બાજી
બાજી
"કિરણના ખોળાની વસ્તુઓને રંજનનો હાથ ન લાગે તે ધ્યાન રાખજો." પ્રેમાળ દેરાણીને શ્રીમતનાં પ્રસંગથી દૂર રાખવાની વાત કહેતા મીનાનું હૈયું ચીરાયું, પણ શું થાય ? એકમાત્ર દીકરા પિયુષના આવનાર બાળક એટલે કે કુટુંબનો વારસદાર માટે કોઈ સમાધાન કેમ કરવું !
સંબંધે રંજન તેની દેરાણી જ નહીં પણ માસીની દીકરી પણ. માસી-માસાના આકસ્મિત મૃત્યુ પછી મા અનાથ રંજનને ઘરે લઈ આવેલી. તેની અને રંજનની ઉંમરમાં ખાસો ફેર નહીં. પોતાને કોઈ ભાઈ-બહેન નહીં એટલે બંને સાથે રમતાં-ઝગડતાં મોટાં થયાં. બસ ત્યારથી ક્યારેય છૂટાં ન પડ્યાં. પરણ્યા પણ એક જ ઘરમાં અને એક જ માંડવે સાસરે આવ્યાં પછી કામમાં અવ્વલ રંજન તેનું કેટલું બધું કામ સાચવી લેતી!
કોઈએ મોંઢા પર ન કહ્યું પણ કિરણના દિલ સૂધી અવગણનાની ઝલક પહોંચી ગઈ. વર્તન બદલાઈ ગયું. એક સવારે ખાલી પથારી પર નાનકડી ચિઠ્ઠીમાં દિલની વાત વહેતી મૂકી ખોવાઈ ગઈ.
"મને સોયનો બહું ડર લાગે છે." ઇંજેક્શન લઈને ઉભી નર્સને જોતાં માજી કાલાવાલા કરવા લાગ્યાં.
"તમારા કોઈ જન્મનાં પાપ હશે તે ભોગવવા તો પડે ને ?" ઇંજેક્શનની સોય ચામડીને અડતાં તેમના મોંમાંથી ચીસ નીકળી પડી, નર્સનો હાથ પકડી લીધો.
"દૂર રહો હાથ ન પકડો માજી તમે. મને ચેપ લાગશે તો મારા છોકરા રવડી જશે." નર્સ બોલવાનું પૂરું કરે ત્યાં તો માઈ આવી પહોંચ્યાં.
"દર્દી સાથે આવું વર્તન ?" માઈએ દર્દીનો ધૂજતો હાથ પકડી દીધો.
જાણીતો સ્પર્શ માઈના દિલના તાર હચમચાવી ગયો.
"મીના, મારી બહેન તું!" માઈને દર્દીને ભેટતાં જોઈ, તેમના વિષે અજાણ ત્યાં ઉભા ડોક્ટર ચોંક્યા.
"રંજન તું ક્યાં જતી રહી હતી?"
માઈનો કેટલા વર્ષ જૂનો બંધ તૂટ્યો. "પિયુષ મારો જ દીકરો ને ? પિયુષ-કિરણના બાળકને હેતથી નવડાવી દઈશ એમ વિચારતી હતી પણ તારા મુખેથી સંભળાયેલા શબ્દોમાં ઉપેક્ષા સાથે હૃદયની ભીનાશ ઓછી થતી જણાઈ હતી. ઘરેથી નીકળી તો ગઈ પણ ક્યાં જવું તે ખબર ન પડી એટલે મંદિરના ઓટલે જઈ બેઠી. વ્યથાથી કણસતા મારા દિલને આશ્વાસન આપું ત્યાં એક સ્ત્રીનો કણસવાનો અવાજ આવ્યો. મન ન માન્યું એટલે એ રક્તપિત્તથી પીડિત સ્ત્રીને રક્તપિત્ત કેન્દ્ર સૂધી પહોંચાડી બહાર નીકળતી હતી ત્યાં નર્સના શબ્દો સાંભળી મારા પગ અટકી ગયાં,"સડેલાં માણસને મૂકવા હરકોઈ આવે છે સેવા કરવા કોઈ નથી આવતું. બસ પછી મારા પગ અને મન બને અહીં ટકી ગયાં. હવે મારી આ જ દુનિયા. મારે માથે બધી જવાબદારી સોંપી ટ્રસ્ટીઓ એક પછી એક સ્વધામ પહોંચી ગયા. હવે હું જ સાંભળું છું બધું. પણ બહેન તું અહીં? મઘમઘતા સંસારમાંથી તારે કેમ અહીં આવવું પડ્યું?"
"લહેરાતા મોલને જોઈ તે ધરતીની ફળદ્રુપતાની કલ્પના કરી લીધી હતી બેન. મોલને લાગેલા સડા તરફ તારું ધ્યાન જ ન ગયું ? તને મારી ભરેલી કૂખની ઈર્ષ્યા હતી. હું મારા વારસદારને મારું અભિમાન માનતી. મને હાથના કરેલા હૈયે વાગ્યાં. નાનું એક ચાંદુ થતાં બધાં દૂર થવા લાગ્યા. થોડા વખતમાં માથેથી ચાંદલો શું ભૂંસાયો કે મારો વારિસ મને લાવારિસ બનાવી અહીં મૂકી ગયો. ઈશ્વરે તો અહીં મરુભૂમિમાં મોલ લહેરાવી ઉર્વરાને શરમાવી દીધી છે. મને માફ કરી દે બહેન!" ક્ષમા માંગતા જોડાયેલા હાથ રંજનમાઈએ પકડી લીધા.
હાર-જીત ભૂલી બંને રમતવીર નવી બાજી રમવા સજ્જ થઈ ગયાં.