Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Ekta Doshi

Action


4  

Ekta Doshi

Action


ભાનગઢ - એક અમર પ્રેતકથા

ભાનગઢ - એક અમર પ્રેતકથા

6 mins 14.1K 6 mins 14.1K

અમદાવાદમાં આકાશ, અર્ણવ, રોહિત અને રણવીર કોલેજ પૂરી થતાં, રજામાં શું સાહસિક કરવું, એનો વિચાર કરતા બેઠા હતા. ત્યાં તો અદિતિ એકદમ ઉત્સાહમાં ઉછળતી કૂદતી આવી, “ગાયઝ… ગાયઝ! લીસન… એક મસ્ત અનુભવ લેવા જવું છે?”

“બોલ તો ખરી જાનુ…” રણવીર દિલફેંક અદાથી બોલ્યો.

“તારું મોઢું બંધ રાખ રણવીર, હું તારી જાનુ બનતા પેલા મરવાનું પસંદ કરું.”

“અદિતિ! યાર તું કોની વાતનો જવાબ દે છે, બોલ શું કહેતી હતી?” અર્ણવ બોલ્યો.

“મારા કાકાની દીકરી લારા યુ.એસ.એ.થી આવે છે, ભાનગઢ વિશે જાણવા. એને કંપની જોઈએ છે, બધો ખર્ચો એનો, આપણે ખાલી તેની સાથે જવાનું, નવી જગ્યાએ ફરવાનું અને ભૂતિયા ગઢનું રહસ્ય જાણવા મળશે એ નફામાં.”

“સખત... બાકી.” રોહિત ઊભો થઈ ગયો. “ આપણાં ગ્રૂપનું જ નક્કી રાખ, બીજા કોઈ નહીં.”

અત્યાર સુધી ચુપચાપ બેઠેલો આકાશ બોલ્યો, “અલ્યાવ! આટલા કૂદો છો પણ કોઈએ વિચાર્યું કે આપણાં મમ્મી પપ્પાને શું કહીશું? ભાનગઢ વિશે એ લોકો પણ જાણતા જ હશે. મારી મમ્મી તો ખબર છે ને…?”
“આંટીને જયપુર કે’જે ને.” અદિતિ બોલી.

“ના યાર! આકાશ સાચું કે છે, મારા પિતાશ્રી તો પાછા પંડિત રહ્યા એટલે આ બધામાં માનેય બહુ, એને તો ખબર પડશેને તો મારી આવી બનશે.” અર્ણવ ઉદાસ થઈ ગયો.

“કમ ઓન ફ્રેંડસ! જયપુર અને આભનેરીવાવ જઈએ છીએ એવું કહેશું, ના પૂરું સાચું ના ખોટું.” રણવીરે સૂચવ્યું.

છેવટે બધા સહમત થયા, પોતપોતાના ઘરે સમજાવી તૈયારી કરવા માંડ્યા.

જયપુરથી આશરે પંચાસી કિલોમીટરે આવેલું ભાનગઢ, બદનામ છે આખા એશિયાની સૌથી ભૂતિયા જગ્યા તરીકે. ત્યાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કિલ્લામાં જવાની કાયદેસરની મનાઈ છે. લોકવાયકા છે કે જે કોઈ આ ગઢમાં રાત્રે ગયું છે એ પોતાનો અનુભવ કહેવા માટે ક્યારેય મળ્યું જ નથી. આ વાત ભાનગઢને સાહસિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનાવે છે.

શુક્રવારે વહેલી સવારે અદિતિ અને લારા કાર લઈને રોહિતના ઘરે પહોંચ્યા. આકાશ, અર્ણવ અને રણવીર પહેલેથી જ ત્યાં હતા. ટોળકી નીકળી પડી સાહસે.

અદિતિએ બધા સાથે લારાનો પરિચય કરાવ્યો. લારા ઝડપથી બધા સાથે ભળી ગઈ. રસ્તો ખૂબજ સરસ રીતે બનેલો અને સુંદર હતો. લારાનું કહેવું હતું કે અમેરિકા જેટલા જ સારા રોડસ છે, વાતો કરતા, રસ્તામાં ડ્રાઈવિંગનો વારો બદલતા, નવ કલાકના અંતે જયપુર પહોંચી બપોરનું જમ્યાં.

સુંદર જયપુર જોઈ લારા મોહી પડી.

“હેય ફ્રેંડસ! કેન વિ સ્પેન્ડ અ ડે વ્હેન રિટર્ન બેક?”
“કેમ નહીં બેબી! અમને કોઈ વાંધો નથી.” રણવીર એની અદામાં બોલ્યો, પાછળથી રોહિતના કાનમાં કહ્યું, “જ્યાં સુધી તું ખર્ચો ભોગવે ત્યાં સુધી.”

અદિતિ સાંભળી ગઈ, “તું ક્યારેય નહીં સુધરે.”

“તું ટ્રાય તો કરી જો જાનુ.”

“આકાશ…! તું આની સાથે રહી કેવી રીતે શકે છે, તારો મિત્ર ન હોત તો મેં કે’દિવસનું એનું ખૂન કરી નાખ્યું હોત.”

“મેં પણ…” મનમાંને મનમાં અર્ણવ બોલ્યો. અર્ણવ પહેલેથી અદિતિને ચાહતો હતો. રણવીર જ્યારે પણ અદિતિને જાનુ કહેતો ત્યારે અર્ણવનું લોહી ઉકળી ઊઠતું.

જમવાનું પતાવી તેઓ ભાનગઢના રસ્તે નીકળી પડ્યા. રસ્તામાંથી બિયર કેન્સનું બોક્સ લીધું. ભાનગઢ માટે મુખ્ય રસ્તો છોડી અંદર વળ્યાં. પચીસ કિલોમીટરનો રસ્તો ઘણો સૂમસામ અને ઉબડખાબડ હતો.

ચાર વાગતા તો રસાલો ભાનગઢ પહોંચી ગયો. બહાર તૂટેલા કિલ્લાની દીવાલો અડીખમ ઊભી હતી. પુરાતત્વ વિભાગનું મોટું બોર્ડ લાગેલું હતું,

“પ્રાચીન નગરી ભાનગઢમાં આપનું સ્વાગત છે. અંદર કોઈ પણ પ્રકારના વાહન લઈને જાવાની મનાઈ છે.”

સાવ ભેંકાર ભાસતું ભાનગઢ, સાવ એકલું અને અડીખમ ઊભું હતું. બહાર ન તો કોઈ ચોકીદાર, ન કોઈ સંરક્ષક, ભારતની ધરોહર અનાથ પડી હતી. રોહિત સૌથી આગળ દોડ્યો. ત્યાં પથ્થર ઉપર ભાનગઢનો ઈતિહાસ આલેખ્યો હતો. આ કિલ્લો મહારાજા ભાગવંતસિંહ એ સોળમી સદીમાં બનાવ્યો હતો. ત્યારબાદ મધોસિંહએ તેને રાજધાની બનાવ્યું, ત્યારબાદ તેઓ ભાનગઢ છોડી આમેર ગયા.

“શું વાંચે છે અલ્યા?” આકાશે ધબ્બો મારતા પૂછ્યું.

“જો ઈતિહાસ લખ્યો છે. આ રાજસ્થાનની સૌથી જૂની રાજધાની છે.”

“ચાલો ચાલો આપણે અંદર જઈએ.” લારા એકદમ ઉત્સાહિત હતી. 

અદિતિ, રણવીર અને અર્ણવ સેલ્ફી લેવામાં મશગૂલ હતાં. બધા આગળ વધ્યા. રોહિત હજુ પણ વાંચતો હતો. ગામ શરૂ થયું. તૂટલી ફૂટલી ઊભી બજાર, નર્તકીનો કોઠો, નાના-મોટા મકાનો, બધું જ ખન્ડેર છતાંય અડીખમ. જાણે હમણા જીવંત થઈ ઊઠશે.

રોહિત આવે છે કે નહીં તે જોવા આકાશ પાછળ ફર્યો ત્યાં અચાનક આકાશના માથા પર કંઈક પ્રવાહી પડ્યું, માથે હાથ ફેરવ્યો તો જાણે લોહી. 

“શું છે આકાશ?” લારાએ ચિંતા બતાવી. 

“કાંઈ નહીં, આગળ ચાલો.”

સામે ત્રણ તૂટેલા મંદિરો દેખાયા. સૌથી છેલ્લે ચાલતા રોહિતને પાસેના મંદિરમાંથી ઘંટારવ સંભળાયો. સાનભાન ખોઈ રોહિતએ મંદિર તરફ ખેંચતો ગયો. ત્યાં અચાનક જ એના ખભે હાથ અડ્યો.

“રોહિત! યાર ક્યાં અલગ પડી જાય છે, બધાની સાથે આવ્યો છે તો સાથે ચાલ.” એ રણવીર હતો.

“રણવીર! તને આ મંદિરમાંથી ઘંટનો અવાજ ન સંભળાયો?”

“ત્યાં ઘંટ જ નથી ડોબા.” કહીને રણવીરે રોહિતના માથા પર ટપલી મારી અને તેને ખેંચી બધાની સાથે લઈ ગયો. રોહિતને રણવીર ઉપર અણગમો થઈ આવ્યો.

વિશાળ ચોગાન જેવો બગીચો આવ્યો અને તેની સામે ઊંચાઈ ઉપર રાજમહેલ. અદિતિ બધાથી પેલા દોડી. ચઢાણ ઘણું ઊંચું હતું એટલે થોડી હાંફી અને પાછળ પડતી હોય તેવુ લાગ્યું. ત્યાં બાકીના મિત્રો પહોંચી ગયા અને તેને પકડી. મહેલના દરવાજે રખેવાળ જેવા લાગતા એક કાકા બેઠા હતા. એ કાકાએ અલગ રીતે ત્રાંસી પાઘડી બાંધી હતી. 

“હમ ગાઈડ હૈ ભાયા! કહો તો સારા મહેલ ઘુમા દેગે ઔર પૂરી કહાની સુનાયેંગે.”

“કિતના પૈસા લોગે?” અદિતિએ પૂછ્યું.

“દોસો રૂપૈ દે દેના માતાજી, આપકો સબ બતાકે, સારા ઘુમાકે, શામ તક બહાર છોડ દેગે.”

“માતાજી તો સાચા ઓળખ્યા હો”. અર્ણવએ કહ્યું.

“ભાયા મને ગુજરાતી આવડે છે, છોકરીને ઈઝઝતથી માતાજી બોલીએ, અને આતો આમ પણ…”

“અમે સો રૂપિયા આપીશું.” અદિતિ બોલી.

“ઠીક સે હુકમ.” બોલી તે ચુપ થઈ ગયો.

“પહેલા અહીં બેસી આખી વાત સાંભળી લો, પછી આગળ જઈશું. રાજા મધોસિંહની રાણી રત્નાવતી, ખૂબ સુંદર હતી, ઓ… ઉપર પહાડ જુઓ, ઓ ઘર દેખ્યું? ત્યાં એક જાદુગર રહે. ઉપરથી રોજ રાણીને જુએ. રાણી ઉપર મોહી પડેલો. એક દિવસ રાણીની દાસીને રસ્તામાં રોકી અને રાણીના નહાવાના તેલમાં જાદુ કર્યો.”

“લારા! તું આવું બધું જાણવા આવી છે અહીં?” રણવીરને કંટાળો આવ્યો.

“રણવીર! બીજાને તો સાંભળવા દે.” આકાશે પહેલીવાર તેને ટોક્યો. “કાકા! આગળ સાંભળવો.” 

“રાણીને એ તેલ જોઈને જ લાગ્યું કે આ કંઈક અલગ છે. તો તેલ પથ્થર પર રેડી દીધું અને પથ્થર હવામાં ઊડયો. પહોંચ્યો જાદુગર પાસે, જાદુગરે ગુસ્સાથી કહ્યું કે અત્યાર સુધી હું પ્રેમથી તને વશ કરવાની કોશિશ કરતો હતો પણ તે આ પથ્થર મોકલી ખોટું કર્યું. હવે જો કાલ સુધીમાં આ આખા નગરનો વિનાશ. રાણીએ રાજાને વાત કરી, રાજાએ તરતજ નગર ખાલી કરવાનો હુકમ આપ્યો અને પોતે આમેર માટે નીકળી ગયા. અમુક નગરવાસીઓ ન માન્યા અને પોતાના ઘર માટે રોકાઈ ગયા. આ મહેલ સાતમંઝીલનો હતો, આ ઉપર ત્રણ બચી છે અને આનાથી નીચે બે, પણ કોઈ નીચે નથી જતું. કોઈક ઉતર્યું તો બહાર નથી આવી શક્યું.”

“ત્યારે પણ અમુક લોકોમાં અક્કલ હતી... હાહાહા...” રણવીરે ફરી મજાક ઉડાવી.

એ કાકાની આંખો લાલઘૂમ થઈ ગઈ, “ભાયા… જે લોકો રોકાયા એ બધાની આત્મા આજે પણ ભટકે છે.”

“શું વાત કરો છો?” અર્ણવે આશ્ચર્ય સાથે પૂછ્યું.

“તે રાત્રે આખી રાત ભાનગઢ ઉપર પથ્થર વરસ્યા અને જ્યાં સુધી આખી નગરી ઢંકાઈ ન ગઈ ત્યાં સુધી વરસ્યા. રોકાયેલા લોકો, નગર અને મંદિરો પણ ખતમ થઈ ગયા. લગભગ ૧૦૦ વર્ષ સુધીમાં આ ગઢને ફરી શોધવામાં આવ્યો.”

આકાશે પૂછ્યું “ શું અહીં હજુ પણ ભૂત છે?”

“મેં તો ક્યારેય નથી જોયુ ભાયા! વર્ષોથી અહીં જ છું.”

લારા બધું સાંભળતી જ રહી, એને જાણવું હતું કે એક રાતમાં એવું તો કેવું સ્ટોર્મ આવ્યું હશે? આવડું નગર એક રાતમાં ખતમ? આ માણસ પાસેથી વૈજ્ઞાનિક કારણતો મળવાનું નહોતું, 

“કાકા! અમારે અહીં રાત રોકાવું છે.” લારા એ સીધું પૂછી લીધું.

“માતાજી! ન રોકાવ તો સારું, બાકી પચાસ સો રૂપિયા આપી દેજો તો હું જ ગાડી અંદર લેવડાવી દઈશ.”

લારાએ કાકાને ૩૦૦ રૂપિયા આપ્યા. કાકા ગયા અને ગાડી અંદર આવી ગઈ. ખાવાપીવાની વ્યવસ્થા થઈ ગઈ. ટેન્ટ્સ પણ સાથે લીધેલા, સૂર્યાસ્ત થવા લાગ્યો અને ખંડેર વધુ ભયાનક દીસવા લાગ્યું. જમ્યા પછી બધા મિત્રો  બિયર પીવા બેઠાં.

થોડીવારમાં કિલ્લો જાણે જીવંત થઈ ઊઠ્યો, કાળા ઓળા આમતેમ ભાગવા લાગ્યા, દેવ વગરના દેવાલયોમાં દિવા થયા, ઘંટ વગર ઘંટારવ, અચાનક ઘૂંઘરૂં ઝંકૃત થયા, બધા મિત્રો જોવા ગયા તો, સવારે આપેલા રૂપિયાની નોટો બાળી એ કાકા આરતી કરતા હતાં પરંતુ તેમના માથામાંથી ખોપડીનો અમુક ભાગ દેખાતો હતો અને અદિતિની હૂબહૂ નૃત્યાંગના નૃત્ય કરતી હતી પરંતુ તેના હાથપગ પથ્થરથી છૂંદાયેલા હતાં, એ બંને એ આ મિત્રો સામે જોયું અને કહ્યું, “ભાનગઢમાં આપનું સ્વાગત છે, આજથી તમે પણ અમારા સંગાથી થયા.” 

બધા મુઠ્ઠી વાળીને ભાગ્યા પણ ત્યાં પગથિયાં નહોતા. તેઓ કૂદયા તો નીચે મોટો કૂવો અને આમ ભાનગઢમાં રાત રોકાઈ જનારા સાહસિકો ગાયબ થઈ ગયા.

સવારે અન્ય સાહસિકોનું ગ્રૂપ આવ્યું અને પેલા કાકાએ કહ્યું, “હમ ગાઈડ હૈ ભાયા, સાનુ પંજાબી આતી હૈ…”


Rate this content
Log in

More gujarati story from Ekta Doshi

Similar gujarati story from Action