બાદશાહત
બાદશાહત


ધોબીઘાટની બાજુમાં પાંવભાજી-પિત્ઝાની હોટલ ખુલી. રઘુના પેટમાં જરાક ફાળ પડી.
“અહીયાં બે છોકરાં સહિત ચાર જણાના પરિવારનું માંડ માંડ પૂરું થાય છે ત્યાં આ આકર્ષણ ક્યાં નજીક આવ્યું ? હું અને રમલી તો સમાધાનથી ટેવાઈ ગયાં છીએ પણ ચકો અને ગગી ! એ તો નાનાં છે.”
વિચારોમાંને વિચારોમાં મનની અકળામણને રઘુ પથ્થર પર કપડાં પછાડતો રહ્યો. પાઉંભાજી-પિત્ઝાના પાર્સલ લઇને જતા સ્કુટર સામે ચકો અને ગગી લોલુપ નજરે જોઈ રહેતાં. પણ કશું મળવાનું નથી જાણીને નજર ફેરવીને ધોબીઘાટના પથ્થર પર ચડ-ઉતર કરીને રમતાં રહેતાં. રઘુ સમજતો પણ લાચારી ઘેરી વળતી.
એક દિવસ સવારે રોજની જેમ પાણીનું ટેન્કર ઠલવાયું. રઘુએ બંને છોકરાંઓને બોલાવ્યાં અને કહ્યું,
“આખી ટાંકી ભરી છે. ગરમી બહુ છે. રોજ તો બે ડબલાં જ નહાવા મળે છે. તે આજે પાણીમાં મજા કરવી છે ?”
અને દસ મિનિટ પછી પાણીની જાહોજલાલી માણતાં ચકા અને ગગીને રઘુએ પૂછ્યું,
“પાંવભાજી તો પાંચ મિનિટમાં ખવાઈ જાય, આ તો કલાક સુધી મજા કરવા મળે. બોલો સાચું ને !”
પોતાની મસ્તીમાં મસ્ત અને ઘણા દિવસે ખૂબ પાણીમાં નહાવા મળ્યું એના આનંદમાં નિર્દોષ બાળપણ રઘુ સાથે સહમત થઈ ગયું.
“હે ઇશ્વર, આટલી બાદશાહત બાળકોને પૂરી પાડી શકું એટલી મને શક્તિ આપતો રહેજે.” રઘુ આકાશ સામે જોઇને સ્વગત્ બોલીને કામે વળગ્યો.