Shobha Mistry

Inspirational Children

5  

Shobha Mistry

Inspirational Children

ભાઈબહેન

ભાઈબહેન

3 mins
476


મહેક અને ફોરમ બંને પિતરાઈ ભાઈ બહેન. બંને વચ્ચે ઉંમરનો સાત આઠ મહિનાનો જ ફરક, એટલે હમઉંમર કહો તો પણ ચાલે. પરિવાર સંયુક્ત એટલે સાથે ને સાથે જ ઉછર્યા. બંનેના માવતર પણ બંને વચ્ચે કોઈ ભેદભાવ ન રાખે. બંને માટે સરખી વસ્તુઓ ઘરમાં આવે છતાં નાની નાની વાતમાં બંનેને વાંકું પડી જાય. જરા જરામાં ઝગડી પડે. પણ કોઈ બીજું એમના એકબીજા વિરુદ્ધ કંઈ બોલે તો બોલનારનું આવી બને. એટલો એકબીજા માટે સ્નેહભાવ.

એક દિવસ ઘરમાં દેરાણી જેઠાણી વચ્ચે કોઈ બાબતસર ઝગડો થયો. નાની વાતે મોટું સ્વરૂપ લઈ લીધું. સ્ત્રી વર્ગનો ઝગડો પુરુષો સુધી પહોંચી ગયો અને વાત વધી ગઈ. જ્યાં આખો પરિવાર સાથે મળી સંપીને રહેતો હતો તેને બદલે બધાંના મન ઊંચા થઈ ગયાં. વાત વધીને ઘર વચ્ચે દીવાલ ઊભી કરવા સુધી વાત પહોંચી ગઈ. ઘરના વડીલોએ ચારેચારને બેસાડીને ખૂબ સમજાવ્યાં પણ કેમે કરીને માને જ નહીં. 

આ બધાં ઝગડાથી મહેક અને ફોરમ તો અલિપ્ત. એ બંનેને એટલી ખબર પડી કે ઘરમાં મમ્મી પપ્પા અને કાકા કાકી વચ્ચે કંઈ થયું છે. હવે બંને માટે એકસરખી વસ્તુઓ ઘરમાં આવતી નથી. પહેલાં મહેકના પપ્પા એના માટે બેટબોલ લાવતા તો ફોરમ માટે પણ સરસ મજાની ઢીંગલી લઈ આવતા. ફોરમના મમ્મી બંને માટે એકસરખો નાસ્તો બનાવી ટિફિનમાં ભરી આપતી. પણ હમણાંથી ફોરમની મમ્મી ફક્ત ફોરમ માટે જ ટિફિન ભરી આપે છે. મહેકના ટિફિનમાં જુદો નાસ્તો હોય છે. મહેકના પપ્પા હવે ફોરમ માટે કોઈ રમકડું લાવતા નથી. બંને મનમાં મૂંઝાતા હતાં પણ કોને કહે ?

થોડા દિવસ પછી મોટા ઘર વચ્ચે દીવાલ બનાવવા માટેનો સામાન આંગણામાં ઠલવાવા લાગ્યો. એટલે બંનેએ પોતપોતાના મમ્મી પપ્પાને પૂછ્યું પણ એ લોકો કંઈ સરખો જવાબ આપે નહીં. છેવટે એમણે દાદા દાદીને પૂછ્યું, "દાદા, બા, આ ઈંટ, સિમેન્ટ બધું કેમ લાવ્યા છે ?" 

"બચ્ચાંઓ આ તમારા બંનેના મમ્મી પપ્પા ઝગડ્યાં છે તો હવે એમને જુદાં ઘર કરવા છે. એટલે આપણાં આંગણામાં દીવાલ બાંધીને ઘરના બે ભાગ કરવાના છે. એટલે આ બધું આવ્યું છે." દાદા અને બાએ રડતાં રડતાં કહ્યું.

"તો પછી દાદા અમે ક્યાં રહીશું ? બા, તમે ક્યાં રહેશો ?" બંને બાળકોએ બા દાદાના આંસુ લૂછતાં પોતે પણ રડતાં રડતાં પૂછ્યું. બંને બાળકોની વાત સાંભળી બંને વડીલો વધુ રડવા લાગ્યાં.

બીજે દિવસે સવારમાં બંને બાળકો આંગણામાં એકબીજાનો હાથ પકડી બેસી ગયાં. "ફોરમ." "મહેક" બંનેની મમ્મી સ્કૂલ જવાનો સમય થયો એટલે એમને બોલાવવા આવી. "ચાલો, સ્કૂલ જવાનો સમય થયો. મહેક છોડ એનો હાથ." "ફોરમ, ચાલ નહીં તો એક થપ્પડ પડશે." ફોરમની મમ્મી બોલી. 

"ખબરદાર, મારી બહેનને કોઈએ માર્યું છે તો." મહેક બોલ્યો. "મમ્મી, અમે બંને હવેથી આ આંગણામાં જ રહીશું. તમારે જ્યાં દીવાલ બાંધવી હોય ત્યાં બાંધો." ફોરમે કહ્યું અને બંને ભાઈબહેન એકબીજાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. બંનેને રડતાં જોઈ દાદા અને બા પણ ત્યાં આવી ગયાં. એ બંને પણ ત્યાં જ ભોંય પર બેસી ગયાં અને રડવા લાગ્યાં. 

ચારે જણનો રડવાનો અવાજ સાંભળી ફળિયામાંથી બધાં દોડી આવ્યાં. "શું થયું ? શું થયું ?" પૂછપરછ થવા લાગી. ચારે ચાર એકબીજાનાં મોઢા જોવા લાગ્યાં. શું થયું નો કોઈ જવાબ એમની પાસે નહોતો. છેવટે જેઠાણીએ દેરાણીને ગળે વળગાડી દીધી. "ચાલ, બેના. બધું ભૂલી પહેલાંની જેમ એક થઈ જઈએ."

"મોટી બહેન, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. હવેથી આપણે કદી ઝગડો કરીશું નહીં. બા, બાપુજી, અમને માફ કરો." બંને દેરાણી જેઠાણી બા દાદાને પગે લાગી બોલ્યા. "મોટાભાઈ, મને માફ કરો." એમ કરી બંને ભાઈઓ પણ એકબીજાને વળગીને રડી પડ્યાં."આપણે કોઈ દીવાલ બાંધવી નથી. ચાલો મહેક, ફોરમ, બા, બાપુજી તમે બધાં રડવાનું બંધ કરો." મોટાભાઈએ કહ્યું. ચારે જણાં બા બાપુજીને પગે લાગી માફી માંગવા લાગ્યાં. જે કામ વડીલોની સમજાવટથી ન થયું તે બાળહઠથી પાર પડ્યું. 

મહેક અને ફોરમ રાજી રાજી થઈ એકબીજાને સ્નેહથી વળગી પડ્યાં. "હવે આપણે બધાં પહેલાંની જેમ સાથે જ રહીશું." એમ ખુશ થઈ ગાવા લાગ્યાં. મહેકના પપ્પાએ ફોરમને અને ફોરમના પપ્પાએ મહેકને ઊંચકી છાતીએ વળગાડી દીધાં. આંગણું ફરી હસી ઊઠ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational