બેટીનાં જન્મદિવસ નિમિત્તે પાઠવેલ બેટીને શુભેચ્છા પત્ર
બેટીનાં જન્મદિવસ નિમિત્તે પાઠવેલ બેટીને શુભેચ્છા પત્ર


આત્મજા ડોલી
જય શ્રી કૃષ્ણ
ઘણી વાર દિલની ભાવનાઓ રૂબરૂમાં સારી રીતે વ્યકત નથી કરી શકાતી, ત્યારે પત્ર લેખન ખુબ જ સારું માધ્યમ બની રહે છે. એટલે તારા આ જન્મદિવસે તને પત્ર દ્વારા શુભેચ્છા પાઠવવાનું મન બનાવ્યું છે.
15-07-1988 - આ દિવસ અમારી જિંદગીનો સહુથી શુભ દિવસ, જે દિવસે તું અમારે ત્યાં મહાલક્ષ્મી થઈને અવતરી. અમને આજે પણ એ દિવસ બરાબર યાદ છે કારણ એક તો અષાઢી બીજ જેવો શુભ દિવસ અને એ દિવસે ખુબ જ વરસાદ પડી રહ્યો હતો અને આપણા કચ્છમાં એ સાથે જ ત્રણ વર્ષનો દુષ્કાળ પુરો થયો હતો.
‘અષાઢી બીજ’ના શુભ દિવસે અમારે ઘેર થઈ મહાલક્ષ્મીની પધરામણી
ડોલી જન્મી ત્યારથી છે દરેક મુરત શુભ, અમારી જિંદગી થઈ ગઈ છે વધામણી “
બેટી, તારા જન્મ દિવસના તને ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ. આમેય મા-બાપના દિલમાં તો પોતાના સંતાન માટે શુભકામનાઓ, આશીર્વાદ અને વ્હાલના વ્હેણ વહેતા જ હોય છે અને એમાં પણ તારા જેવી દીકરી અવતરી હોય તો તો પછી પૂછવું જ શું? મને યાદ છે તું એટલી સરસ લાગતી કે તને તેડવા માટે આપણા કુટુંબમાં હરીફાઈ રહેતી.
તારું બચપણ એટલું નટખટ અને રમતિયાળ રહ્યું કે આજે પણ અમને તારા બચપનના દિવસો યાદ છે અને દિલ બાગ બાગ થઈ જાય છે. તું ભણવામાં અને ચિત્ર કામમાં પણ એટલી જ માહેર રહી.
જોત જોતમાં તું આર્કિટેક્ટ બની ગઈ. તારા લગ્ન માટેની પસંદગી પણ લાજવાબ રહી અને લોકો પણ અમને સાચું કહે છે કે તમે તો દીકરી આપીને દીકરો મેળવ્યો છે. લગ્નના બે વર્ષો બાદ તે સેપ્ટ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનીવર્સીટીમાંથી માસ્ટર ઓફ આર્કિટેકટની પદવી ધારણ કરી તે અમારા માટે ખુબ ગૌરવની બાબત છે. આપણા સહુના સૌભાગ્યે તને સાસરું પણ એટલું જ શ્રેષ્ઠ મળી ગયું છે. બહારની દુનિયા સાથે તું ઘર કામ અને રસોઈમાં પણ પ્રવીણ અને મહેનતુ છો. તને જોઈને અમે ગરૂર સાથે એટલું જરૂરથી કહી શકીએ કેઃ
સમાજની બદલાતી સોચ માટેની હૈયાધારણ છે
દીકરા-દીકરી છે સમકક્ષ, ડોલી એનું ઉદાહરણ છે.
બેટી, તારી જેવી દીકરી જોઈને જ સમાજમાં, ‘અમારે પણ એક દીકરી હોય’ એવી ભાવના પ્રબળ થતી જાય છે. તું અમારું ગૌરવ છો.
ફરી એક વાર દિલથી અભિનંદન, શુભેછાઓ અને આશીર્વાદ સાથે
- મમ્મી - પપ્પા