Ekta Doshi

Others

3  

Ekta Doshi

Others

મને વરસાદ નથી ગમતો

મને વરસાદ નથી ગમતો

5 mins
14.6K


“મમ્…..! હું બહાર વરસાદમાં નાહવા જાવ છું.” પિયુ સડસડાટ ભાગી.

આકૃતિએ પોતાનું કામ પૂરું કર્યું અને સાડીનો કછોટો છોડતી બહાર જોવા આવી, પિયુ તેની ઉંમરના બીજા બાળકો સાથે ધમાલ કરતી હતી. પિયુને પાણીમાં કૂદતી જોઈ આકૃતિ પોતાના ભૂતકાળમાં સરી પડી.

“મા…! અમે સાઇકલ લઈ બગીચા સુધી જઈએ છીએ.”

“આકૃતિ! સાંભળ તો ખરી, વરસાદમાં સાઇકલ ઉપરથી પડી ન જતી, ધ્યાનથી ચલાવજે. આ છોકરી ….વરસાદ આવ્યો નથી ને ગાંડી થઈ નથી.”

પિયુએ સાડી ખેંચી, “ મમ…. અમે ટેરેસ પર જઈએ ?” અને ટોળકી લઈ ઉપર ભાગી.

“પિ… યુ! બચ્ચાઓ ઘર ગંદુ ના કરતા, હું ત્યાં ઉપર જ ટુવાલ અને નાસ્તો આપી જઈશ.” આકૃતિએ ઘરમાં પોતું માર્યું.

“ મા! આપણાં ગામમાં ન તો દરિયો છે, ન કોઈ સારા નદી-તળાવ. મારા લગ્ન તો દરિયાની બાજુમાં રહેવાનું હોય ત્યાં જ કરાવજે.”

“બાર વર્ષની છો, બાર વર્ષ જેવી વાત કર, દાદી અમ્મા!” માએ લાડ કરતાં કહેલું.

કોલેજ શરૂ થઈ, આકૃતિ યુવતી બની પણ પાણી પ્રત્યેની એની ઘેલછા એવીને એવી રહી. ચાલુ કોલેજે વરસાદમાં પલળવા નીકળી જવું. વરસાદ હોય ત્યારે પીકનીક યોજવી. તળાવ ભરાય ત્યારે અચૂક પગ ઝબોળવા જવું. આકૃતિ માટે એ સામાન્ય અને જરૂરી હતું.

“મા..! અમારું ગ્રુપ સોમનાથ જવાનું વિચારે છે, હું જાવાની છું.”

“આકૃતિ! બહુ મનમાની કરે છે, કોને પુછીને નિર્ણય જણાવી દીધો? કોણ કોણ જાવાનું છે? પહેલાં લિસ્ટ આપ, પછી વિચારીશું” મોટો ભાઈ બોલ્યો.

“આકાશ! તારે જવું હોત તો તું અમને બધું કહેવાનો હતો ? તને ખબર છે અમે દીકરા દીકરીમાં કોઈ દિવસ ભેદ નથી રાખ્યો. તું જજે બેટા.” પ્રદીપભાઈએ આકાશને ટપર્યો.

“ઓહ પપ્પા! મને ખબર જ હતી એટલે મેં તો હા પાડી જ દીધી છે.”

“આકૃતિ! તમારા ગ્રુપના બધા જવાના છો ? સાથે છોકરાઓ છે ને ? એકલી છોકરીઓ જાઓ એના કરતાં છોકરા સાથે હોય તો સારું.” મા એ ચિંતા કરી

“જીત આવવાનો છે ? એને કહેજે મોડું થાય તો એ તને ઘરે મૂકી જાય એટલે અમને કોઈ ચિંતા નહીં.” પપ્પાએ કહ્યું.

જીત અને આકૃતિ બેસ્ટ ફ્રેન્ડ હતા, બંનેના પરિવારોને તેમની નિર્મળ મૈત્રીનો આનંદ હતો.

“ હા! જીત, રાજ, મિતેષ અને મારી પાંચેય બહેનપણીઓ.”

“ સરસ…. કેટલા પૈસા જોઈએ છે?” પપ્પાએ પૂછ્યું.

“ પાંચસો છે પપ્પા.. બહુ થઈ ગયા. ભાઈ! એટલા થઈ જશે ને ?” લાડ કરતી ભાઈની બાજુમાં જઇ બેઠી. ભાઈનું ગુસ્સાવાળું મોઢું તેને નહોતું પસંદ.

“ચાલ ચાલ આઘી જા ! બહુ મસ્કા મારવાની જરૂર નથી. જઈ આવ, મજા કરજે, પણ હા...દરિયો જોઈ ગાંડાવેડા ન કરતી કે ત્યાં બધાને ખબર પડી જાય કે આ તો સાચે ગાંડી છે.”

ભાઈને મારવા ઉગામેલો હાથ ઊંચોજ રહી ગયો જ્યારે સાસુમા નો અવાજ આવ્યો,

“આકૃતિ! ભજીયા તળ, આટલા વર્ષેય યાદ નથી રહેતું કે, વરસાદમાં આપણાં ઘરમાં ભજીયા તો જોઈએ જ.”

ચણાનો લોટ ઘોળતાં ઘોળતાં તે પાછી પહોંચી ગઈ સંસ્મરણોના વનમાં,

પાડોશી બહેન કાંતાબા મા પાસે આવેલા ,

“જ્યોત્સના! તું અને પ્રદીપ આકૃતિને બહુ છૂટ આપો છો. ખબર છે, એ કયા કયા છોકરા સાથે ફરે છે! એક દિવસ તમને પસ્તાવો થશે. ત્યારે હાથમાં કંઈ નહીં રહે.”

“માસીબા! અમારી દીકરી આમરો ગર્વ છે, ફરીથી આ વાત ના કહેશો.” માએ કાંતાબાને આગળ બોલવાનો મોકો ન આપ્યો.

અનેક પુરુષ મિત્રો હોવા છતાં ન આકૃતિએ કોઈ મર્યાદા લાંઘી હતી, ન તો તેના પરિવારે તેને ટોકી હતી. ભણવાનું પૂરું થયું અને મા-પપ્પાએ તેના માટે નિશ્ચલ શોધી કાઢ્યો.નિશ્ચલ સાથેની પહેલી મુલાકાતમાં જ આકૃતિએ તેને પોતાના વર્તન-વ્યવહાર-મિત્રો વિશે બધું જણાવી દીધું હતું. બંને સાથે ઉભા હોય તો સર્વાંગ-સંપૂર્ણ જોડી લાગતાં. બેઉ પક્ષને પરસ્પર સારું લાગતાં સુરત શહેરમાં સગાઈ થઈ.

સગાઈ પછી નિશ્ચલ તેને દરિયા કિનારે ફરવા લઈ ગયો. દરિયો જોઈ તે ખીલી ઉઠી, અજાણ્યાપણું, સંકોચ, ડર બધું ઓગળી ગયું અને તે દરિયામાં પગ ઝબોળવા દોડી, ખૂબ પલળી. નિશ્ચલ તેનું એ બાળપણ જોઈ તેના પર ઓવારી ગયો. બંનેને ખુશખુશાલ આવતા જોઈ ચારેય માબાપને આનંદ થયો. સગાઈથી લગ્ન વચ્ચેના ગાળામાં નિશ્ચલ આકૃતિના પાણી ઉપરના વિશેષ પ્રેમને ઓળખી ગયો હતો. તેઓ જયારે પણ વાત કરતા નિશ્ચલ અચૂક દરિયા કિનારાની વાતો કરતો અને પછી આકૃતિ ખુલીને વાત કરતી. આવ્યો લગ્ન પછી પહેલો વરસાદ, રોમાન્ટિક નિશ્ચલ તેને ખાસ દરિયા કિનારે પલળવા લઈ ગયો. પણ પાછા આવ્યા ત્યાં તો …..

“ મમ ! “ પિયુ ટહુકી, “અમે નીચે આવીએ કે તું ઉપર આવે છે?”

“બસ દો મિનિટ.” મેગીની એડ જેવો લટકો કરતી આકૃતિ બોલી.

બાળકો માટે મેગી બનાવવા મૂકી, ભજીયાનું તેલ ગરમ કરવા મૂક્યું.ફટાફટ બધા બાળકો માટે ટોવેલ કાઢ્યા અને તેઓ માટે તપેલું ભરી મેગી લઈ ઉપર ચડી. બાળકોને કોરા કરી, ટોવેલ પહેરાવી નાસ્તો આપ્યો, પિયુને બધા બાળકો સાથે આનંદિત થતી જોતી રહી.

“આકૃતિ! ભજીયાને કેટલી વાર? રામ રામ! હું ધીરજ રાખીને માળા ગણું છું પણ તને તો પડી જ નથી, ભલેને હું ભૂખી મરું. ગમે તેટલા વર્ષ થાય પારકી જણી એ તો પારકી જ રહેવાની. એની મા હોત તો એને ભૂખી રાખત? આ તો મારો સ્વભાવ એવો છે કે મારતાં ને ય મર ન કહું. બાકી આ આકૃતિ તો...”.

“લાવી મમ્મીજી ..” કહેતી આકૃતિ ફરી રસોડાભણી દોડી. ગરમ ગરમ ભજીયાં ઉતારતી વખતે આકૃતિની આંખો છલકાઈ ઉઠી.

તે દિવસે પણ આવું જ બન્યું હતું, નિશ્ચલ અને આકૃતિ પલળીને આવ્યા ત્યાં તો ઘર માથે ઉઠાવી લેવામાં આવ્યું હતું,

“સારા ઘરની વહુ-દીકરીને આ શોભે છે? ગામ જોવે તેમ નહાવું, માબાપે કોઈ સંસ્કાર આપ્યા હોય તો ને! જલ્દી કપડાં બદલીને આવ, બધે પોતુ મરવાનું ભૂલતી નહીં અને ફટાફટ ભજીયા તળી નાખ. માવતરે કાંઈ કામ તો શીખ્યું નથી અને ખાલી હરવું ફરવું છે”.

“મમ્મી! એ બધું કરે તો છે, એના આવ્યા પછી તમે એક પણ કામ કરો છો? એને પાણી સાથે ખૂબ લગાવ છે એટલે હું લઈ ગયો હતો.” નિશ્ચલે વાત વાળવાની કોશિશ કરી.

“નિશ્ચલ! મમ્મીની સામે જવાબ દેવા એ આપણાં ઘરના સંસ્કાર નથી. આ બધું શીખવાડતી લાગે છે.” સસરાજીએ પણ મહેણું મરવાનું ન છોડ્યું.

“એ ક્યાં કશું બોલી જ છે, પપ્પા!”

“હા ! હવે આ જ સાંભળવાનું રહી ગયું હતું. વહુઘેલો થઈ ગયો છું, મા-બાપ ભૂખ્યા છે એ નથી દેખાતું અને આ બેશરમને જાહેરમાં નાહવા લઈ ગયો.” સાસુમાએ અમોઘ અસ્ત્ર છોડ્યું.બસ! નિશ્ચલ ચૂપ થઈ ગયો અને આકૃતિ અવાચક.

“મમ ! હું એકદમ ફ્રેશ થઈ ગઈ. હવે હોમવર્ક કરવા બેસું છું. મને હોમવર્કમાં હેલ્પ જોઈએ છે.” પિયુએ એને હચમચાવી.

ઇશારાથી જ આવું છું, કહી આકૃતિએ સાસુમાને ગરમ ભજીયા આપ્યા,

“મમ્મીજી! પપ્પાજી અને નિશ્ચલ માટે પણ તૈયાર જ છે. એ લોકો આવે ત્યારે કહેજો. હું પિયુને ભણાવું છું.”

પિયુના ટેબલ પાસે ગઈ, હોમવર્ક કરતાં કરતાં પિયુએ પૂછ્યું,

“મમ! તું મારી સાથે નહાવા કેમ નથી આવતી ? મેં ક્યાંક દરિયા, નદી કે તળાવના ડર વિશે તો વાંચ્યું છે. પણ વરસાદ ? બોલને મમ! તને વરસાદ કેમ નથી ગમતો?” અને ફરી એકવાર મુશળધાર વરસાદ ટૂટી પડ્યો.


Rate this content
Log in