બચત
બચત


લોકડાઉનનો ચોથો તબક્કો ચાલુ થઇ ગયો હતો. સમાજમાં ઘણા લોકો આર્થિક ભીડમાં ભરાઇ પડયા હતા. ઘણા કુટુંબો એવા હતા કે હાથ પણ લાંબો કરી શકતા ન હતા અને મનમાં ને મનમાં મુંઝાતા હતા.
કરૂણા અને અરૂણની જોડીને સમાચાર થયા હતા કે પડોશમાં જ રહેતા દિપક અને મીના આર્થીક ભીડમાં હતા અને તેમની દિકરી પણ બીમાર હતી. જોગાનજોગ કોલેજથી જ કરૂણા અને મીના સહેલીઓ હતી અને અરૂણ અને દિપક દોસ્તાર. દિપક બિન્દાસ સ્વભાવનો અને ઉડાઉ હતો અને આડેધડ ખર્ચ કરી નાખતો જ્યારે કરૂણ હતો ખુબ જ ગણતરી કરનારો અને કરકસરથી ચાલનાર. દિપક તેની ઘણીવાર મસ્તી કરતો અને કહેતો સાલા, તું તો કંજૂસ છો, એક એક રૂપિયો બચાવી ને તું શું કરી લેવાનો છો? શું બચાવી લેવાનો છો? ઘણીવાર તો કરૂણાને પણ એવું લાગતું કે અરૂણ પોતાની જાત પાછળ ખર્ચ કરવામાં ખુબ કંજૂસ છે.
પડોશમાં રહેતા હતા એટલે, લોકડાઉનમાંથી થોડી છૂટછાટ લઇને પણ દિપક અને મીનાની દિકરીની પૃચ્છા કરવા ઘેર ગયા. એમને મળ્યા એટલે ખ્યાલ તો આવી ગયો કે એમની આર્થિક હાલત પણ ખુબ પતલી હતી. દિપક મદદ માંગી તો ના શક્યો, પણ એનું મોઢું ચાડી ખાતું હતું કે તેને આર્થીક મદદની સખત જરૂર છે. આમેય, અરૂણ જેવો કંજુસ એને શું મદદ કરવાનો હતો ?
કરૂણા અને અરૂણાના ગયાના અર્ધા કલાકમાંજ દિપકના ખાતામાં ગુગલ પે દ્વારા અરૂણે ૫૦,૦૦૦/- રૂપિયા જમા કરાવી દિધા. દિપક તો માનવા જ તૈયાર ન હતો કે અરૂણે એનાથી વાત કર્યા વગર જ તેના ખાતામાં ૫૦,૦૦૦/- જેવી રકમ જમા કરાવી દે. દિપકે આંખમાં ઝળઝળીયા સાથે અરૂણને ફોન કર્યો ત્યારે અરૂણે કહ્યં હતું કે ભાઇ, મૂંઝાતો નહીં, વધુ જોઇએ તો જાણ કરીશ. મેં કરેલી બચત જો આવા સમયે કામ નહીં આવે તો ક્યારે આવશે ? અને એક વણમાંગી સલાહ પણ આપી દઉ ? ભાઇ, થોડી બચતની આદત નાખ. સમય ક્યારે બગડે છે તેની થોડી ખબર પડે છે? આવા સમયે, બચાવેલો પૈસો જ આપણને બચાવે છે?
કંજૂસ અરૂણની ઉદારતા ઉપર દિપકને ખુબ માન ઉપજ્યું. એણે અરૂણને આભાર માનતો મેસેજ કર્યો અને જાણ કરીકે હું આજથી જ બચત કરવાનો પ્રણ કરૂં છું અને તેના ભાગરૂપે તે મોકલેલ ૫૦,૦૦૦/- ના ૧૦% બચત માટે અલગ કરી દિધેલ છે. તારા જેવા સારા માણસે મોકલેલ પૈસા મારા માટે ખુબ શુકનિયાળ નિવડશે એટલી મને ખાતરી છે. અને હા, તારા પૈસા હું બને તેટલા જલ્દી થી પાછા આપી દઇશ અને હવેથી હું તંબાકુ અને સીગરેટ જેવી આદતોને તિલાંજલિ આપું છું અને એના થી બચતા પૈસા પણ હું બચત માં નાખીશ. બાકી કોઇ ફોર્માલીટી તારા સાથે કરતો નથી.
આજે અરૂણને પોતાની ‘બચત’ દરેક રીતે સાર્થક થતી લાગી.