Ekta Doshi

Others

3  

Ekta Doshi

Others

કારગિલ

કારગિલ

3 mins
13.7K


કારગિલની લડાઈ, આપણાં સૌ માટે ગર્વની લડાઈ, કેવી રીતે આપણાં જવાનોએ આંતંકીઓનાં દાંતખાટા કરેલા એ યાદ કરી અભિમાન લેવાનું યુદ્ધ. આ યુદ્ધભૂમિની સાક્ષી બનવા હું પહોંચી કારગિલ વૉર મેમોરિયલ.

એ જગ્યાને આપણે કારગિલ સમજીએ છીએ પણ ખરેખર તો એ કારગિલથી પહેલાં આવેલ દ્રાસમાં બનેલું છે, દ્રાસ વિશ્વનો બીજા ક્રમે આવતો સૌથી ઠંડો રહેણાંક વિસ્તાર છે. અમે સાંજના લગભગ ૪ઃ૦૦નાં સુમારે દ્રાસ પહોંચ્યાં. સામે જ “કારગિલ શહીદ સ્મારક” દેખાતાં આપણે પોતે સિપાહી હોઈએ તેવા ઉત્સાહમાં આવી ગયાં. પણ જીપમાંથી ઉતરતાં જ લાગ્યું કે બાપ રે ! આ ઠંડીમાં કેવી રીતે બધું જોવાશે?

એક વાર તો જીપમાં બેસી દરવાજો બંધ કરી દેવાનું મન થઈ આવ્યું, તુરંત જ મનને ટપાર્યું, “રે મન, તારાથી ખાલી અમુક કલાકો નથી ગાળાતી જ્યારે આ જવાનો દિવસ રાત અહીં તારી સુરક્ષા માટે સતત પહેરા આપે છે.” 

પાછો જુસ્સો આવી ગયો અને અંદર ડગ ભર્યા, બંને તરફ લહેરાતા તિરંગાઓ, આગળ જતાં એક 'ફાઇટર પ્લેન' જોયું. બધે સેલ્યુટ મારી, વાહ આર્મી વાહ! આગળ જતાં એક બાજુ 'વિજયપથ'ની દિશા બતાવતું બોર્ડ હતું પણ અમને કહેવામાં આવ્યું. પહેલાં 'શહીદ સ્મારક' ચાલો એટલે અમે ત્યાં આગળ પહોંચ્યાં. 'ઓપરેશન વિજય' લખેલો સ્તંભ અને તેની આજુબાજુ ચાર નાના સ્તંભો, તેની પાસે ચડાવેલી ફૂલોની રીંગો, એક જવાન આવનાર મુલાકાતી માટે ફૂલ લઈને ઊભો હતો. આપણે ત્યાંથી ફૂલ લઈ સ્તંભ પાસે ચઢાવીયે એટલે એ આપણને સેલ્યુટ કરે. "તમે શહીદોને સન્માન આપ્યું એટલે અમે તમને સન્માન આપીએ." મને તો એવું લાગ્યું કે કોઈ લાયકાત વગર મને આવી રીતે કોઈ કેમ સલામ ભરી શકે. બધા મુલાકાતીઓને ભેગા કરી એક ઓફિસરે બુલંદ આવજે અમને સમજાવવાનું શરૂ કર્યું. 

“આપણી ઠીક પાછળ ટોલોલિંગની પહાડી છે, જેની ઉપર ઘૂસણખોરો આવી ગયા હતા અને અહીંથી બોમ્બરડિંગ કરતા હતા. ત્યાં ડાબી તરફ પાછળ ટાઇગર હિલ...”

...એ બધું કહેતા જતા અને આંખ સામે વીરોની બહાદુરીના દ્રશ્યો તાદ્રશ થતા જતા. તેઓએ અમને આતંકીઓના ટેન્ટ, કબજે કરેલા સાધનો વગેરે બતાવ્યું. શહીદ સ્મારકની પાછળ સુવર્ણક્ષરે કોતરાયેલા નામો બતાવ્યા. બધું જોઈ સીનામાં દેશભક્તિના પૂર ઉમટવા લાગ્યા. ત્યાર બાદ મ્યુઝિયમ જોયું જેમાં બધા વીરોનાં અસ્થિ કળશ હતા. બધી ટુકડીઓના ફોટા, મીડિયાએ કરેલી મદદના પુરાવા, એરફોર્સે આપેલા સાથની વાતો, જવાનોના કપડાં, બરામદ થયેલા દારૂગોળા, ગન્સ વગેરે હતું અને આતંકીઓ કયા દેશનાં હતા અને તે બધા ત્યાંના સિપાહી હતા તેના પુરાવાઓ પણ હતા. બહુ દુઃખ થયું કે આવા પુરાવા હોવા છતાં પણ શાંતિકરારના ઓઠા હેઠળ આપણે આપણા દેશને બચાવી નથી શકતા.

હવે સમય હતો 'વિજયપથ' પર જવાનો. જોવા ગઈ તો ત્યાં એક મિનિટ માટે બેસી પડી. મગજ સુન્ન પડી ગયું, દિલ ધબકારા ચૂકી ગયું. વિજયપથ એ આપણાં ૧૯૪૭થી અત્યાર સુધી કાશ્મીર બોર્ડર ઉપર થયેલા શહીદોની અગણિત ખંભીઓ હતી. અરેરાટી છૂટી ગઈ. બધી દેશદાઝ ફક્ત આ લોકો એ જ દેખાડવાની? તેમનાં પરિવાર વિશે વિચારો આવી ગયા અને તેમાંથી આપણે ૧%ના નામ પણ નથી જાણતા. 

ત્યાંથી બહાર નીકળી કારગિલ ગામ તરફ જવા રવાના થયાં અને ત્યાં પણ રસ્તામાં અનેક વિનાશની નિશાનીઓ. બૉમ્બની ઝીંક ઝીલેલી દીવાલો અને દિવસરાત આ તકલીફોમાં રહેતા માણસો અને તેનાં ઘર.

દ્રાસ છોડતા મનને એક અજંપો ઘેરી વળ્યો અને અશ્રુસુમન ચડાવતા મન બોલી ઊઠ્યું, “જો શહીદ હુએ હૈ ઉનકી ઝરા યાદ કરો કુરબાની.”


Rate this content
Log in