ભેટ
ભેટ
નિત્યાને જોઈને મને હમેશાં થતું કે આવી સ્ત્રી ભગવાને બિલકુલ ફુરસદના સમયે ઘડી હશે. બધા જ ઉત્તમ ગુણોનો ખજાનો એટલે નિત્યા. અમારા ફલેટ સામસામે આવેલા. નિત્યા મારી જ ઉંમરની એ કારણે જ અમારી વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. નિત્યાનું સાસરૂ સામાન્ય. ઘરમાં ઘરડા સાસુ, બે દિયર તથા ત્રણ નણંદ. બધા જ કુંવારા. નિત્યા નોકરી કરતી. એની ઓફિસ પણ પિયરથી નજીક. એ છૂટીને પિયર જાય કારણ પિયરમાં પણ એક મોટોભાઈ કુંવારો. માની સંભાળ તો એ જ રાખતી. બપોરે રિસેસમાં પણ મમ્મીનું કામ કરી આપતી. ઘરે આવીને પણ તરત રસોડામાં જતી. નિત્યાએ પોતાના પગાર ઉપરાંત અત્યાર સુધી કરેલી બચતમાંથી નણંદોના વહેવાર અને લગ્ન કરાવ્યા. જો કે એના સસરાએ દીકરીઓ માટે થોડી ઘણી રકમ મૂકી હતી તથા દાગીના પણ રાખેલા.
નણંદોના લગ્ન બાદ નિત્યાને વારાફરતી બે દીકરીઓ આવી બિનોતી અને એષા. બંને દિયરો નોકરી કરતા હતા એટલે એમને એમના લગ્નનો ખર્ચ પોતે જ કર્યો. પરંતુ હવે ઘર નાનું પડતું હતું. વારાફરતી બંને ભાડે ઘર લઈ રહેવા લાગ્યા. બંને દીકરીઓને રાખવા માટે દિવસ દરમ્યાન બાઈ રાખેલી. પથારીવશ સાસુ પણ સુતા સુતા દીકરીઓનું ધ્યાન રાખતાં. નિત્યાનું તો એક જ ધ્યેય કે કુટુંબને સુખી કરવું છે. તેથી જ ઓફિસમાંથી થોડી ઘણી લોન લઈને દિયરોને કહ્યું, "તમે ભાડા ભરવાને બદલે તમારૂ ઘર લઈ લો. ભાડાને બદલે હપ્તા ભરશો તો એ ઘર તમારુ થઈ જશે. મેં ઓફિસમાંથી લોન લીધી છે. " નિત્યા એ વારાફરતી દિયરોને ઘર લેવામાં મદદ કરી. એની મમ્મીની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. એની મોટીબેન તો બહારગામ હતી. ભાઈને જરૂર પડે તો વારંવાર નિત્યાને જ બોલાવે. હું જયારે જોઉં ત્યારે નિત્યા જવાબદારી સાથે જ ફરતી હોય. બંને છોકરીઓ મોટી થતી ગઈ એમ એમના પ્રત્યે પણ એની જવાબદારી વધતી જતી હતી. કયારેક એની દેરાણીઓ કહેતી, "અમે નોકરી નથી કરતાં એટલે બા અમારી જોડે રહેશે. " પરંતુ એમનો તો એક જ જવાબ કે હું તો નિત્યા જોડે જ રહીશ. તેથી જ એને તથા એના પતિને એલ. ટી. સી. ના પૈસા મળતાં એ ઘરમાં જ ખર્ચાઈ જતાં. નણંદોના વ્યવહાર કરવાના હોય ,કયારેક છોકરીઓ ની ફી ભરવાની હોય, ફરવા જવાનું તો એ વિચારી શકે એમ જ કયાં હતું ?
ઘણીવાર મને થતું કે નિત્યા હમેશા જાણે બીજા માટે જ જીવે છે. પણ એના મોં પર મેં હંમેશા પ્રસન્નતા જ જોઈ. જેટલું સાસરીનું સાચવે એટલું જ પિયરનું, પતિનું અને દીકરીઓનું પણ. સાસુ એની જોડે રહેતાં હોવાથી નણંદો તથા દિયરોની અવરજવર રહેતી. એટલું જ નહીં બધાને સાંજે જમાડીને જ મોકલતી. કયારેક તો પિયરથી થાકીને આવી હોય તો પણ ઘરનું કામકાજ કર્યા કરતી.
સાસુના મૃત્યુના થોડા દિવસો બાદ એના, મમ્મીનું પણ અવસાન થઈ ગયું. ત્યાં સુધી એની દીકરીઓ પણ લગ્ન કરવા જેટલી થઈ ગઈ હતી. જો કે બંને દીકરીઓ ભણવાની સાથે સાથે નોકરી પણ કરતી. કારણ ઘરની પરિસ્થિતિએ પરિચિત હતી મોટી દીકરીનું બહારગામ લગ્ન થયું જ્યારે નાની દીકરીનું એના ઘરથી નજીકમાં જ સાસરું હતું. પરંતુ બંને દીકરીઓને પરણાવાની પાછળ ખર્ચ ખૂબ જ હતો. તેથી એને વહેલા નિવૃત્તિ લઈ લીધી કે જેથી પૈસા એકસાથે મળે અને પ્રસંગ ધામધૂમથી થઈ શકે.
દરેક વખતે મનુષ્યનું ધાર્યું કયાં થાય છે ? નિવૃત્તિના મહિના પહેલાં કમરમાં દુઃખાવો રહેતો હતો પણ એને ગણકાર્યા વગર કામ કરે રાખ્યું. એ દરમ્યાન મોટી દીકરીને ત્યાં દીકરી આવી તો એ કહે, " મમ્મી હવે તું જ આને રાખજે. મારી પાસે તો રજાઓ પણ નથી. "ત્યારે પણ નિત્યા એ કહ્યું નહીં કે એની તબિયત સારી નથી. ડોકટરોએ તો કહી દીધેલું કે પૂરતાં આરામ સિવાય એની કોઈ દવા જ નથી. પરંતુ એનું નસીબ એવું ક્યાં હતું !
એવામાં જ એની મોટીબેન એ જ શહેરમાં આવી ગઈ. પરંતુ આવતાંની સાથે જ એને કેન્સર થયું. ત્યારે પણ નિત્યા જ એની મદદ માટે દોડાદોડ કરતી રહેતી હતી. એ પોતે પોતાની તબિયતની કયાં પરવા કરતી હતી ! આથી એનો દુઃખાવો વધતો જ રહ્યો.
જયારે નાની દીકરીને મમ્મીની બિમારીની જાણ થઈ ત્યારે એને સૌ પ્રથમ મોટીબેનને કહ્યું, "તું તારી દીકરીને તારી પાસે બોલાવી લે. મમ્મી તો આખી જિંદગી બીજા માટે જ જીવી છે. જાણે કે એના પોતાના કોઈ અરમાન જ નથી. ! "
ત્યારબાદ નાની દીકરીએ જ કહ્યું કે, "આવતાં મહિને મમ્મીનો જન્મ દિવસ છે. એ નિમિત્તે આપણે કુટુંબના દરેક સભ્ય ભેગા થઈએ. "ઘરની જવાબદારીઓ નિભાવવામાં મમ્મી તથા પપ્પાએ જિંદગીમાં કંઈ જ મજા માણી નથી. હવે આપણી ફરજ છે કે મમ્મી તથા પપ્પાને ખુશ રાખવાની જવાબદારી આપણી છે. જો પપ્પા મમ્મી કુટુંબ માટે પોતાની ખુશીઓ જતી કરે તો આપણી પણ એમના પ્રત્યે ફરજ બને છે. "
બીજા મહિને જ્યારે નિત્યાનો જન્મદિવસ હતો. ત્યારે નિત્યાના પિયર પક્ષના તથા સાસરીપક્ષના દરેક સભ્ય હાજર હતાં. એટલુંજ નહીં બધાએ ભેગા મળીને નિત્યા ને કહ્યું કે, "હવે તમારે આરામની જરૂર છે અને અમે બધાએ દક્ષિણ ભારતમાં આવેલી ખૂબસૂરત જગ્યા વાયનાડમાં મહિના માટે રિસોર્ટ નોંધાવી દીધો છે. તમારા બંનેની આવવા જવાની ટિકિટ તથા રિસોર્ટમાં પૈસા ભર્યાની રસીદ. આ તો તમે બધા માટે જે કંઈ પણ કર્યું એ બદલ આપેલી આ તુચ્છ ભેટ છે. "
નિત્યા તથા તેના પતિ એ ઘણી જ ના કહી ત્યારે બધાનો એક જ સૂર હતો કે પૈસા હોય અને મદદ કરે એ બહુ મોટીવાત નથી. પરંતુ પૈસાની તૂટ હોવા છતાં પણ ખરા સમયે મદદ કરીને તમે કુટુંબના દરેક સભ્યને જે અમુલ્ય ભેટ આપી એની સરખામણીમાં તો આ કંઈ જ નથી. આ તો અમે તમારા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરીએ છીએ. પ્રેમથી આપેલી ભેટ તો તમે જે કર્યું એની તોલે તો નહીં જ આવે. "આ સાંભળતાં જ નિત્યા તથા તેના પતિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા.
