હાથી જીવતો લાખનો મરે સવા લાખનો
હાથી જીવતો લાખનો મરે સવા લાખનો
ચંદુની પટાવાળાની નોકરી ચાલુ હતી ત્યાં સુધી તો કંઈ વાંધો આવ્યો નહીં પણ રિટાયર્ડ થયા પછી પેન્શનની રકમમાંથી માંડ માંડ ગુજરાન ચાલતું. ગ્રેજ્યુઈટીની રકમ બેંકમાં માસીક આવક યોજનામાં મૂકી. દર મહિને તેનું વ્યાજ આવતું તેથી થોડો ટેકો રહેતો. ૪૦ વરસનો દીકરો કંઈ કરતો નહીં. આખો દિવસ રખડ્યા કરતો તેની વહુ અને બે બાળકોની જવાબદારી પણ ચંદુ પર જ હતી.
ટૂંકી માંદગી પછી ચંદુ જ્યારે અવસાન પામ્યો અને પેન્શન આવતું બંધ થઈ ગયુ પછી તો પરિસ્થિતિ ખૂબ જ વણસી ગઈ. પણ તેમ છતાં ૪૦ વરસના બે બાળકોના પિતાને કંઈ કામધંધો કરવાનું ન સૂઝ્યું. હવે આવકમાં માત્ર વ્યાજની જ અપુરતી રકમમાં પૂરું કરવું મુશ્કેલ જણાતાં મૂડીમાંથી ઉપાડ શરૂ થયો. આમ મૂડી ધીમે ધીમે ખવાતી જશે તો શું થશે તેવા વિચારે તે અવારનવાર વ્યથિત થઈ જતો. તેને કંઈ પણ સૂઝતું ન હતું. બે ચાર ઓળખીતા પાસે નોકરીની વાત પણ કરી પણ કોઈ વાત બની નહીં.
ઘેરી નિરાશામાં તે શૂન્યમનસ્ક બની ગયો. ભાવીની ભુતાવળે તેને અંદરથી હચમચાવી દીધો. દૂર દૂર સુધી કોઈ પણ આશાનું એકેય કિરણ નજરે પડતું ન હતું. ભરડો લઈ જતી ગરીબી ધીમે ધીમે પોતાની ભીંસ વધારતી જશે ત્યારે હતોત્સાહ થઈ ને જોઈ રહ્યા સીવાય તેની પાસે કંઈ નહીં હોય તે વિચારે તેને અધમૂવો કરી નાખ્યો.
એક દિવસ કુરીયર વાળાએ આવીને તેને એક પત્ર આપ્યો. તેણે ખોલીને જોયો તો વિમાનું પ્રિમિયમ ભરવાની નોટીસ હતી તે લઈને તે એલ.આઈ.સી.ની ઓફીસે ગયો. ત્યારે તેને ખબર પડી કે પપ્પાએ ત્રણ વરસ પહેલાં તેમનો પોતાનો વીશ લાખનો વિમો ઉતરાવ્યો હતો.
મનોમન તે પોતાના પપ્પાની દુરંદશીને વંદન કરી રહ્યો. અને બોલ્યો હાથી જીવતો લાખનો પણ મરે તો સવા લાખ નોકરી.
