બાબાઇંસા કી જય...
બાબાઇંસા કી જય...
શહેરથી દુર આવેલી બાબાઇંસા વસ્તી પાસે બિલ્ડર તનેજાએ ડ્રાઈવરને તેની કાર ઉભી રાખવા માટે કહ્યું. કારમાંથી ઉતરી તનેજા વસ્તીની એ વિશાળ જગ્યાને નિહાળવા લાગ્યા. તેમની પાછળ પાછળ તેમનો આસિસ્ટન્ટ મહેતા પણ આવીને ઉભો રહ્યો. બિલ્ડર તનેજાએ તેની પ્રિય હવાના સિગાર પોતાના કિંમતી લાઈટર વડે સળગાવી અને તેની ધુમ્રને હવામાં ઉડાડતા કહ્યું, “મહેતા, આ સામે આવેલી વસ્તી જુએ છે ને... આપણો નવો પ્રોજેક્ટ આ વસ્તીની વિશાળ જગ્યાએ શરૂ કરવાનો છે. આ જમીન પર મારી ક્યારની નજર હતી. તેને ખરીદવાની સઘળી કાર્યવાહી સુપરે પૂર્ણ થઇ ગઈ છે... હવે મને ચિંતા છે તો બસ આ વસ્તીને હટાવવાની.”
મહેતા કંઈક વિચારીને બોલ્યા, “માલિક, બાબાઇંસા વસ્તીના લોકો આ જગ્યા છોડવા જરાયે તૈયાર નહીં થાય.”
બિલ્ડર તનેજાએ કહ્યું, “તેની ચિંતા તું ના કરીશ... મેં તને આ વસ્તીની માહિતિ કઢાવવા કહ્યું હતું તેનું શું થયું?”
મહેતાએ કહ્યું, “માલિક, આ વસ્તીની મેં આખી જન્મકુંડળી કઢાવી લીધી છે. આ વસ્તીમાં “ઇનસા” અને “પરીકાન” નામના બે આદિવાસીના કબીલા રહે છે. વર્ષો પહેલાં આ કબીલાના લોકોમાં આપસમાં લડાઈઓ થતી રહેતી પરંતુ આજે તેઓ ખૂબ હળીમળીને રહે છે.”
બિલ્ડર તનેજા, “તેમની આપસી લડાઈનું કારણ?”
મહેતા બોલ્યા, “આ બંને જૂથના લોકો પોત-પોતાના દેવતાને શ્રેષ્ઠ માને છે. ઇનસા કબીલાના દેવતા અલામાંકુલ અને પરીકાન કબીલાના દેવતા જીલાબોરા છે. પૂર્વે પરીકાન કબીલાના લોકો ઇનસા પર તેમના દેવતા જીલોબોરાને શ્રેષ્ઠ ગણી તેની પૂજા અર્ચના કરવા દબાણ કરતા. સામી બાજુ ઇનસા પોતાના દેવતા અલામાંકુલને શ્રેષ્ઠ ગણતા હોવાથી તેમની વાતનો વિરોધ કરતા. બસ આના લીધે બંને વચ્ચે તકરાર થતી રહેતી. ક્યારેક ક્યારેક પરિસ્થિતિ ખૂબ વણસી જતી અને બંને કબીલામાં સાંપ્રદાયિક લડાઈયો ફાટી નીકળતી. જેમાં બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં માર્યા જતા.”
બિલ્ડર તનેજા, “તો હવે આ લોકો વચ્ચે ઝઘડા કેમ નથી થતાં?”
મહેતા, “આનું કારણ છે બાબાઇંસા... માલિક, એ મહાત્માના નામ પરથી જ આ વસ્તીનું નામાભિધાન થયેલું છે. બંને કબીલાના લોકો આ બાબાઇંસાને દેવતાતુલ્ય ગણે છે. બાબાઇંસાએ આગવી સુઝબુઝથી આ બંને કબીલા વચ્ચે સુલેહ કરાવી. તેમના એક વાક્યને પરિણામે બંને કબીલાના લોકો વેરઝેર ભૂલી એકબીજા સાથે હળીમળીને રહેવા લાગ્યા.”
બિલ્ડર તનેજાએ પૂછ્યું, “કયું વાકય?”
મહેતા, “અગર તુમ આપસ મેં ઐસે હી લડતે રહે તો એકદિન બસ્તી કે નામ પર યહાં રહેંગે તૂટે ઝોંપડે ઔર કટી લાશો કી યાદેં... માલિક, આ બંને કબીલાના લોકો આજેપણ બાબાઇંસાને દેવતા તુલ્ય ગણી તેની પૂજા કરે છે.”
બિલ્ડર તનેજાએ કહ્યું, “મહેતા, અંગ્રેજો ભારત છોડીને ગયા પરંતુ જતા જતા ખૂબ સરસ નીતિ આપણને શિખવાડી ગયા.”
મહેતા બોલ્યા, “કઇ નીતિ માલિક?”
બિલ્ડર તનેજા ખંધુ હસતા બોલ્યા, “ફૂટ પાડો અને રાજ કરોની નીતિ... અંગ્રેજો જતાં પહેલાં જે કોમવાદનું બીજ રોપતા ગયા હતા તેના માઠા પરિણામો આજે પણ દેશભરમાં દેખાઈ રહ્યા છે. હવે જોને ગણતંત્ર કે સ્વતંત્રતા દિન નિમિતે આપણી દરેક ચેનલો પર “ગદર” અને “બોર્ડર” જેવી પાકિસ્તાન વિરોધી ફિલ્મો જ દેખાડવામાં આવે છે. હવે તું જ કહે કે આપણે આઝાદી અંગ્રેજો પાસેથી મેળવી હતી કે પછી પાકિસ્તાન પાસેથી!!!”
મહેતા હસી પડ્યો.
બિલ્ડર તનેજા બોલ્યો, “આપણે પણ બસ અંગ્રેજોની જ નીતી અમલમાં લાવી આ વસ્તીને નેસ્તનાબૂદ કરી તેના પર નવા પ્રોજેક્ટનો શુભારંભ કરવાનો છે.”
મહેતા બોલ્યા, “પણ કેવી રીતે? બાબાઇંસાના પ્રયત્નોથી આ કબીલાના લોકો ઘણા સુધરી ગયા છે. વળી તેમની એકતાને તોડવી અસંભવ છે.”
બિલ્ડર તનેજાએ સિગારની વધુ એક ફૂંક મારી તેની ધુમ્ર ઉડાવતા કુટિલ નજરે બાબાઇંસા વસ્તીને જોઈ રહ્યા.
*****
આ ઘટનાના થોડાક દિવસો બાદ...
ઇનસા જાતિના કેટલાક લોકો મીનીર, અલીક, ઝુબર બાબાઇંસા વસ્તીમાં આવેલા એક ચબુતરા પાસે બેસી વાતો કરતા હતા, ત્યાંજ મીનીરનો ભાઈ કીરીન દોડતો ભાગતો આવ્યો અને બોલ્યો “ભાઈઓ, તમે સાંભળ્યું?” કીરીન હજુપણ હાંફી રહ્યો હતો.
અલીકે ઊભા થઇ પૂછ્યું “શું થયું ભાઈ?”
માંડ માંડ પોતાના શ્વાસ પર કાબુ રાખતા કીનીર બોલ્યો “આ જુઓ મારા વોટ્સએપ પર આવેલી તસવીરો.” આમ કહેવાની સાથે કીરીને પોતાનો મોબાઈલ ત્રણે જણાને દેખાડ્યો, વોટ્સએપ પર આવેલ ફોટાને જોતા જોતા ત્રણેય જુવાનીયાઓની આંખોમાં લોહી ઉતરી આવ્યું, મુઠ્ઠી ભીંસાઈ અને ચહેરા ગુસ્સાથી વિકૃત બન્યા.
મીનીરે મોટેથી વોટ્સએપનો સંદેશ વાંચ્યો “આજે સવારે બીલસા જતી બસમાં ઇનસાના બાળકોને પરીકાન જાતિના લોકોએ જીવતા સળગાવી દીધા, વિનવણી અને કાકલૂદી કરતા ઇનસાના બાળકો પર પરીકાન કબીલાના લોકોએ જરાયે રહેમ દેખાડી નહીં.” મીનીરે વાંચેલું આગળનું વર્ણન ભયંકર હતું, અમાનવીય હતું. તે વાંચતા વાંચતા તેની આંખમાં અશ્રુ આવ્યા. આંખમાં આવેલા અશ્રુઓને લુછી તેણે આગળ વાંચ્યું “આપણા બાળકોના આત્માને શાંતિ ત્યારે જ મળશે જયારે આપણે તેમની કત્લેઆમનો બદલો લઈશું... જો તમે સાચા ઇનસા હો... મર્દ હો... તો આ મેસેજને આગળ ફોરવર્ડ કરો. તમને બાબાઇંસાની કસમ........”
કીરીને એ મેસેજ ફોરવર્ડ કરતા જ એ ત્રણે જણાએ પોતપોતાના વોટ્સએપ ગ્રુપ પર મેસેજ ફોરવર્ડ કર્યો. ગણતરીની મીનીટોમાં એ સંદેશ આખા ઇનસા કબીલામાં ફેલાઈ ગયો. સંદેશ વાંચી રોષે ભરાયેલા ઇનસા કબીલાના લોકો હાથે ચડ્યું હથિયાર લઈને પરીકાન કબીલાના માણસોની કત્લેઆમ કરવા દોડ્યા.
ઇનસા કબીલાના એ ટોળામાં એક જ નારો ચાલી રહ્યો હતો, “આજની રાત પરીકાન જાતિની અંતિમ રાત હોવી જોઈએ.”
“અલામાંકુલ કી જય”ના નારા સાથે તેઓ પરીકાન જાતિનો વિનાશ કરવાના ઈરાદે આગળ ધસ્યા. પરંતુ આશ્ચર્ય! અંધારામાં “જીલાબોરા કી જય” સાથે હથિયારબંધ પરીકાન કબીલાનું ટોળું પણ સામેથી ધસી આવ્યું. હજુ કોઈ કંઈ સમજે એ પહેલા તો મારકાટ શરૂ થઇ ગઈ, એ રાત બંને કબીલા માટે ગોઝારી બની. આખી રાત ચાલેલી એ કત્લેઆમમાં કંઇ કેટલાય માર્યા ગયા. કપાયેલા હાથ પગ, શરીરના બીજા અંગો જમીન પર વિખરાયેલા પડ્યા અને સડકો લોહીલુહાણ થઇ, બંને કબીલાવાળાઓ એકબીજાનો વિનાશ કરવા મથી રહ્યા. મહિલાઓ, વૃદ્ધો કે બાળકો કોઈના પર પણ જરાય દયાભાવ દેખાડવામાં આવ્યો નહીં. જે ડરીને છુપાઈ બેઠલા હતા તેઓની પણ શોધી શોધીને કતલ કરવામાં આવી. એમનું મૃત્યુ કમકમાટીભર્યું થયું કારણ બંને જાતીના લોકોએ એકબીજાના સગા-વહાલાઓના મોતનો બદલો તેમની સાથે લીધો હતો! સવાર સુધીમાં તો બાબાઇંસાની વાણી સત્ય સાબિત થઇ “અગર તુમ આપસ મેં ઐસે હી લડતે રહે તો એકદિન બસ્તી કે નામ પર યહાં રહેંગે તૂટે ઝોંપડે ઔર કટી લાશો કી યાદેં...”
સવાર સુધીમાં આખી બાબાઇંસા વસ્તીમાં સળગી ગયેલા ઘરોની રાખ અને લોહી નીતરતી લાશો સિવાય કશુંજ બચ્યું નહોતું.
****
એ દિવસના વર્તમાનપત્રો બાબાઇંસા વસ્તીમાં ફાટી નીકળેલા કોમી હુલ્લડના સમાચારોથી જ ભરાયેલા હતા! તનેજા પોતાની એ.સી. રૂમમાં બેસી એક વર્તમાનપત્રમાં છપાયેલા ઇનસા અને પરીકાનની સાંપ્રદાયિક લડાઈના સમાચાર વાંચી રહ્યો હતો.
સમાચાર વાંચી લીધા બાદ તનેજાએ ઊંડો શ્વાસ લીધો અને બેલ વગાડી...
પટાવાળો અંદર આવ્યો.
બિલ્ડર તનેજાએ કહ્યું, “મહેતાને અંદર મોકલ.....”
થોડીવારમાં મહેતા અંદર આવ્યો.
બિલ્ડર તનેજાએ તેને વર્તમાનપત્રમાં છપાયેલા સમાચાર દેખાડતા કહ્યું, “આજના સમાચાર વાંચ્યા?”
મહેતાએ એ સમાચાર પર નજર ફેરવતા કહ્યું, “યુ આર ગ્રેટ સર....”
ઓફિસની દીવારો બંનેના કુટિલ હાસ્યથી ગુંજી ઉઠી!
બિલ્ડર તનેજાએ કહ્યું, “મહેતા, જોયું ધર્માંધતાનું પરિણામ! આપણા ફેલાવેલા એક જુઠ્ઠા મેસેજે કેવી કમાલ કરી. બંને કોમમાં સાંપ્રદાઇક લડાઈ થતી હતી આ વાત તેં મને જણાવી ત્યારથી જ મારા મસ્તિષ્કમાં એક યુક્તિ ઉત્પન્ન થઇ. થોડુક સંશોધન કરતા મને તેમના જુના હુલ્લડની કેટલીક તસવીરો મળી આવી. બસ પછી શું! તે તસવીરોને ફોટોશોપમાં થોડી એડિટ કરી અને ઉશ્કેરણીજનક સંદેશ સાથે ઇનસા અને પરિકાન બંને કબીલાના લોકોના વોટ્સએપ પર મોકલી આપી. જોતજોતામાં મારો સંદેશ વાયરલ થયો અને આગળનું પરિણામ આ અખબારના સમાચાર સ્વરૂપે તારી સામે છે.
બિચારા ધર્માંધ લોકોએ મેસેજની ખરાઈ કરવાની પણ તસ્દી લીધી નહીં અને મુરખાઓની જેમ એકબીજા પર તૂટી પડ્યા. મહેતા, મને આ વસ્તીને ખાલી કરાવવાની જ ચિંતા હતી.”
મહેતા બોલ્યા, “જે હવે ખાલી થઇ ગઈ છે.”
બિલ્ડર તનેજા આંખ મીંચકારી બોલ્યા, “એ પણ બાબાઇંસાની કૃપાથી... જે બાબાઇંસાએ પોતાની આખી જીંદગી આ બંને કબીલાને એક કરવામાં વિતાવી, મેં તેમની જ કસમ અપાવી આ બંને કોમોને એકબીજા સાથે લડાવી. હવે ફટાફટ નવા પ્રોજેક્ટને શરૂ કરવાની તૈયારી કરી દે...”
મહેતા હરખથી બોલ્યા, “જરૂર માલિક... બાબાઇંસા કી જય...”
બિલ્ડર તનેજા બોલ્યા, “બાબાઇંસા કી જય...”
ઓફિસની દીવાલો તે બંનેના કુટિલ હાસ્યથી ગુંજી ઉઠી.
*****