ઈડરીયો ગઢ જીત્યો
ઈડરીયો ગઢ જીત્યો
જૂલી દસમા ધોરણમા આવી ત્યારથી માનસીક તાણ અનુભવતી હતી. તેને ખબર પડી ગઈ હતી કે જો ઓછા માર્કસ આવ્યા તો જીંદગીમાં હતાશા વગર કંઈ વધશે નહી. આખુ વર્ષ ખુબ મહેનત કરી અને થકવી નાખે તેવુ તાણ અનુભવ્યુ. પરિણામને દિવસે તો તેનો જીવ ચૂંથાવા લાગ્યો. આખરે પરિણામ આવ્યુ. તે ખુબ સારા માર્કસ સાથે પાસ થઈ. તેને થયુ હાશ ! ઈડરીયો ગઢ જીત્યો.
આવી જ હાલત બારમા ધોરણમાં પણ થઈ. તે સારા માર્કસ સાથે પાસ થઈ. તેને ફરીથી થયુ કે હાશ ! ઈડરીયો ગઢ જીત્યા. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન વખતે પણ તેને લાગ્યુ કે તે ઈડરીયો ગઢ જીતી ગઈ છે.
તુષાર સાથે પ્રેમ થયો. બે વર્ષ સુધી સતત જબરજસ્ત માનસીક દબાણ પછી તેની સાથે લગ્ન થયા ત્યારે પણ થયુ હાશ ! ઈડરીયો ગઢ જીત્યો.પ્રથમ ડીલીવરી વખતે પણ ખુબ જ માનસીક તાણ અને શારીરિક વેદના પછી તેને થયુ કે હાશ ! ઈડરીયો ગઢ જીત્યો.
નોકરી પણ સતત તાણ યુકત હતી. દિકરા દિકરીના લગ્ન વખતે તો તે સાવ લેવાઈ જ ગઈ. પણ પછી થયુ હાશ ! ઈડરીયો ગઢ જીત્યો.
આજે તે એંસી વર્ષની છે. સતત તાણ ભરી જીંદગીએ તેને કેન્સરની રોગી બનાવી દીધી છે. અસહ્ય પીડા થકી તેને એમ થાય છે કે હવે તો મોત આવે તો સારૂ. અને એક દિવસ તે આ ઈડરીયો ગઢ પણ જીતી ગઈ.
