બધું જ આવડે છે
બધું જ આવડે છે
"નેહા, તું સાંજે સમયે પહોંચી તો જાઈશને ?"
ઘરેથી નિકળતાં પહેલાં સૌરભનો બે થી ત્રણ વખત પૂછેલો સવાલ મનમાં ઘૂમરી લઈ રહ્યો હતો. ભવિષ્યને તો નથી જાણતી પણ હું મારા સો ટકાના પ્રયત્નો કરીશ કે સમયે પહોંચી જાઉં. મનમાં ચાલતા સવાલ - જવાબના ચક્રવાતમાં નેહા પોતાની કાંડા ઘડિયાળમાં જોઈ ઝડપથી બિલ્ડિંગના પગથિયાં ચડવા લાગી. રિસેપ્શનિસ્ટ પાસે જઈ મોબાઈલમાં લીધેલ અપોયમેન્ટ લેટર બતાવ્યો. થોડી ઔપચારિક વાતો કરી રાહ જોવા માટે કહ્યું. સરસ ડેકોરેટ કરેલા હોલમાં ટેબલ ઉપરથી મેગેઝિન લઈ નેહા સોફા ઉપર બેઠી. ઘડિયાળમાં જોયું તો હજુ 4 વાગ્યા હતાં. અચાનક સામે રાખેલા અરીસામાં જોવાય જતાં નેહા પોતાને જોઈ મનમાં વિચારવા લાગી.
"કેટલી બદલાઈ ગઇ છું. આંખો ખૂબ ઊંડી અને કુંડાળા થઈ ગયા છે. ચામડીનો રંગ શ્યામ થઈ ગયો છે. ગાલ પાસે દાઝ પડેલી કાળી ચામડી થઈ ગઈ છે. વાળ થોડા થોડા સફેદ થવા લાગ્યા છે. ચેહરા ઉપર થાક જ લાગી રહ્યો છે. બદસૂરત તો નથી પણ ખૂબસૂરત પણ ન કહી શકાય એવો મારો લુક -દેખાવ બની ગયો છે. યુવાની ઓગળવા લાગી હોય એવું લાગે. એના માટે હું જ જવાબદાર છું. પોતાની જાત માટે સમય ન કાઢી શકી. આ ગાલ પાસે થયેલ દાઝ જેવો ચામડીનો કાળો રંગ માત્ર રસોડામાં વઘાર કરવાથી નથી થયો. ઘરથી 10 કિલોમીટર દૂર આવેલ નોકરીના સ્થળે અપડાઉન કરીને થઈ ગયો છે. આંખ નીચેના કુંડાળા માત્ર છોકરાઓ પાછળ રાત ઉજાગરા કરીને નથી આવ્યા, સાથે ઓફિસમાં લેપટોપ કે કોમ્પ્યુટર સામે સતત કામ કરીને આવ્યા છે. માથાના સફેદ વાળ ઓફિસ જવાની ઉતાવળે પૂરતો નાસ્તો પણ સવારે ન થતો. આ માત્ર અપૂરતા પોષણને લીધે માથામાં સફેદ વાળ નથી થયા પરંતુ, ઘરની જવાબદારીએ મોબાઈલમાં સતત અપડેટ રહેવાથી પણ થઈ ગયા છે. કમરનો દુખાવો માત્ર કેલ્શિયમની ખામીથી નથી, રોજ ચડ-ઉતર થતાં પગથિયાંના લીધે પણ છે. મારા આ બદલાઈ જવાનો કોઈ અફસોસ નથી, ઉલટાનું ગર્વ થાય છે કે હું ઘર, નોકરી, પરિવાર, સમાજ, વ્યવહાર દરેક માટે હમેશાં દોડતી રહી છું. ભલને દેખાવ સામાન્ય થઈ ગયો હોય તેને પણ વધુ ત્વરિત સુંદર કરતાં મને આવડે જ છે. "
હજુ પોતાના મનથી વિચાર કરતી અરીસા સામે જોઈ નેહા વધુ વિચાર કરે ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, "મેમ, પ્લીઝ આવો તમારો વારો છે."
અને બસ બે કલાકની અંદર બહાર નીકળી એ જ અરીસા સામે ઊભી રહી બોલી, "એક બ્યુટીફુલ નેહા રેડી"
પોતાના પતિના સવાલનો જવાબ પોતાના સાંજ પહેલાં સુંદર તૈયાર થઈ ભાઈના રિસેપ્શનમાં સમયે પહોંચી, આપી દીધો.
