બાંધી મુઠી લાખની.
બાંધી મુઠી લાખની.
લાલિયા ડોનના એન્કાઉન્ટર પછી તેની પ્રેમિકા લીલીએ લેડી ડોન તરીકે ગેંગનો કબ્જો લીધો. તેનું ખતરનાક શસ્ત્ર હતું, તેનું યૌવન અને રૂપ. તેના મોહપાશમાં બંધાઈને, કૈંક ખતરનાક યુવાનો તેની ગેંગમાં કામ કરતા હતા. પપ્પુ બેટરી પણ તેમનો જ એક હતો. પણ તે ખુબ જ સોહામણો હતો. તેનો ચહેરો પણ અત્યંત માસુમ હતો, અને આ જ કારણે, તે આજ સુધી પોલીસની નજરથી બચી શક્યો હતો.
લેડી ડોન લીલીની એક ખતરનાક યોજના મુજબ શહેરના અતિ ધનાઢ્ય શાંતિલાલ શેઠની એક માત્ર સંતાન પારુલને પપ્પુએ પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી શેઠ પાસેથી મોંમાગી રકમ પડાવવાની હતી. પારુલ અત્યંત સ્વરૂપવાન તેમજ નમણી હતી. ઘણા સમય પછી પપ્પુ તેને પટાવવામાં સફળ થઇ જ ગયો.
કાળું ખબરી ઇન્સ્પેક્ટર રાણાને લીલીની કૈંક અગત્યની માહિતી આપી રહ્યો હતો, ત્યારે પ્લાન મુજબ પપ્પુ, પારુલને લઈને, પોતાની કારમાં, લોન્ગ ડ્રાઈવ પર નીકળ્યો. ભયાનક અંજામથી બેખબર પારુલ, પપ્પુને મન મૂકીને પ્રેમ કરી રહી હતી. પપ્પુને તેની દયા આવી ગઈ. પણ આ ધંધામાં દયાને તો ક્યાં સ્થાન જ હતું ? પારુલના સાચા પ્રેમ સામે એક વખત તો પપ્પુને થઇ ગયું કે રસ્તો બદલીને તે પારુલને લીલીની નજરોથી ક્યાંક દૂર દૂર લઈને ભાગી જાય, કારણકે તેના જેવા ગુનેગાર યુવાનને આવી સંસ્કારી યુવતી ક્યારેય મળવાની ન હતી. પણ લેડી ડોન લીલીનો ચેહેરો નજર સામે આવતા જ તે ઢીલો પડી ગયો.
એક કલાક લોન્ગ ડ્રાઈવે કરીને પપ્પુ ત્યાં પહોંચ્યો જ્યાં લીલી પહેલેથી જ હાજર હતી. કારને આવતા જોઈને લીલી આગળ વધી; પણ તે જ વખતે નજીકમાં જ છુપાયેલા ઈન્પેક્ટર રાણા એ લીલીને શરણે આવવા ત્રાડ પાડી, લીલીએ ફાયરિંગ શરુ કર્યું પણ રાણા તે માટે તૈયાર જ હતો. તેણે લીલીના શરીરમાં છ એ છ ગોળી ધરબી દીધી.
આજે પારુલના અને પપ્પુના લગ્ન થઇ ચુક્યા છે અને તેઓ બે બાળકોના માતા પિતા પણ બની ચુક્યા છે. શાંતિલાલ શેઠે બધો જ વહીવટ પપ્પુને સોંપી દીધો છે અને હવે નિવૃત જીવન ગાળે છે, ત્યારે પપ્પુ વિચારે છે કે બાંધી મુઠી લાખની.

