nayana Shah

Inspirational

4.7  

nayana Shah

Inspirational

બારમો ખેલાડી

બારમો ખેલાડી

6 mins
589


"મમ્મી આ તારો આખરી નિર્ણય છે ? મને લાગે છે કે તું જે કંઈ કરી રહી છું એ ખોટું જ છે. તારી જગ્યાએ હું હોઉ તો ત્યાં ફરીથી પગ પણ ના મૂકું. ત્યાં તારૂ સ્થાન શું ? ક્રિકેટના બારમા ખેલાડી જેટલું ! ઠંડા પીણા લઈને જવાનું, કોઈને ઈજા થાય તો ફિલ્ડિંગ ભરવાની અને.. "

"બસ, મારે આગળ એક શબ્દ પણ સાંભળવો નથી મેં જે કંઈ નિર્ણય લીધો છે એ સમજી વિચારીને લીધો છે. તમને ભલે તોડતાં આવડતું હોય મને તો જોડતાં જ આવડે છે. "

‌વનિતા ને થયું કે એની મમ્મી એની જક નહિ છોડે. ખરેખર ભગવાને એને ફુરસદના સમયે ઘડી હશે. કદાચ મમ્મીની જગ્યાએ બીજી કોઈ પણ વ્યક્તિ હોય તો ના જ જાય. પોતે કેટલાં ગર્વથી કહેતી હતી કે અમારા કુટુંબ જેવો સંપ કયાંય નહિ હોય. એકસાથે રપ માણસો રહેતાં હોય અને એ પણ સંપીને ... એવું કયાંય જોવા ના મળે. અમે કયારેય લડાઈ ઝગડા જોયા નથી. બધા સગા ભાઈ બહેનની જેમ રહીએ છીએ. અજાણી વ્યક્તિને એ પણ ખબર ના પડે કે કોણ અમારા કાકા કાકી છે અને કોણ અમારા મમ્મી પપ્પા છે. એને સાસરે વળાવી ત્યારે આખા ઘરના સભ્યો હિબકે ચઢેલા. માબાપની એકની એક દીકરી હતી. પરંતુ સંયુક્ત કુટુંબને કારણે એને માબાપની ચિંતા જ કયાં હતી ? બે કાકાઓને બહારગામ નોકરી મળી ગઈ તેથી તેઓ એમના પરિવાર સાથે નોકરીના સ્થળે જતાં રહ્યાં. એક કાકા પરિવાર સહિત અમેરિકા જતાં રહ્યાં. ઘરમાં મોટા કાકાના બે દીકરાઓ એમના પત્ની એ બંનેના બબ્બે બાળકો અને મોટા કાકા કાકીથી ઘર ભર્યું ભર્યું રહેતું હતું. એ એના પતિને વારંવાર કહેતી મને મારા માબાપની ચિંતા જ નથી. કાકી અને મારી મમ્મી તો સગી બે બહેનોની જેમ રહે છે. કદાચ બે સગી બે બહેનો વચ્ચે પણ સંપ ના હોય એટલો સંપ દેરાણી જેઠાણી વચ્ચે છે. વ્યવસ્થિત રીતે બધું ચાલતું હતું. લગ્નના દસેક વર્ષ બાદ એના પિતાનું અવસાન થયું ત્યારે પણ એને એની મમ્મી ને કહેલું કે, "થોડા દિવસ માટે મારે ઘેર રહેવા ચલ" પરંતુ તે વખતે પણ એના મમ્મીએ કહ્યું, "હું પણ તારે ત્યાં આવું તો આ ઘર ખાલી થઈ જાય. કારણકે કાકાના નાના દીકરાને પણ મુંબઈમાં નોકરી મળી ગઈ છે. પછી ઘરમાં કાકા કાકી, એમનો મોટો દીકરો એની પત્ની અને બે બાળકો જ રહે. આવા સંજોગોમાં હું કંઈ રીતે તારે ત્યાં આવું ? "

વનિતાને મમ્મી ની વાત યોગ્ય લાગી હતી. જોકે એની પાછળ એને એ વાતનો સંતોષ હતો કે મમ્મીની પાસે કાકા કાકી તથા મારા ભાઈ ભાભી તથા ભત્રીજા છે. મમ્મીની ચિંતા કરવા જેવું તો કંઈ હતું જ નહીં. એની મમ્મી અને કાકી તો જાણે કે બે સગી બહેનો જ જોઈ લો. એનું પણ એક કારણ હતું કે એમના લગ્ન વખતે જ એમને કહી દેવામાં આવેલું કે તમે તમારા પિયર મળવા ભલે જાવ પણ રહેવા તો તમને કયારેય જવા નહિ મળે. તમારા પિયરમાંથી જો કોઈ મળવા આવશે તો એમને સન્માન સહિત આગતાસ્વાગતા કરવામાં આવશે. તેથી લગ્ન બાદ ચાલીસ વર્ષ સુધી બંને જણાં હળીમળીને રહેતા હતાં. પરંતુ બધા દિવસો બધાના સરખા જતાં નથી. કાકાના મૃત્યુ બાદ મોટા ભાઈના મનમાં એવું થવા લાગ્યું હતું કે કાકા હયાત હતાં ત્યાં સુધી તો એ ઘરમાં પૈસા આપતાં હતાંં હવે પપ્પા મમ્મી કાકી ના પૈસા ના લે એ કેવી રીતે ચાલે ? કાકા તો અઢળક ધનસંપત્તિ મૂકી ને ગયા છે. એ પૈસા કેમ ના આપે ? તેથી જ દીકરા વહુ સાસુ સસરાની બીકે કંઈ બોલે તો નહિ પણ એવું વર્તન કરતાં જાણે કે કાકીનું ઘરમાં કંઈ અસ્તિત્વ જ ન હોય. જયાં સુધી એની જેઠાણી જીવતી હતી ત્યાં સુધી તો એ એની પડખે રહેતી. પરંતુ એ એટલી બધી અબુધ ન હતી કે આડકતરી રીતે એનું થતું અપમાન એ સમજી ના શકે. જયારે જેઠાણીનું મૃત્યુ થયું ત્યારે એને સખત આઘાત લાગ્યો હતો. તેથીજ એને છાતીમાં દુઃખાવો ઉપડ્યો. એના જેઠ એને રિક્ષામાં દવાખાને લઈ ગયા પરંતુ એના પતિના પૈસે ખરીદેલી કારમાં લઈ જવાની જેઠના દીકરાએ ના પાડતાં કહ્યું, "એમ્બ્યુલન્સ બોલાવી લો ને. એમાં કાર કાઢવાની શું જરૂર છે ? " પરંતુ એનામાં એટલી ખાનદાની હતી કે એ બોલી, "બરાબર છે હું મોટાભાઈ જોડે રિક્ષામાં દવાખાને જતી રહીશ. " વાત એટલેથી અટકી હોતતો વાંધો ન હતો પરંતુ એને વનિતા ને ફોન કરીને કહ્યું કે", તારી મમ્મીની જવાબદારી તારી છે એની સારવાર કરવાની જવાબદારી તારી છે અમારી નહિ. "

થોડા કલાકો બાદ વનિતા અને એનો પતિ હાજર થઈ ગયા. બોલ્યા, "અમારા શહેરમાં મમ્મીની સારવાર સારી થશે. અમે મમ્મીને અમારી સાથે લઈ જવા આવ્યા છીએ. વનિતાની મમ્મી એ જોયું કે જેઠ ની આંખોમાં આંસુ છે. પરંતુ નવી પેઢી આગળ દલીલ કરવાની જરૂર જ કયાં હતી ? એ ચૂપચાપ દીકરી જમાઈ જોડે જતી રહી. મનમાં બોલી, " જેવી મારા ઠાકોરજીની ઈચ્છા ".વનિતાની મમ્મી સુનિતાના રિપોર્ટ અનુસાર તો એને બાયપાસ સર્જરી કરાવવી પડે એમ હતું. વનિતાએ કાકા ને સમાચાર આપ્યા. ત્યારબાદ કાકાના ફોન દરરોજ આવતો. બહારગામ રહેતા બીજા કાકાઓના પણ ફોન આવતાં. પરંતુ કાકાના મોટા દીકરા અજીતનો કયારેય ફોન ના આવ્યો.

મોટાકાકા એકાદવાર વાત કરતાં રડી પડ્યા હતાંં. બોલેલા પણ ખરા, "મારી ઈચ્છા સુનિતા ની ખબર કાઢવા આવવું જ છે. પણ.... "

"કાકા, તમે કંઈ જ ના બોલતાં તમારો પ્રેમ હું સમજી શકું છું"

સુનિતાને બાયપાસ સર્જરી કરાવતાં પહેલાં સમાચાર મળ્યા કે કાકા અવસાન પામ્યા છે. સુનિતા તો બાયપાસ સર્જરી પછી સાજી થઈ ગઈ હતી. વનિતા ઈચ્છતી ન હતી કે ઘરના ઝગડાની વાતો મમ્મીના જાણ માં આવે. પરંતુ એક દિવસ સુનિતાના હાથમાં એક કાગળ આવ્યો. એ કાગળ સામાન્ય ન હતો, એ તો એક વકીલની નોટિસ હતી. બંને ભાઈઓએ થોડી જમીન લીધી હતી. તે ઉપરાંત બે બંગલા પણ હતાંં. વનિતાના પપ્પા કહેતાં, "મોટાભાઈ, નામમાં શું રાખ્યું છે ? હું ને તમે કયાં જુદા છીએ ! જોકે નાનો ભાઈ કહેતો, " મોટાભાઈ, મારે તો એક જ દીકરી છે પણ તમારે તો બે દીકરા છે. મારી આવક તો ઘણી છે. આપણા દીકરા સુખી થાય એ થી વધુ શું જોઈએ ? મારી દીકરી તો પરણીને સાસરે જતી રહેશે. "

ત્યારબાદ તો થોડી ઘણી જમીન દીકરીના નામે પણ લીધી. એક બંગલો પણ લીધેલો જેની જાણ મોટાકાકા તથા સુનિતાને જ હતી. એ કાગળો સુનિતાના લોકર માં જ પડ્યા હતાંં.

જયારે જેઠના છોકરા એ કહ્યું, "આ બધી જ મિલકત પર અમારો જ હક છે.એમાં તારો કોઈ જ અધિકાર નથી. અમે આ મિલકત વેચી દેવાના છીએ. સુનિતાને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો. જયારે થી એના પતિ નું મૃત્યુ થયું હતું. આ દિવસ ની એણે કલ્પના કરી જ હતી. તેથીજ એને દીકરીને બોલાવી ને કહ્યું, " બેટા, એ પણ તારા ભાઈ ઓ છે. કોઈ નસીબમાંથી લઈ જઈ શકતું નથી. જિંદગીમાં પ્રથમ સ્થાન પ્રેમનું જ હોવું જોઈએ. પૈસા માટે સંબંધ ના બગાડાય. ઈશ્વરે આપણને ઘણું આપ્યું છે. આટલા વર્ષો અમે બધા તો પ્રેમથી રહ્યા જ છીએ ને ! માની લે એ પ્રેમની કિંમત ચુકવી એવું માનજે. "વનિતાનાે પતિ આ ઝંઝટ માં પડવા માંગતો જ ન હતો. પરંતુ બધા દિવસો એક સરખા જતાં નથી એ મુજબ જ એક દિવસ અજીત ની પત્નીને તાવ આવવાથી ગરમી માથે ચડી ગઈ. એની યાદ શકિત ધીરે ધીરે જતી રહેવા લાગી. નાના એના બે બાળકો ની હાલત તો એથી પણ ખરાબ થઈ ગઈ હતી. વનિતા એ સાંભળ્યું ત્યારે એને કહ્યું, " ઈશ્વર અહીં ને અહીં બધો ન્યાય કરે છે."

સુનિતા આ સાંભળતાં જ ગુસ્સે થતાં બોલી, "એ તારા ભાઈ ઓ છે તારા થી આવું બોલાય જ નહીં. અને મારો આખરી નિર્ણય પણ જાણી લે કે હું ત્યાં જઉં છું. એ મારુ ઘર છે. હું પરણી ને એ ઘરમાં ગઈ છું. એ ઘર પ્રત્યે મારી ફરજ છે. " વનિતા પણ ગુસ્સો કરતાં બોલી, "તને કોઈ એ બોલાવી છે ? એ ઘરમાં તારુ સ્થાન બારમાં ખેલાડી જેવું છે. જ્યારે કોઈ ખેલાડીને ઈજા થાય કે તરત બારમો ખેલાડી ફિલ્ડિંગ ભરવા જાય. ઠંડા પીણાં લઈને જાય. તું ત્યાં કઈ રીતે જઈ શકે ? મમ્મી તારે નથી જ જવાનું. " વનિતાનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ સુનિતાએ જવા માટે બેગ તૈયાર કરી દીધી હતી. 

સુનિતા ત્યાં પહોંચી કે તરત અજીતના બંને દીકરાઓ સુનિતા ને વળગી પડયાં. દિવસો પસાર થતાં હતાંં. સુનિતાએ ઘર સંભાળી લીધું હતું. વનિતાનો અવારનવાર ફોન આવતો અને પૂછતી, "મમ્મી તું કયારે પાછી આવીશ ? એમને એમના હાલ પર છોડી દે ખબર પડશે ! "

"બેટા, તું કહેતી હતી ને કે તારુ સ્થાન બારમા ખેલાડી જેવું છે. પરંતુ નવા નિયમ પ્રમાણે બારમો ખેલાડી રનર તરીકે નથી જતો. એ તો ઈજાગ્રસ્ત ખેલાડી ને બદલે એની જગ્યાએ બેટિંગ કરવા જાય છે. એટલે એનું સ્થાન ટીમમાં જ ગણાય. હવે મારું સ્થાન અહીં જ છે. પણ ટીમ ના સભ્ય તરીકે, નહિ કે બારમા ખેલાડી તરીકે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational