધવામાં બહુ વાર લાગી પણ તમને વચન આપેલું એટલે પુસ્તક દેવા રાત માથે લેવી પડી તો માફ કરશો. " એમ બોલીને પુસ્તક સતી સોનલબાઈને આપતાં ભગત બોલ્યાં,"લ્યો ત્યારે જય દ્વારિકાધીશ."
આ જોઈને ગામલોકો પેલાં પોપટ અને પંચાતિયા પર ગુસ્સે થયાં અને મોંઘીબેનનાં આંખમાંથી આંસુડાંની ધાર વહેવા લાગી. અચાનક તેમની નજ઼ર પાછળ છૂપાયેલ પોપટ ઉપર પડી અને મોંઘીબેન રણચંડી બની ગયાં. જેડીયો લઈને પોપટને મારવાં દોડ્યાં. પોપટ દોડ્યો એટલે પાછળ પેલાં પંચાતિયા પણ દોડ્યાં. કોલાહલ થતાં જ ભગત અને દૂરથી બારણું બંધ કરવાં જતાં ગામલોકોને બહાર ભેળાં થતાં જોઈને સોનલબાઈ સમજી ગયાં કે આજ તેની પરીક્ષાની ઘડી આવી છે. ભગતે બે હાથ જોડીને પરમાત્માને કહ્યું ,
"હે ઈશ્વર આ શંકાશીલ માનવીઓને ક્ષમા કરીને સદબુદ્ધિ આપજો."
પણ કહેવાય છે ને ભક્ત કદાચ મોટું મન રાખીને માફ કરી દે પણ પોતાનાં ભક્તનું અહિત કરનારને ભગવાન માફ કરી શકતાં નથી.
આ તરફ ગામજનો બૂમ પાડીને બોલ્યાં,
"મોંઘીબેન એમને છોડતાં નહીં ઝૂડજો બરાબર હો. અમારા ભગતને માથે ખોટું આણ ચડાવનારને કાલે અમે પણ સજા આપીશું."
મોંઘીબેન પાછળ જેડીયો લઈને દોડતાં હતાં અને આગળ પાંચ પંચાતિયાં અને સહુથી આગળ પોપટ દોડતો હતો. પણ આજ તેમનાં પર ભગવાન પણ રૂઠ્યાં હતાં. અચાનક પોપટ અંધારામાં ઊંડા ખાડામાં પડ્યો અને તેની પાછળ દોડતાં પંચાતિયાં પણ ધબાંગ કરતાંક પોપટની ઉપર પડ્યાં. બધાનાં હાડકાં તૂટી ગયાં. ભગવાને તો સજા આપી જ દીધી.
પાછાં વળીને ગામલોકોએ ભગતની માફી માંગી અને પત્ની મોંઘીબેને પોતાનાં પતિ અને સોનલબાઈનાં ચરણોમાં પડીને આંસુ સારતાં માફી માંગી.
ભગત ક્ષમા કરતા બોલ્યાં, "આ બધું તમારાં કારણે નથી થયું મોંઘી. આ તો ઈ ઉપરવાળો જ બધું કરી રહ્યો છે."
ભગવાન પોતાનો ભક્ત પોતાનું કાર્ય સમજી જતાં મનમાં મલકીને પોતાનાં ભક્તને આશીર્વાદ આપે છે.
જય દ્વારિકાધીશ.
