બેસ્ટ ઓફ લક દીકરા
બેસ્ટ ઓફ લક દીકરા


વિકાસ પહેલેથીજ ભણવામાં અને સ્પોર્ટ્સમાં એક્સીલન્ટ સ્ટુડન્ટના લીસ્ટના ટોપ ટેનમાં જ હોય. સ્કુલના દિવસોથીજ એ બાહોશ અને હોંશિયાર હતો. છતાં ભગવાન ડગલે અને પગલે એની પરીક્ષા લેતો જ આવ્યો હતો. અત્યંત ગરીબ ઘરમાં જન્મ થયો છતાં, મિત્રો અને અન્ય શિક્ષકોની મદદથી બધું જ ભણી લેતો, લાઈટના ફાંફાં પડે તો સ્ટ્રીટલાઈટમાં વાંચતો, ચોપડા માટે પણ સ્કોલરશીપ મેળવી લેતો, સ્પોર્ટ્સ માટે જરૂરી કપડા, બુટ વગેરે મિત્રોના ઉતારેલા પહેરીને પણ અવ્વલ જ રહેતો. સ્કુલમાં હતો ત્યારથી મિત્રો કરતા વહેલી સાયકલ એને આવડતી હતી, કારણ એટલું જ હતું કે એના પપ્પા જે ફેબ્રિકેશન વર્કશોપમાં કામ કરતા ત્યાં જવા આવવા માટે સાયકલ વસાવેલી. આ સાયકલ જ એમના કુટુંબની સૌથી મોટી મૂડી હતી.
એના પપ્પા ઘણી વખત એને આ સંકલ પર બેસાડીને ફેરવતા અને એ પણ સ્વપ્રયત્ને પડતા, આખડતા સાયકલ ચલાવવાનું શીખી ગયો હતો. પણ એ સાયકલ તો પપ્પાની. જે ઘરની સામે પડતી કાળી પડી ગયેલી દીવાલ પર પાર્ક થતી. સ્કુલમાં જયારે જયારે સાયકલની રેસ થતી ત્યારેત્યારે એ મિત્રોનો વારો આવી જાય પછી જ મેદાનમાં કોઈકની સાયકલ લઈને ઉતરતો અને જીતી પણ જતોજ. એ દર વર્ષે એના પપ્પા પાસે સાયકલ માંગતો અને પપ્પા આવનારા વર્ષની ખાતરી આપીને વાતને ટાળી દેતા. વર્ષો વર્ષ આવું ચાલ્યું.
વિકાસ કોલેજમાં આવ્યો અને ભણતર સાથે થોડું કમાતો પણ થયો. સાયકલનો શોખ એવોને એવોજ હતો. પણ, પૈસા આવે ને ચાલ્યા જાય. સાયકલ ક્યારેય જરૂરીઆતની લીસ્ટમાં આવી જ નહિ અને એ ક્યારેય સાયકલ લઇ શકતોજ નહીં. ઇન્ટર કોલેજ સાયકલ રેસિંગ ટીમમાં એની પસંદગી પણ થઇ ગઈ, બધાને જ થઇ ગયું કે એ વિકાસના આવવાથી હવે એની કોલેજ જ ચેમ્પિયન બનશે. વિકાસ પણ ખુબ જ ઉત્સાહિત હતો, સવાલ હતો માત્ર દરરોજની પ્રેક્ટીસનો.
દસ દિવસ બાકી હતા બસ અને એ દરરોજ કોઈકને કોઈક મિત્રની સાયકલ માંગીન પ્રેક્ટીસ કરતો પણ પોતાની એક સરખી સાયકલ હોવી અને અન્યની જુદી જુદી દરરોજ લેવી બંનેમાં ઘણો ફરક હોય છે. અર્જુન ભલે શ્રેષ્ટ ધનુર્ધારી હોય પણ દરરોજ અલગ અલગ ધનુષ લે, એના કરતા એનું ગાંડીવ જ એને શોભે કે નહિ ? આવા વિચારોમાં અને વિચારોમાં દિવસો પસાર કર્યા પણ એને કંઈ જ હાથમાં લાગ્યું નહીં.
સાત દિવસ બાકી હતા ત્યાં સવારે ઉઠ્યો અને ઘરનું બારણું ઉઘાડીને જોયું તો સામેની દિવાલ રંગાયેલી હતી અને પાર્ક થઇ હતી એક રેસિંગ સાયકલ. એ આશ્ચર્ય પામ્યો. એને પપ્પા સામે જોયું, એના પપ્પા બોલ્યા,
"મારી સાયકલ આ રહી, અને એ તારી સાયકલ છે. અને દીવાલ પણ તારી જ્યાં બે મઝાની પાંખો દોરી છે. લે સાયકલ અને ઉડ. હવે તારો ઉડવાનો સમય થઇ ગયો છે."
વિકાસની આંખમાં ઝળઝળીયા આવી ગયા.
"બેટા, આટલા વર્ષોથી કહેતો હતો કે અપાવીશ આવી સાયકલ ત્યારે તને લાગતું હતું કે હું તને ટાળી રહ્યો છું. પણ, દીકરા દર વર્ષે થોડા થોડા પૈસા બચાવ્યા કર્યા. હું વાતને ટાળતો હતો તને નહીં. પણ હવે આજે તને આ સાયકલની ખરેખર જરૂર છે. બેસ્ટ લક દીકરા."
વિકાસ રડી પડ્યો અને એના પપ્પાને ભેટી પડ્યો.